મલાડ-વેસ્ટમાં આવેલા વિનાયક આઇસ વર્લ્ડમાં આઇસક્રીમથી લઈને ક્રીમ, ફ્લેવર સુધીની દરેક આઇટમ ઇનહાઉસ જ બને છે. મારું આ વિનાયક આઇસ વર્લ્ડ શરૂ કર્યાને ચાર વર્ષ થઈ ગયાં છે.
અહીં મળે છે અસ્સલ સૌરાષ્ટ્ર સ્ટાઇલના સફેદ મલાઈના આઇસ ગોલા
તમે રેડીમેડ રબડી અને મિલ્કમેડમાંથી બનેલા મલાઈ ગોલા ઘણા ખાધા હશે, પણ શું તમે સૌરાષ્ટ્રની સ્ટાઇલના મલાઈ ગોલા ક્યારેય ખાધા છે જે બને છે સફેદ દૂધની મલાઈમાંથી? જો નહીં તો તમારે અહીં આવવું જોઈએ જ્યાં તમને કંઈક હટકે મલાઈ ગોલા ખાવાનો ચાન્સ મળશે. આ સિવાય અહીં બીજી પણ અનેક વરાઇટીના આઇસક્રીમ મળી રહેશે.
આદિત્ય કગરાણા કહે છે, ‘મારું આ વિનાયક આઇસ વર્લ્ડ શરૂ કર્યાને ચાર વર્ષ થઈ ગયાં છે. અહીં અમે શરૂઆત આઇસક્રીમ સ્કૂપથી કરી હતી, પણ આઇસક્રીમ સ્કૂપ તો દરેક જગ્યાએ મળી જાય એટલે મારે કંઈ નવું લાવવું હતું. આમ પણ આઇસક્રીમ તો અમે જ ઇનહાઉસ સંચાથી બનાવીએ છીએ એટલે વિચાર્યું કંઈક નવું ટ્રાય કરવું જોઈએ, એટલે તાડગોલા આઇસક્રીમ બનાવ્યો જે મુંબઈમાં અમુક જગ્યાએ મળે છે પણ અમે ઇનહાઉસ જ બનાવીએ છીએ. એને અમે ટેન્ડર કોકોનટ આઇસક્રીમ અને મલાઈ આઇસક્રીમ સાથે સર્વ કરીએ છીએ. અમારા મલાઈ ગોલા અને મલાઈ આઇસક્રીમ, રાજકોટ અને જૂનાગઢમાં જે સફેદ મલાઈ વાપરીને બનાવવામાં આવે છે એ જ રીતે અમે અહીં બનાવીએ છીએ. મુંબઈમાં નૉર્મલી અન્ય સ્થળે મિલ્કમેડ અથવા તો બ્રાઉન રબડીનો ઉપયોગ કરીને મલાઈ ગોલા બનાવતા હોય છે. અમે એવું નથી કરતા. ત્યાં સુધી કે ગોળા ઉપર ઉમેરવામાં આવતી ફ્લેવર પણ ઇનહાઉસ જ રેડી કરવામાં આવે છે. ટૂંકમાં અમે કોઈ રેડીમેડ વસ્તુનો ઉપયોગ ગોળા બનાવવા માટે કરતા નથી.’
ક્યાં મળશે? : વિનાયક આઇસ વર્લ્ડ, માર્વે રોડ,
નૅચરલ્સ આઇસક્રીમની બાજુમાં, મલાડ (વેસ્ટ)


