Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આઇસક્રીમની આ ફ્લેવર પણ ટ્રાય કરી શકાય

આઇસક્રીમની આ ફ્લેવર પણ ટ્રાય કરી શકાય

Published : 20 July, 2026 06:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દર વર્ષે જુલાઈના ત્રીજા રવિવારે વર્લ્ડ આઇસક્રીમ ડે ઉજવાય છે. આ ખાસ દિવસે કુકિંગ એક્સપર્ટ નેહા ઠક્કર લઈને આવ્યા છે કેટલીક અનોખી અને સ્વાદિષ્ટ હોમમેડ આઇસક્રીમ રેસિપીઝ. રોજિંદા ફ્લેવર્સથી અલગ આ ખાસ ફ્લેવર્સ તમારા પરિવાર અને મહેમાનોને ચોક્કસ ગમશે.

આઇસક્રીમ રેસિપિ

આઇસક્રીમ રેસિપિ


દર જુલાઈ મહિનાના ત્રીજા રવિવારે વર્લ્ડ આઇસક્રીમ ડે ઊજવાય છે. આ એવું ડિઝર્ટ છે જે કોઈને ન ભાવતું હોય એવું બને જ નહીં. આજકાલ જાતજાતની ફ્લેવરના આઇસક્રીમ્સ માર્કેટમાં અવેલેબલ છે, પણ આજે કુકિંગ-એક્સપર્ટ નેહા ઠક્કર શૅર કરે છે એકદમ હટકે ફ્લેવરના આઇસક્રીમ્સની રેસિપી. આવી ફ્લેવર્સ તમે ભાગ્યે જ ચાખી હશે 

મીઠા લીમડાનો આઇસક્રીમ



સામગ્રી : મીઠા લીમડાનાં પાન ૧/૨ કપ (તાજાં અને સ્વચ્છ), ફુલ ક્રીમ દૂધ ૨ કપ, વ્હીપિંગ ક્રીમ ૧ કપ, ખાંડ ૧/૨ કપ (સ્વાદ મુજબ), કૉર્નફ્લોર ૨ ચમચી, લીંબુનો રસ ૧/૨ ચમચી, વૅનિલા એસેન્સ ૧/૨ ચમચી
બનાવવાની રીત : એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. એમાંથી ૧/૨ કપ દૂધ અલગ કાઢી એમાં કૉર્નફ્લોર ઉમેરીને ગાંઠ વગરની પેસ્ટ તૈયાર કરો. દૂધ ઊકળવા લાગે ત્યારે એમાં ખાંડ અને મીઠા લીમડાનાં પાન ઉમેરીને ધીમી આંચ પર પાંચથી સાત મિનિટ સુધી ઉકાળો, જેથી પાનનો સુગંધિત અર્ક દૂધમાં સારી રીતે ભળી જાય. હવે દૂધને ગાળી લો અને પાન અલગ કરી દો. દૂધ થોડું ઠંડું થાય પછી એમાં કૉર્નફ્લોરની પેસ્ટ ઉમેરીને ફરી ગરમ કરો. મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ત્યાર બાદ એને રૂમ-ટેમ્પરેચર પર સંપૂર્ણ ઠંડું થવા દો. ઠંડા થયેલા મિશ્રણમાં વ્હીપિંગ ક્રીમ, વૅનિલા એસેન્સ અને લીંબુનો રસ ઉમેરીને બરાબર ફેંટી લો. તૈયાર મિશ્રણને ઍરટાઇટ કન્ટેનરમાં ભરીને પાંચથી ૬ કલાક માટે ફ્રીઝરમાં મૂકો. અડધી રીતે જામી જાય ત્યારે બહાર કાઢી મિક્સરમાં એક વાર બ્લેન્ડ કરીને ફરીથી ફ્રીઝરમાં મૂકી દો. આમ કરવાથી આઇસક્રીમ વધુ ક્રીમી અને સૉફ્ટ બનશે.
સર્વિંગ ટિપ : મીઠા લીમડાના 
ઠંડા-ઠંડા આઇસક્રીમ પર થોડાં તાજાં મીઠા લીમડાનાં પાનની સજાવટ સાથે સર્વ કરો


લીલાં મરચાંનો આઇસક્રીમ

સામગ્રી : બે કપ દૂધ, ૪-૫ લીલાં મરચાંની પેસ્ટ, ૧ ટેબલસ્પૂન કૉર્નફ્લોર, ૧ કપ ફ્રેશ ક્રીમ, ૪ ટેબલસ્પૂન ખાંડ, ૧ ટીસ્પૂન વૅનિલા એસેન્સ, ૧ ટીસ્પૂન લીંબુની છાલનું છીણ (લેમન ઝેસ્ટ), ૧ ટેબલસ્પૂન ખસ સિરપ
બનાવવાની રીત : સૌપ્રથમ બે ટેબલસ્પૂન દૂધમાં કૉર્નફ્લોર ઉમેરીને ગાંઠા વગરનું મિશ્રણ તૈયાર કરો અને બાજુ પર રાખો. હવે બાકીનું દૂધ નૉન-સ્ટિક પૅનમાં ગરમ કરીને ઉકાળો. દૂધ ઊકળવા લાગે ત્યારે એમાં ખાંડ અને કૉર્નફ્લોરનું મિશ્રણ ઉમેરો. એને સતત હલાવતા રહો જેથી મિશ્રણ ઘટ્ટ થઈ જાય. ત્યાર બાદ મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો અને બે કલાક માટે ફ્રીઝરમાં મૂકો. બીજા બાઉલમાં ફ્રેશ ક્રીમ, લીલાં મરચાંની પેસ્ટ, વૅનિલા એસેન્સ, ખસ સિરપ અને લીંબુની છાલનું છીણ ભેળવીને બે કલાક માટે ફ્રીઝરમાં મૂકો. હવે બન્ને મિશ્રણને અલગ-અલગ મિક્સરમાં સારી રીતે બ્લેન્ડ કરો. ત્યાર બાદ બન્ને મિશ્રણને એકસાથે મિક્સ કરીને ફરી ૪ કલાક માટે ડીપ ફ્રીઝરમાં સેટ થવા મૂકો.


મિલેટ્સ આઇસક્રીમ

સામગ્રી : ૧૦૦ ગ્રામ રાગી (ફિંગર મિલેટ), ૧૦૦ ગ્રામ થિનાઈ (ફોક્સટેલ મિલેટ), ૧૦૦ ગ્રામ કુથિરૈવાલી (બાર્નયાર્ડ મિલેટ), ૧૦૦ ગ્રામ વરાગુ (કોડો મિલેટ), ૧૦૦ ગ્રામ સામાઈ (લિટલ મિલેટ), ૨૦૦ મિલી. કન્ડેન્સ્ડ મિલ્ક, ૨૦૦ મિલી. ફ્રેશ ક્રીમ, ૧ કપ ગોળ
બનાવવાની રીત : બધા મિલેટ્સને એકસાથે લઈને સૂકા તવામાં હળવા શેકી લો. પછી એને એક વાર ધોઈ લો. ઊકળતા પાણીમાં મિલેટ્સને નરમ થાય ત્યાં સુધી બાફી લો. હવે એમાં ગોળ ઉમેરો અને ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. મિશ્રણને ઠંડું થવા દો. ઠંડા થયેલા મિશ્રણની ફૂડ-પ્રોસેસરમાં બારીક અને સ્મૂથ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને આઇસક્રીમ ટ્રે અથવા કોઈ ઍરટાઇટ કન્ટેનરમાં ભરી લો. એને રાતભર ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દો. બીજા દિવસે સ્કૂપ કરીને સર્વ કરો. પૌષ્ટિક મિલેટ્સ, ગોળની કુદરતી મીઠાશ અને ક્રીમી ટેક્સ્ચરથી ભરપૂર આ આઇસક્રીમનો અનોખો સ્વાદ તમને જરૂરથી ગમશે.

કોથમીર આઇસક્રીમ

સામગ્રી ઃ ૧ કપ દૂધ, ૧ કપ ફ્રેશ ક્રીમ, પા કપ તાજી કોથમીર, બે-ત્રણ મીઠા લીમડાનાં પાન, ૩-૪ લીંબુનાં પાન, બે ટેબલસ્પૂન કૉર્નફ્લોર, ૩ ટેબલસ્પૂન ખાંડ, બે ટેબલસ્પૂન મિલ્ક-પાઉડર
બનાવવાની રીત ઃ સૌપ્રથમ લીંબુનાં પાનને માઇક્રોવેવમાં ડ્રાય કરી લો અને પછી એને બારીક પીસીને પાઉડર બનાવો. એક સૉસપૅનમાં દૂધ ગરમ કરો. ગૅસ બંધ કરીને એમાં ઝીણી સમારેલી કોથમીર અને મીઠા લીમડાનાં પાન ઉમેરો. કૉર્નફ્લોરને બે ટેબલસ્પૂન ઠંડા દૂધમાં ઓગાળીને તૈયાર કરો. હવે આ મિશ્રણ ગરમ દૂધમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરો. એને ધીમી આંચ પર બે-ત્રણ મિનિટ સુધી સતત હલાવતા પકાવો જેથી મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય. હવે મિશ્રણને ઢાંકીને સંપૂર્ણ ઠંડું થવા દો. ત્યાર બાદ એને ગરણી વડે ગાળી લો. ગાળેલા મિશ્રણને મિક્સરના જારમાં લો. એમાં ફ્રેશ ક્રીમ, મિલ્ક પાઉડર અને ખાંડ ઉમેરીને સારી રીતે બ્લેન્ડ કરો. તૈયાર મિશ્રણને ફ્રીઝરપ્રૂફ કન્ટેનરમાં ભરીને સાત-આઠ કલાક અથવા સંપૂર્ણ સેટ થાય ત્યાં સુધી ડીપ ફ્રીઝમાં રાખો. તૈયાર કોથમીર આઇસક્રીમને ફ્રેશ કોથમીર અને લાઇમ લીફ કૅરૅમલ ટ્યુઇલથી સજાવીને ઠંડો-ઠંડો સર્વ કરો.
ટિપ : વધુ ક્રીમી ટેક્સ્ચર માટે 
ત્રણ-ચાર કલાક પછી આઇસક્રીમને એક વાર ફરી બ્લેન્ડ કરીને ફરી ફ્રીઝમાં સેટ કરો.

Whatsapp-channel Whatsapp-channel

20 July, 2026 06:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK