૨૦૨૧માં અમેરિકન કૅન્સર સોસોયટીએ પબ્લિશ કરેલી કૅન્સર નામની જર્નલમાં આર્ટિફિશ્યલ લાઇટને કારણે થાઇરૉઇડ કૅન્સર થવાનું જોખમ વધારે હોવાનું નોંધ્યું છે.
નાઈટ લાઇટ
શહેરી જીવનમાં રાતનો સમય લાઇટથી ઝગમગ થતો રહે છે અને આપણે એને સુવિધા સમજીએ છીએ. જોકે છેલ્લા લગભગ બે દાયકાથી છાશવારે વિવિધ સંશોધકો દ્વારા એવી ચેતવણી અપાઈ છે કે રાતના સમયે લાંબો સમય આર્ટિફિશ્યલ લાઇટમાં રહેવાને કારણે કૅન્સર થવાનું રિસ્ક વધે છે. વીજળી અને આર્ટિફિશ્યલ લાઇટની શોધ માનવ-ઉત્ક્રાન્તિમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે, પરંતુ એનાથી લાંબા ગાળે માનવજાતિને નુકસાન થયું છે અને કૃત્રિમ લાઇટને કારણે કૅન્સરનું જોખમ વધ્યું છે. ૨૦૧૦માં ઇઝરાયલની યુનિવર્સિટી ઑફ હૈફાના નિષ્ણાતોએ સાયન્ટિફિકલી રાતની લાઇટ અને કૅન્સર વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતું રિસર્ચ-પેપર તૈયાર કર્યું હતું. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચના નિષ્ણાતોએ ૧૫૮ દેશોના કૅન્સરના દરદીઓનો આર્ટિફિશ્યલ લાઇટના સંસર્ગને કારણે થતી અસર પર અભ્યાસ કર્યો હતો. એમાં નોંધાયું હતું કે ફેફસાં, બ્રેસ્ટ, કોલોરેક્ટલ (આંતરડાં) અને પ્રોસ્ટેટનું કૅન્સર થવાનું રિસ્ક આર્ટિફિશ્યલ લાઇટને કારણે ખૂબ વધે છે. ૨૦૨૧માં અમેરિકન કૅન્સર સોસોયટીએ પબ્લિશ કરેલી કૅન્સર નામની જર્નલમાં આર્ટિફિશ્યલ લાઇટને કારણે થાઇરૉઇડ કૅન્સર થવાનું જોખમ વધારે હોવાનું નોંધ્યું છે.
કારણ શું?
ADVERTISEMENT
નિષ્ણાતોનું કહેવું છે કે સૂર્યના કુદરતી પ્રકાશ મુજબ શરીરની સૂવા, ઊઠવા, જમવાની ક્રિયાઓ પહેલેથી ગોઠવાયેલી હોય છે. બૉડીની પોતાની હૉર્મોનલ સાઇકલ હોય છે જે પ્રકાશના આધારે કામ કરે છે જેને બૉડીની સર્કાડિયન રિધમ કહેવાય છે. રાતના સમયે પણ લાંબો સમય ઉજાશમાં રહેવાથી બૉડીમાં મેલૅટોનિન નામનું કેમિકલ ઘટે છે જે ઊંઘની સાઇકલ બગાડે છે. મેલૅટોનિનથી ઇસ્ટ્રોજન અને અન્ય હૉર્મોન્સમાં અસંતુલન પેદા થાય છે જે બૉડી-ક્લૉક ખોરવી દે છે. લાંબા ગાળા સુધી આ બદલાવ શરીરના મૂળભૂત કોષોમાં બદલાવ લાવીને અસામાન્ય રીતે વધતા કૅન્સરના કોષો માટે મોકળું મેદાન પૂરું પાડે છે.

