થાઇરૉઇડની સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે. એની સારવારની સાથે લાઇફસ્ટાઇલ અને ડાયટ નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કલોંજી જેવા મસાલાનું સેવન થાઇરૉઇડના સ્વાસ્થ્ય માટે કેટલું મદદરૂપ થઈ શકે છે અને એના સેવન વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણીએ એક્
પ્રતીકાત્મક તસવીર
થાઇરૉઇડની સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે. એની સારવારની સાથે લાઇફસ્ટાઇલ અને ડાયટ નું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કલોંજી જેવા મસાલાનું સેવન થાઇરૉઇડના સ્વાસ્થ્ય માટે કેટલું મદદરૂપ થઈ શકે છે અને એના સેવન વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણીએ એક્સપર્ટ પાસેથી
દાળ, શાક, કઢીમાં સ્વાદ વધારવા માટે વઘારમાં, વિવિધ પ્રકારનાં અથાણાંમાં કે નાન બનાવતી વખતે કલોંજીનો ઉપયોગ થતો હોય છે. દેખાવમાં નાનાં, કાળાં, ત્રિકોણાકાર તેમ જ સ્વાદમાં તીખાં, સહેજ કડવાં અને મસાલેદાર આ બીજ થાઇરૉઇડને મૅનેજ કરવામાં મદદરૂપ બનતાં હોવાનું મનાય છે. પ્રારંભિક સંશોધનો સૂચવે છે કે કલોંજી થાઇરૉઇડ હેલ્થને સપોર્ટ કરી શકે છે, ખાસ કરીને હાઇપોથાઇરૉઇડિઝમ અને હાશિમોટોઝ થાઇરૉઇડાઇટિસ ધરાવતા લોકોમાં. હાઇપોથાઇરૉઇડિઝમ એક એવી મેડિકલ કન્ડિશન છે જેમાં થાઇરૉઇડ ગ્રંથિ શરીરની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં હૉર્મોન બનાવી શકતી નથી, જ્યારે હાશિમોટોઝ એ એક ઑટોઇમ્યુન સમસ્યા છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પોતાની જ થાઇરૉઇડ ગ્રંથિ પર હુમલો કરે છે. આના કારણે ગ્રંથિમાં સોજો આવે છે અને ધીમે-ધીમે એને નુકસાન પહોંચે છે, જેના પરિણામે પણ હાઇપોથાઇરૉઇડિઝમ થઈ શકે છે. આ હૉર્મોન્સની ઊણપની સીધી અસર શરીરની ઊર્જા, વજન અને પાચનક્રિયા પર પડે છે. આ જ કારણે આવા દરદીઓને સતત થાક લાગવો, વજન વધવું, ઠંડી વધુ લાગવી અને કબજિયાત જેવી તકલીફોનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
કલોંજી હાશિમોટોઝ થાઇરૉઇડમાં કેવી રીતે ફાયદો કરે છે એ સમજાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘હાશિમોટોઝમાં આપણી જ રોગપ્રતિકારક શક્તિ ભૂલથી થાઇરૉઇડ ગ્રંથિ પર હુમલો કરી બેસે છે, જેનાથી ગ્રંથિમાં સોજો આવે છે અને એ ધીમી પડી જાય છે. કલોંજીમાં રહેલું થાઇમોક્વિનોન નામનું તત્ત્વ કુદરતી રક્ષક જેવું કામ કરે છે. એ શરીરનો અંદરનો સોજો ઘટાડે છે અને થાઇરૉઇડના સેલ્સને ડૅમેજ થતાં બચાવે છે. કેટલાંક સંશોધનોમાં પણ જોવા મળ્યું છે કે કલોંજી લેવાથી થાઇરૉઇડ હૉર્મોન્સનું સંતુલન સુધરે છે અને ગ્રંથિ પર થતો આંતરિક હુમલો ધીમો પડે છે. જોકે આ વિષય પર હજુ ખૂબ મર્યાદિત સ્ટડીઝ થઈ છે.’
કઈ રીતે સેવન કરવું?
કલોંજી ફાયદાકારક ચોક્કસ છે, પણ એનું પ્રમાણ અને લેવાની સાચી રીત જાણવી એટલી જ જરૂરી છે. આ વિશે અપેક્ષા ઠક્કર કહે છે, ‘કલોંજીનું સેવન રોજ ફક્ત બે ગ્રામ એટલે કે અડધી નાની ચમચી જેટલું જ કરવું, એનાથી વધારે નહીં. કલોંજી લેવાનો સૌથી ઉત્તમ રસ્તો એ છે કે એને ધીમા તાપે હળવી શેકીને એનો પાઉડર બનાવી લેવો. આ પાઉડર તમે સવારે હૂંફાળા પાણી સાથે લઈ શકો છો. જો તમે સવારે થાઇરૉઇડની દવા લેતા હો તો પહેલાં ભૂખ્યા પેટે દવા લેવી અને એના ૪૫થી ૬૦ મિનિટ પછી અથવા નાસ્તા સાથે જ કલોંજીનું સેવન કરવું. આ સિવાય રોટલી કે થેપલાના લોટમાં, દાળ-શાકના વઘારમાં અથવા રાયતા-ખાખરા પર ભભરાવીને પણ ખાઈ શકાય. જો તમને ડાયાબિટીઝ હોય અથવા તમે વજન નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હો તો કલોંજીને મધ સાથે લેવાનું ટાળવું જોઈએ, કારણ કે મધમાં પણ શુગર જ હોય છે. આપણી પાસે એને આહારમાં સામેલ કરવાના બીજા ઘણા સારા વિકલ્પો છે જ.’
શું ધ્યાન રાખવું?
જો તમે હાઇપોથાઇરૉઇડિઝમ કે હાશિમોટોઝ માટે કલોંજીનું સેવન શરૂ કરવા વિચારતા હો તો અપેક્ષા ઠક્કર આ મહત્ત્વની સાવચેતીઓ રાખવાની સલાહ આપે છે.
મુખ્ય દવા ક્યારેય બંધ ન કરવી: કલોંજી એ કુદરતી પૂરક આહાર છે, એ તમારી થાઇરૉઇડની દવાનો વિકલ્પ નથી. એથી કલોંજી શરૂ કર્યા પછી પણ ડૉક્ટરે લખી આપેલી ગોળી નિયમિત ચાલુ જ રાખવી. પોતાની મેળે ક્યારેય દવા બંધ ન કરવી કે ડોઝ ઘટાડવો નહીં.
છથી ૮ અઠવાડિયે TSH ટેસ્ટ: કલોંજીની શરીર પર થતી અસર સમજવામાં સમય લાગે છે. એથી કલોંજી શરૂ કર્યાના છથી ૮ અઠવાડિયાં પછી બ્લડ-ટેસ્ટ કરાવીને TSH (થાઇરૉઇડ સ્ટિમ્યુલેટિંગ હૉર્મોન)નું લેવલ અચૂક ચેક કરાવવું.
ડોઝમાં જાતે ફેરફાર ન કરવો : જો તમારા રિપોર્ટમાં TSH લેવલમાં ફેરફાર દેખાય, ખાસ કરીને જો એ નૉર્મલ રેન્જ કરતાં ઘટી જાય તો તરત જ તમારા ડૉક્ટરને રિપોર્ટ બતાવો, કારણ કે તમારી દવાનો ડોઝ ઍડ્જસ્ટ કરવાની જરૂર પડી શકે છે.
બીજા ફાયદા પણ જાણી લો
કલોંજી બ્લડ-શુગર મૅનેજમેન્ટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. અભ્યાસો સૂચવે છે કે એ ફાસ્ટિંગ શુગર, જમ્યા પછીની શુગર અને ત્રણ મહિનાની ઍવરેજ શુગર HbA1cને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. કલોંજી વેઇટ-મૅનેજમેન્ટને સપોર્ટ કરવામાં તેમ જ બ્લડ-પ્રેશર મૅનેજમેન્ટ બન્નેમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. એ સિવાય કલોંજીનો ઉપયોગ ઍસિડિટી, ડાઇજેશન અને પેટના દુખાવા સંબંધિત સમસ્યાઓમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.
કોણે ધ્યાન રાખવું?
ડાયાબિટીઝના દરદીઓ : કલોંજી બ્લડ-શુગર ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. એથી ડાયાબિટીઝની દવા કે ઇન્સ્યુલિન લેતા દરદીઓએ કલોંજીનું સેવન કરતી વખતે સાવચેતી રાખવી અને શુગરનું નિયમિત મૉનિટરિંગ કરવું.
લોહી પાતળું કરવાની દવા લેતા લોકો : કલોંજી લોહી ગંઠાવાની પ્રક્રિયા પર અસર કરી શકે છે. એથી આવી દવા લેતા લોકોએ કલોંજીનું નિયમિત કે વધુ પ્રમાણમાં સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.
સગર્ભા સ્ત્રીઓ : ગર્ભાવસ્થા દરમ્યાન કલોંજીના પાઉડર કે તેલનું ઔષધીય પ્રમાણમાં સેવન ટાળવું. જોકે રસોઈમાં મસાલા તરીકે વપરાતી થોડી કલોંજી સામાન્ય રીતે લઈ શકાય છે.
બ્લડ-પ્રેશરની દવા લેતા લોકો : કલોંજી બ્લડ-પ્રેશરને વધુ નીચું લાવી શકે છે, તેથી નિયમિતપણે બ્લડ-પ્રેશર (BP) ચેક કરતા રહેવું.
સર્જરી પહેલાં : કોઈ પણ પ્લાન્ડ સર્જરીનાં ઓછામાં ઓછાં બે અઠવાડિયાં પહેલાં કલોંજીનું સેવન બંધ કરી દેવું.
કલોંજીની સાથે ડાયટમાં આટલું પણ ધ્યાન રાખો
હાઇપોથાઇરૉઇડિઝમમાં થાઇરૉઇડ ગ્રંથિ પૂરતા પ્રમાણમાં હૉર્મોન્સ બનાવી શકતી નથી, જેના કારણે શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. આ સ્થિતિમાં સંતુલિત આહાર લેવો જરૂરી છે એમ જણાવતાં અપેક્ષા ઠક્કર કહે છે, ‘આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, સેલેનિયમ, ઝિન્ક, આયર્ન અને વિટામિન D મળી રહે એનું ધ્યાન રાખવું. સાથે જ પૂરતી ઊંઘ, સ્ટ્રેસ-મૅનેજમેન્ટ, નિયમિત એક્સરસાઇઝ, પૂરતું પાણી પીવું અને સમયાંતરે થાઇરૉઇડની તપાસ કરાવવી પણ એટલું જ જરૂરી છે. કલોંજીના સંભવિત ફાયદા હોઈ શકે છે, પરંતુ એને થાઇરૉઇડની સારવારનો વિકલ્પ ન માનવો. કલોંજી કોઈ ચમત્કારિક દવા નથી. એને રોજિંદા આહારમાં મર્યાદિત માત્રામાં મસાલા તરીકે સામેલ કરી શકાય છે, પરંતુ ઔષધીય પ્રમાણમાં એનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.’
