Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ટાઇપ-2 ડાયાબિટીઝને ડાયટથી રિવર્સ કરવો શક્ય છે?

ટાઇપ-2 ડાયાબિટીઝને ડાયટથી રિવર્સ કરવો શક્ય છે?

Published : 30 March, 2026 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણી વાર આપણે શું ખાઈએ છીએ એના કરતાં ક્યારે અને કેટલું ખાઈએ છીએ એ વધુ મહત્ત્વનું બની જાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બદલાતી જતી લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીની આદતોને કારણે ટાઇપ-2 ડાયાબિટીઝ જાણે ઘરે-ઘરે મહેમાન બની ગયો છે. ડાયાબિટીઝમાં છે માત્ર ગળપણનો ત્યાગ જરૂરી નથી, પણ તમારા ભોજનમાં એક સ્માર્ટ સંતુલન લાવવું પણ જરૂરી છે. જો આપણે આપણી પ્લેટને થોડી સમજી-વિચારીને સજાવીએ તો દવાથી પણ વધુ અસરકારક રીતે બ્લડશુગરને કન્ટ્રોલમાં રાખી શકાય છે.
ડાયાબિટીઝ-મૅનેજમેન્ટમાં સૌથી પહેલો નિયમ છે કાર્બોહાઇડ્રેટ્સની પસંદગી. આપણે ત્યાં રોટલી, ભાત કે બટાટા જેવી વસ્તુઓ મુખ્ય ખોરાક છે જે બ્લડશુગર ઝડપથી વધારે છે. એની જગ્યાએ કૉમ્પ્લેક્સ કાર્બ્સ એટલે કે ફાઇબરયુક્ત ખોરાક જેવો કે જુવાર, બાજરી, ઓટ્સ કે આખા કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ. આ ખોરાક ધીમે-ધીમે પચે છે, જેથી શુગર-લેવલમાં એકાએક ઉછાળો આવતો નથી.

તમારા દરેક ભોજનમાં પ્રોટીનનું સ્થાન અનિવાર્ય હોવું જોઈએ. કઠોળ, પનીર કે અંકુરિત મગ માત્ર સ્નાયુઓને મજબૂત નથી કરતાં, પેટને લાંબો સમય ભરેલું પણ રાખે છે. એની સાથે લીલાં પાંદડાંવાળી શાકભાજીનું ફાઇબર એક જાળી જેવું કામ કરે છે જે લોહીમાં ગ્લુકોઝના શોષણને ધીમું પાડે છે. જો તમે તમારી પ્લેટને અડધી શાકભાજીથી, પા ભાગને પ્રોટીનથી અને બાકીના પા ભાગને અનાજથી ભરો છો તો તમે અડધો જંગ જીતી ગયા સમજો.



ડાયાબિટીઝ છે એટલે ગળ્યું તો અડાય જ નહીં આ ધારણા હવે થોડી જૂની થઈ ગઈ છે. જરૂર છે માત્ર માપ અને સ્રોત સમજવાની. પ્રોસેસ્ડ શુગર કે કોલ્ડ ડ્રિન્ક્સ લેવાને બદલે કુદરતી ગળપણ જેમ કે તાજાં ફળો લેવાં વધુ હિતાવહ છે. ખાસ કરીને જાંબુ, સફરજન કે પપૈયું ડાયાબિટીઝના દરદીઓ માટે સારા વિકલ્પ છે. યાદ રાખો, ફળોનો જૂસ પીવા કરતાં આખું ફળ ખાવું હંમેશાં ફાયદાકારક છે.


ઘણી વાર આપણે શું ખાઈએ છીએ એના કરતાં ક્યારે અને કેટલું ખાઈએ છીએ એ વધુ મહત્ત્વનું બની જાય છે. એકસાથે ભારે ભોજન લેવાને બદલે દિવસ દરમિયાન નાના-નાના અંતરે હેલ્ધી સ્નૅક્સ લેવાથી શુગર-લેવલ સ્ટેબલ રહે છે. રાતનું ભોજન હલકું અને ઊંઘવાના ઓછામાં ઓછા બે-ત્રણ કલાક પહેલાં લેવાની આદત શરીરની ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા વધારે છે. આનાથી ડાયાબિટીઝ રિવર્સ થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ પોતાના શરીરના કુલ વજનના ૧૦ ટકાથી ૧૫ ટકા વજન ઘટાડે તો લિવર અને પૅન્ક્રિયાસની આસપાસ જામેલી ચરબી ઓછી થાય છે. આનાથી સ્વાદુપિંડ ફરીથી ઇન્સ્યુલિન બનાવવાનું શરૂ કરી શકે છે. ટાઇપ-2 ડાયાબિટીઝમાં શરીર ઇન્સ્યુલિન વાપરી શકતું નથી. જ્યારે તમે ડાયટની સાથે મસલ-ટ્રેઇનિંગ કે ઝડપી ચાલવાની કસરત કરો છો ત્યારે તમારા સ્નાયુઓ લોહીમાંથી શુગર સીધી જ ખેંચવા લાગે છે, જે ડાયાબિટીઝ રિવર્સલની પ્રક્રિયા ઝડપી બનાવે છે. જેમને ડાયાબિટીઝ થયાને પાંચ વર્ષ કરતાં ઓછો સમય થયો હોય તો તેમનામાં રિવર્સલના ચાન્સ વધુ હોય છે, પણ આ તમામ ચીજો નિષ્ણાતની દેખરેખ હેઠળ થવી વધુ હિતાવહ છે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK