Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળકોનું હાડકું ભાંગે તો પ્લાસ્ટરથી કામ થઈ જતું હોય છે, સર્જરીની જરૂર મોટા ભાગે પડતી નથી

બાળકોનું હાડકું ભાંગે તો પ્લાસ્ટરથી કામ થઈ જતું હોય છે, સર્જરીની જરૂર મોટા ભાગે પડતી નથી

Published : 12 August, 2026 09:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકનું હાડકું બહુ ઝડપથી સંધાઈ જાય છે, પણ એનું પ્લાસ્ટર યોગ્ય રીતે થાય એ જોવું જરૂરી છે

ડૉ. અમિત મહેતા, ઑર્થોપેડિક સર્જ્યન

ડૉ. અમિત મહેતા, ઑર્થોપેડિક સર્જ્યન


‘તમારું બાળક પડી ગયું છે.’
આવા સમચાર કોઈ પણ મમ્મી-પપ્પાને મળે એટલે રીતસરનો ધ્રાસકો પડે. બાળક સાઇકલ પરથી પડ્યું હોય, રમતના મેદાનની લપસણી પરથી પડ્યું હોય કે ક્રિકેટના મેદાન પરથી પડ્યું હોય. ફ્રૅક્ચર એ બાળકોમાં જોવા મળતી સૌથી સામાન્ય ઈજાઓમાંથી એક છે. સારી વાત એ છે કે બાળકોનાં હાડકાં પુખ્ત વયના લોકોનાં હાડકાં કરતાં વધુ ઝડપથી રુઝાય છે અને સમયસર સારવારથી મોટા ભાગનાં બાળકો સંપૂર્ણપણે સાજાં થઈ જાય છે અને તેમની સામાન્ય પ્રવૃત્તિઓમાં પાછાં ફરે છે.
બાળકો સ્વભાવે સાહસિક હોય છે. દોડવું, ચડવું, કૂદવું અને રમતો રમવી એ તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી છે. જોકે એનાથી ઈજા થવાનું જોખમ પણ વધે છે. પુખ્ત વયના લોકોનાં હાડકાંથી વિપરીત બાળકોનાં હાડકાં હજી પણ વધી રહ્યાં હોય છે અને વધુ ફ્લેક્સિબલ હોય છે. એમાં ગ્રોથ પ્લેટ્સ હોય છે જે બાળકોનું વિશિષ્ટ સ્ટ્રક્ચર બનાવે છે, પરંતુ એ ઈજા માટે વધુ સંવેદનશીલ પણ હોય છે અને તેથી ખાસ ધ્યાન આપવાયોગ્ય છે.
ફ્રૅક્ચર ધરાવતું બાળક સામાન્ય રીતે દુખાવો કે સોજો છે એવી ફરિયાદ કરે છે. આ ઉપરાંત એ ભાગને હલાવવામાં તેને તકલીફ પડે છે. ક્યારેક સ્પષ્ટ મોચ કે આકાર બદલાયેલો દેખાઈ શકે છે, જ્યારે કોઈ વખત ઈજા ફક્ત મચકોડ જેવી લાગી શકે છે. એ માટે પડ્યા પછી સતત થતા દુખાવાને ક્યારેય નજરઅંદાજ કરવો જોઈએ નહીં અને તબીબી તપાસ કરાવવી હંમેશાં યોગ્ય રહે છે. કાળજીપૂર્વકની તપાસ અને એક્સ-રે દ્વારા નિદાન સામાન્ય રીતે સરળ હોય છે. ક્યારેક મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) અથવા કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કૅન જેવા વધુ અદ્યતન ઇમેજિંગની જરૂર પડી શકે છે, ખાસ કરીને જો ફ્રૅક્ચરમાં સાંધો અથવા ગ્રોથ પ્લેટ સામેલ હોય.
સૌભાગ્યે, બાળકોમાં મોટા ભાગના ફ્રૅક્ચરની સારવાર સર્જરી વિના કરી શકાય છે. પ્લાસ્ટરનો પાટો ઘણી વાર હાડકાને રૂઝ આવતી વખતે યોગ્ય સ્થિતિમાં રાખવા માટે પૂરતો હોય છે. કેટલાંક ફ્રૅક્ચરમાં પ્લાસ્ટર લગાવતાં પહેલાં હાડકાંને હળવાશથી એક લાઇનમાં લાવવાની જરૂર પડે છે. સર્જરી માત્ર વધુ જટિલ ઈજાઓ, ખુલ્લા ફ્રૅક્ચર, સાંધા ધરાવતા ફ્રૅક્ચર અથવા અસ્થિર ફ્રૅક્ચર માટે જ જરૂરી હોય છે.
બાળકોનો સૌથી મોટો ફાયદો તેમની અસાધારણ રૂઝ આવવાની ક્ષમતા છે. તેમનાં હાડકાં જેમ-જેમ વધે છે તેમ-તેમ ફરીથી આકાર લેવાની શ્રેષ્ઠ ક્ષમતા ધરાવે છે જેનાથી નાની વિકૃતિઓ સમય જતાં ધીમે-ધીમે જાતે જ સુધરી જાય છે. આ કારણે જ બાળકોમાં સારવારના નિર્ણયો ઘણી વાર પુખ્ત વયના લોકો કરતાં અલગ હોય છે. મમ્મી-પપ્પા આ બાબતે ચિંતા ન કરે, જ્યારે હાડકાં તૂટે ત્યારે ફ્રૅક્ચરથી ગભરાય નહીં એ જરૂરી છે.  


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 09:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK