જોકે એ હકીકત છે કે એનો ઇલાજ નાનપણથી કરીએ તો ઘણું સારું પડે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમુક બાળકોનાં પગનાં તળિયાં એકદમ સપાટ હોય છે જેને ફ્લૅટ ફીટ કહેવાય છે. આવાં બાળકોને મોટા ભાગે આ વસ્તુ વારસાગત આવી હોય છે. ઘણાં બાળકો એવાં પણ છે જેમનાં માતા-પિતાનાં તળિયાં સપાટ નથી પણ તેમનાં છે. ઘણી વખત અમારી પાસે પેરન્ટ્સ એવી ફરિયાદ લઈને આવતા હોય છે કે તેમનાં બાળકો આજકાલ ખૂબ થાકી જાય છે, તેમના પગનો દુખાવો સતત રહેતો હોય છે અને આ દુખાવા પાછળનું કારણ તેમને બાળકનું સપાટ તળિયું લાગતું હોય છે. માન્યતા એ છે કે બાળક મોટું થશે એટલે આપોઆપ એ તળિયાંમાં વળાંક આવી જશે. એવું થાય પણ છે. જોકે જ્યાં સુધી દુખાવાની વાત થઈ રહી છે તો હકીકતે જેમનાં તળિયાં સપાટ હોય એને કારણે જે તકલીફ હોય છે એ ઘૂંટણમાં થતી હોય છે. એનાથી પગ ન દુખે. એ પણ ૧૦-૧૨ વર્ષની નાની ઉંમરે તો ન જ દુખે. બને કે એ એનું ગ્રોઇંગ પેઇન હોય. બાળકો મોટાં થાય ત્યારે તેમનો જે વિકાસ થાય છે એને કારણે સ્નાયુઓ દુખતા હોય છે. ઘૂંટણની તકલીફ ભવિષ્યમાં આવી શકે, હમણાં તો એ પણ નહીં આવે. ઘણા લોકો સપાટ તળિયાં સાથે આખું જીવન વ્યતીત કરે છે અને તેમને કોઈ તકલીફ આવતી જ નથી, ઘણા લોકોને આવે છે. જોકે એ હકીકત છે કે એનો ઇલાજ નાનપણથી કરીએ તો ઘણું સારું પડે.
નાનપણમાં બાળકનો પગ અને એના સ્નાયુઓનો હજી વિકાસ થઈ રહ્યો હોય છે, પણ ૧૦ વર્ષની ઉંમરે કોઈ પણ બાળકનાં તળિયાં સપાટ છે કે નહીં એ તો ચકાસીને કહી જ શકાય. જ્યારે ખબર પડે કે આ બાળકનાં તળિયાં સપાટ છે ત્યારે એને ઠીક કરવાના પ્રયત્નો એ જ ઉંમરથી ચાલુ કરી દેવા જરૂરી છે. ફ્લૅટ ફીટનો એક જ ઇલાજ છે - ઇન્સોલ. પગમાં પહેરાતાં શૂઝમાં એક ઇન્સોલ દાખલ કરી દેવું જરૂરી છે. શરૂઆતમાં એ આદત ન હોય એટલે વિચિત્ર લાગે, પરંતુ ધીમે-ધીમે આદત પડી જાય. નાનપણમાં ફ્લૅટ ફીટને લીધે બાલકનું પૉશ્ચર બગડે કે તેના સ્નાયુઓ નબળા રહી જાય નહીં એ માટે તેને ઇન્સોલ્સની મદદ જરૂરી રહે છે. જો ઇન્સોલ્સ પહેરે તો નાનપણમાં જ નહીં, મોટા થઈને પણ ફ્લૅટ ફીટને લઈને થતી સમસ્યાઓમાં ઘટાડો જોવા મળે છે. બાળકોમાં આ ઇન્સોલ્સ તેમના પગનું માપ બદલે એ રીતે બદલવા પણ જરૂરી છે. દર વર્ષે તેમને ફૉલો-અપ માટે નિષ્ણાત પાસે લઈ જઈને પગની હાલત કેવી છે એ રેગ્યુલર ચેક કરાવવું જો ઈએ. બાળકોમાં જ્યારે આટલી તકેદારી રાખવામાં આવે ત્યારે જીવનભર તેમને કોઈ ખાસ તકલીફ ફ્લૅટ ફીટને કારણે જોવા મળતી નથી.
ADVERTISEMENT
- ડૉ. વિભૂતિ કાણકિયા
