દાંતની હેલ્થમાં પણ આપણી આદતો મહત્ત્વનો ભાગ ભજવે છે અને ખાસ કરીને નાનાં બાળકોમાં એને લગતી સારી આદતો જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
આજે નાનાં-નાનાં અઢી-ત્રણ વર્ષનાં બાળકો રૂટ કનૅલ માટે આવે છે કારણ કે ક્યાંક ને ક્યાંક તેમની ઈટિંગ હૅબિટ્સમાં ગોટાળા છે. બાળક જેને સ્વીટ ખૂબ ભાવે અને પેરન્ટ્સ ગમે તે સમયે તેને ચૉકલેટ ખાવા આપી દે. પછી મોઢું સાફ ન કરે. એ સાકરનો ભાગ મોઢામાં પાંચ-છ કલાક રહે એટલે બૅક્ટેરિયા ઉત્પન્ન કરે. જે પણ ખાવાનું મોઢામાં રહી જાય એ સડો ઉત્પન્ન કરે છે. આ વાત મોટાને પણ લાગુ પડે અને બાળકોને પણ. નાનપણમાં બાળક દૂધ પીતું હોય ત્યારથી અમુક પ્રકારનું ધ્યાન જો તેના પેરન્ટ્સ રાખે તો બાળકના દાંતમાં ક્યારેય સડો ન લાગે. એવી જ રીતે તાજુ જન્મેલું બાળક દૂધ પીએ એ પછી તેના મોઢાને એક સાફ કૉટનના કપડાથી ટચલી આંગળી નાખીને સાફ કરી દો તો દૂધનો હિસ્સો મોઢામાં રહેશે નહીં. આજે દૂધમાં સૌથી વધુ શુગર છે અને એ શુગર લાંબા સમય સુધી મોઢામાં રહેવાથી બૅક્ટેરિયલ ગ્રોથ થતો હોય છે.
બ્રિટિશર્સ આવ્યા અને ભોજનના અંતે ડીઝર્ટ પીરસવાનું શરૂ થયું પરંતુ એ પહેલાં સુધી ભોજનની શરૂઆતમાં જ મીઠાઈ ખવાતી. શરૂઆતમાં તમે જે પણ શુગર આઇટમ ખાધી છે એના પછી છેલ્લે દાળભાત ખાઓ એટલે એ વૉશિંગ મશીનની જેમ મોઢાને સાફ કરવાનું કામ કરશે. જમવાના અંતે દાળભાત રાખવાથી એ મોઢાના ક્લીનિંગનું અદ્ભુત કામ કરશે અને એટલે જ પાણી પીશો તો તરત મોં સાફ થઈ જશે. આજે જ્યારે નાનાં બાળકો આખો દિવસ ગમે ત્યારે ચૉકલેટ ખાઈ લે છે અને પછી મોઢું ચોખ્ખું નથી થતું તો એ મોઢામાં બૅક્ટેરિયલ ગ્રોથનો વધારો કરી શકે. એના બદલે જો તમે બાળક ચૉકલેટ માગે અને તમે જ એને ટેવ પાડો કે યસ, તને ચૉકલેટ આપીશ પરંતુ જમવાની પહેલાં જ આપીશ. જમતાં પહેલાં બાળક ચૉકલેટ કે બીજી કોઈ પણ સ્વીટ ખાવાની ટેવ પાડશે તો તેને દાંતને લગતી સમસ્યાઓ થવાના ચાન્સ ખૂબ ઓછા છે. પેરન્ટ્સ પર બાળકનો વિશ્વાસ આનાથી વધશે. બાળકમાં ડિસિપ્લિનની ક્વૉલિટી ડેવલપ થશે અને પ્લસ તેની ઓવરઑલ હેલ્થ પર આની સારી અસર પડશે. એટલે દાંતની સુરક્ષા માટે નિયમિત બે ટાઇમ ટીથવૉશ, ફ્લોસિંગ, માઉથવૉશનો ઉપયોગ જેવી બાબતો સાથે મીઠાઈ ખાધા પછી સાકર મોઢામાં લાંબો સમય ન રહે એ માટેની કાળજી અને એના માટે સ્વીટ્સને ભોજન પહેલાં ખાવાની આદત અતિશય પૉઝિટિવ રિઝલ્ટ આપશે. મેં મારા પોતાના ઘરમાં બાળકોમાં આ આદત કેળવી છે અને આજે મારી દીકરી છ વર્ષની થઈ પણ તેના દાંત સંપૂર્ણ સલામત છે. મારા ભત્રીજાને પણ દૂધાળા દાંતમાં ક્યારેય સડો નથી લાગ્યો. દાંતની હેલ્થમાં પણ આપણી આદતો મહત્ત્વનો ભાગ ભજવે છે અને ખાસ કરીને નાનાં બાળકોમાં એને લગતી સારી આદતો જરૂરી છે.

