Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દવાથી ન ઘટતા જિદ્દી કૉલેસ્ટરોલ માટે ભારતને અમેરિકામાં આવેલી નવી ઓરલ દવાની જરૂર છે?

દવાથી ન ઘટતા જિદ્દી કૉલેસ્ટરોલ માટે ભારતને અમેરિકામાં આવેલી નવી ઓરલ દવાની જરૂર છે?

Published : 20 November, 2026 12:45 PM | Modified : 20 November, 2026 02:40 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આપણે ત્યાં વ્યાપક રીતે વપરાતાં સ્ટેટિન અને ઇન્ક્લિસરિન ઇન્જેક્શન ઉપરાંત આપણને આ નવી દવાની જરૂર છે કે કેમ એ નિષ્ણાત પાસેથી સમજવાની કોશિશ કરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થોડા સમય પહેલાં જ અમેરિકાએ ખરાબ કૉલેસ્ટરોલ માટે એનલિસિટાઇડ ડ્રગને માન્યતા આપી છે. આ મોંઘીદાટ નવી દવા ખૂબ અકસીર હોવાનું કહેવાય છે. ભારતમાં આ દવા હજુ આવી નથી. આપણે ત્યાં વ્યાપક રીતે વપરાતાં સ્ટેટિન અને ઇન્ક્લિસરિન ઇન્જેક્શન ઉપરાંત આપણને આ નવી દવાની જરૂર છે કે કેમ એ નિષ્ણાત પાસેથી સમજવાની કોશિશ કરીએ

એનલિસિટાઇડ એ એક નવી અને અનોખી દવા છે જેનું બ્રૅન્ડ નામ લિપફેન્દ્રા છે. એ Merck કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. આ દવા શરીરમાં લો-ડેન્સિટી લિપોપ્રોટેઇન-LDL અથવા જેને ‘ખરાબ’ કૉલેસ્ટરોલ કહેવામાં આવે છે એને ઘટાડવા માટે શોધાઈ છે. આ દવાની ખાસિયત એ છે કે એ વિશ્વની પહેલી અને એકમાત્ર ઓરલ એટલે કે મોં દ્વારા લેવાતી PCSK9 ઇન્હિબિટર ટૅબ્લેટ છે, જે અત્યાર સુધી માત્ર ઇન્જેક્શન સ્વરૂપમાં ઉપલબ્ધ હતી. અમેરિકન ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા પુખ્ત વયના લોકોમાં LDL કૉલેસ્ટરોલ ઘટાડવા માટે લિપફેન્દ્રા (એનલિસિટાઇડ) ટૅબ્લેટને આ વર્ષના જુલાઈ મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી. જોકે આ દવા ભારતમાં આવી નથી. અમેરિકાના માર્કેટભાવ મુજબ જોઈએ તો આ ગોળી લગભગ ૧૦૦૦ રૂપિયાની કૉસ્ટ ધરાવે છે. દરરોજની એક ગોળીના હજાર રૂપિયા ભારત માટે ઘણા વધુ થઈ પડે, પરંતુ જ્યારે એ ભારત આવશે ત્યારે કદાચ બને કે એની કૉસ્ટ ઘટી જાય. આ દવાની ઉપયોગિતામાં એવું કહેવાયું છે કે એ સ્ટબર્ન એટલે કે જિદ્દી કૉલેસ્ટરોલ પર ઘણી અસરકારક છે. ક્લિનિકલ ટ્રાયલ્સ અનુસાર આ ટૅબ્લેટે ૨૪ અઠવાડિયાંમાં ખરાબ કૉલેસ્ટરોલને અંદાજે ૫૬%થી ૬૦% સુધી ઘટાડવામાં મદદ કરી છે.



સ્ટબર્ન કૉલેસ્ટરોલ શું છે?


આ દવા કઈ રીતે કામ કરે છે એ વિશે સમજતાં પહેલાં જાણીએ કે સ્ટબર્ન કૉલેસ્ટરોલ એટલે કે જિદ્દી કે હઠીલું કૉલેસ્ટરોલ છે શું? આ વિશે ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘જે સામાન્ય રીતે માત્ર હેલ્ધી ડાયટ, કસરત અથવા માત્ર સામાન્ય દવાઓ લેવા છતાં પણ નિયંત્રણમાં નથી આવતું અથવા ઇચ્છિત સ્તર પર ઘટતું નથી એ સ્ટબર્ન કૉલેસ્ટરોલ છે. સામાન્ય રીતે હાઈ કૉલેસ્ટરોલની સમસ્યા હોય ત્યારે ડૉક્ટરો દરદીને ખાનપાન બદલવાની, વજન નિયંત્રણમાં રાખવાની અને સ્ટેટિન જેવી દવાઓ લેવાની સલાહ આપે છે. મોટા ભાગના લોકોમાં એનાથી કૉલેસ્ટરોલ કાબૂમાં આવી જાય છે, પરંતુ અમુક લોકોને જિનેટિક કે વારસાગત કારણોસર કૉલેસ્ટરોલનું પ્રમાણ એટલું બધું અને જિદ્દી હોય છે કે એ આ સામાન્ય ઉપચારો સામે ઝૂકતું નથી અને ઊંચું જ રહે છે. તબીબી વિજ્ઞાન દ્વારા આ માટે નવી અદ્યતન દવાઓ વિકસાવવામાં આવી છે, જેને PCSK9 ઇન્હિબિટર કહે છે. આ દવાઓ લિવરની ક્ષમતા વધારીને લોહીમાંથી ખરાબ કૉલેસ્ટરોલને ઝડપથી સાફ કરવામાં મદદ કરે છે.’

કૉલેસ્ટરોલની દવા  


કૉલેસ્ટરોલ એક એવી તકલીફ છે જે હાર્ટ-અટૅક અને બ્રેઇન-સ્ટ્રોક જેવા ઘાતક રોગોનો કારક બને છે. આજકાલ તો ૩૫-૪૦ વર્ષની ઉંમરે પણ કૉલેસ્ટરોલની તકલીફ જોવા મળે છે. જો કૉલેસ્ટરોલ સતત વધારે જ આવ્યું તો ડૉક્ટર કહે છે કે આ એક ગોળી હંમેશાં લેવી પડી શકે. કૉલેસ્ટરોલના ઇલાજ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘કૉલેસ્ટરોલની તકલીફને ડાયાબિટીઝ સાથે સરખાવીએ તો એમાં ઇલાજની દૃષ્ટિએ ઓછું કૉમ્પ્લિકેશન જોવા મળે છે, જેનું કારણ છે કૉલેસ્ટરોલને કન્ટ્રોલમાં રાખવા માટે આપણી પાસે એક દવા છે સ્ટેટિન. કૉલેસ્ટરોલના જેટલા પણ દરદી છે, મોટા ભાગે બધા પર આ દવા લાગુ પડે છે. મોટા ભાગના દરદીઓને એ માફક આવતી હોય છે. લાંબા ગાળા સુધી, ઘણા દરદીઓમાં જીવનપર્યંત પણ આ દવા કામ કરતી હોય છે, જે તેમના કૉલેસ્ટરોલને કાબૂમાં રાખે છે અને હાર્ટ-અટૅક કે સ્ટ્રોકના રિસ્કને ઘટાડે છે. ટ્રીટમેન્ટના મૅનેજમેન્ટની દૃષ્ટિએ જોઈએ તો એ ઘણી સુલભ છે. દરરોજ એક ગોળી ખાવી દરદીને ભારે પડતી નથી. એક ગોળીની કિંમત ૮-૧૦ રૂપિયાની હોય છે. એટલે એ રીતે ઇલાજ મોંઘો પણ નથી.’

ઇન્જેક્શન કરતાં દવા મોંઘી

૨૦૨૪માં ભારતમાં એક ઇન્જેક્શન આવ્યું જે કૉલેસ્ટરોલ પર ઘણું જ અકસીર સાબિત થયું છે. આ ઇન્જેક્શનનું નામ છે ઇન્ક્લિસિરન ઇન્જેક્શન, જેના વિશે જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘મેડિસિનમાં એક વાત એ સમજવાની કે ઓરલ દવાઓની પોતાની મર્યાદા છે. મોઢાથી જે લેવામાં આવે એના કરતાં લોહી થકી જે પણ લેવામાં આવે એની અસરકારકતા વધુ જ હોવાની. જે લોકો જિનેટિકલી કે વારસાગત રીતે કૉલેસ્ટરોલની તકલીફ ધરાવે છે અથવા હાર્ટ કે સ્ટ્રોકના દરદી છે તેમણે આ ઇન્જેક્શન લેવાનું હોય છે. આ ઇન્જેક્શન એકથી સવા લાખ રૂપિયાનું એક પડે છે, પણ વધુ અકસીર છે. જે દરદીઓ હાઇ રિસ્ક પર છે અને અફૉર્ડ કરી શકે છે તેમના માટે આ ઇન્જેક્શન ઘણું સારું છે. અને હાલમાં આવેલી દવા આ ઇન્જેક્શનની જ ઑલ્ટરનેટિવ સમજો. મહત્ત્વનું એ છે કે ભારતમાં એ દવા આવી અને સસ્તી થઈ તો જ કામની છે, કારણ કે એ દવા કરતાં તો ઇન્જેક્શન સસ્તું પડે. આ ઇન્જેક્શન જે દિવસે લો એના પછી ત્રીજા મહિને એક અને પછી દર ૬ મહિને એક લેવાનું હોય છે, પણ દવા દરરોજ એક લેવાની હોય છે. આમ, ઇન્જેક્શનના દર ૬ મહિને ૧ લાખ રૂપિયા થાય, પણ દવા લઈએ તો ૧.૮ લાખ રૂપિયા થાય. અકસીર બન્ને છે ઇન્જેક્શન પણ અને દવા પણ. આમ, ભારત માટે તો બધી રીતે ઇન્જેક્શન જ વધુ ઉપયોગી છે.’

સાઇડ-ઇફેક્ટ

દુનિયામાં એક પણ દવા એવી નથી જેની કોઈ સાઇડ-ઇફેક્ટ ન હોય. દરેક દવાની કોઈ ને કોઈ સાઇડ-ઇફેક્ટ હોય જ છે. વળી, એ દરેક દરદીમાં અલગ-અલગ હોય છે.  ઘણાં શરીરમાં એ સાઇડ-ઇફેક્ટ એટલી ઓછી હોય છે કે દરદીને ખબર જ નથી પડતી. મતલબ કે શરીર એ ઇફેક્ટને ખૂબ સારી રીતે સહન કરી લે છે જેને લીધે સમજાતું નથી કે સાઇડ-ઇફેક્ટ થઈ છે. સ્ટેટિનની પણ સાઇડ-ઇફેક્ટ તો છે જ, જેના વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ઘણી વખત સ્ટેટિન લેવાને કારણે જે સાઇડ-ઇફેક્ટ જોવા મળે છે એ છે વિટામિન B12ની કમી. આ માટે જે દરદીઓને આ દવા શરૂ કરી હોય તેમનું વિટામિન B12 ચેક કરાવતા રહેવું જરૂરી છે. જરૂર લાગે તો રેગ્યુલર સપ્લિમેન્ટ પણ ચાલુ કરવાં પડે છે. એ ઉપરાંત બીજી સાઇડ-ઇફેક્ટ છે સિવિયર મસલ-પેઇન. સ્નાયુમાં અતિશય દુખાવો થાય છે. ખાસ કરીને પેટના સ્નાયુમાં. આ સાઇડ-ઇફેક્ટ દવાના ડોઝ મુજબ વધે છે, જેમ કે કોઈ દરદીને પહેલાં 10mg પાવરની દવા અમે આપીએ તો અમુક વર્ષો પછી કે પરિસ્થિતિ મુજબ ૨૦ કે કોઈ કેસમાં ૪૦ mg જેટલી દવા લેવી પડે છે. તકલીફ એ થાય છે કે દરદીઓમાં ડોઝ વધારીએ એમ તેમનામાં સાઇડ-ઇફેક્ટ પણ વધુ જોવા મળે છે. ઘણા દરદીઓને પેટમાં એટલો બધો દુખાવો થાય છે કે તેઓ સહન જ નથી કરી શકતા. ત્યારે આ દવાનો વિકલ્પ વિચારવો પડે છે.’

કેટલું હોવું જોઈએ કૉલેસ્ટરોલ?

LDL કૉલેસ્ટરોલને ખરાબ કૉલેસ્ટરોલ માનવામાં આવે છે. એ કેટલું હોવું જોઈએ એ પણ એક સમજવા જેવી બાબત છે. આ વિશે વાત કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આંતરરાષ્ટ્રીય ગાઇડલાઇન્સ મુજબ એક હેલ્ધી વ્યક્તિમાં ૧૩૦ mg/dL કરતાં ઓછું હોવું જોઈએ એમ કહેવાતું, પરંતુ થોડા સમય પહેલાં આ ગાઇડલાઇન ઘટીને ૧૦૦ mg/dL થઈ ગઈ છે. જેમને ડાયાબિટીઝ છે કે હૃદયરોગ પહેલેથી છે કે એકાદ વખત નાનો સ્ટ્રોક આવી ગયો છે એવી વ્યક્તિ પર વધુ જોખમ છે એટલે તેનું કૉલેસ્ટરોલ-કન્ટ્રોલ ખૂબ જ કડક રીતે થવું જોઈએ. આ દરદીઓ માટે LDL કૉલેસ્ટરોલ ૭૦ mg/dL જેટલું હોવું જોઈએ. આ લિમિટ પર કૉલેસ્ટરોલ લાવવું એકદમ સરળ નથી એટલે ડોઝ વધારવો પડે. જો દવાનો ડોઝ વધારીએ તો સાઇડ-ઇફેક્ટ વધી જાય છે. આ પરિસ્થિતિમાં અમે સ્ટેટિન સાથે એઝેટિમાઇબ આપીએ છીએ. આ બંને દવાઓ સાથે લઈએ ત્યારે સ્ટેટિનનો ઓછો પાવર હોય તો પણ એની અસર વધી જાય છે. જે લોકોને સાઇડ-ઇફેક્ટ વધુ રહે છે તેમને અમે ખાસ આ બન્નેનું કૉમ્બિનેશન આપીએ છીએ. આ સિવાય જેમને વારસાગત ધોરણે ઊંચું કૉલેસ્ટરોલ રહે છે તેમને બેમોડોઇક ઍસિડ આપવામાં આવે છે. ૨૫-૩૦ રૂપિયાની આ એક દવા પણ ઘણી અસરકારક છે. એમાં એઝેટિમાઇબ ઑલરેડી સામેલ છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 02:40 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK