આપણા સ્વસ્થ અને લાંબા આયુષ્યનું રહસ્ય આપણી રોજબરોજની જીવનશૈલીમાં છુપાયેલું છે. દૈનિક જીવનમાં આપણે આ પાંચ આદતો અપનાવી લઈએ તો શરીર રિપેર, રીચાર્જ અને રિન્યુ થતું જ રહેશે
રેસ્ટ ઍન્ડ રિકવરી, એક્સરસાઇઝ, ડાયટ, રિલેશનશિપ્સ, સૉના ઍન્ડ હીટ થેરપી
નાની-નાની આદતો જ જીવનમાં મોટો બદલાવ લાવતી હોય છે. તમે તમારા રોજિંદા જીવનમાં જો કેટલીક આદતો પણ અપનાવી લો તો તમારું આયુષ્ય સ્વસ્થ અને લાંબું થતાં કોઇ રોકી શકે નહીં. ૨૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કાર્ડિયોથોરેસિક સર્જ્યન ડૉ. જેરેમી લંડને તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લાંબું આયુષ્ય વધારવા માટેની પાંચ આદતો શૅર કરી છે.
૧ એક્સરસાઇઝ : દીર્ઘાયુ થવા માટેની નંબર વન ડેઇલી હૅબિટ એટલે એક્સરસાઇઝ. સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ એટલે કે તાકાત વધારનારી એક્સરસાઇઝ અને ઍરોબિક ટ્રેઇનિંગ એટલે કે હૃદય અને ફેફસાંને મજબૂત કરતી એક્સરસાઇઝનું સંતુલિત સંયોજન.
ADVERTISEMENT
૨ ડાયટ : બીજી મહત્ત્વની ડેઇલી હૅબિટ એટલે બૅલૅન્સ્ડ ડાયટ. જે કંઈ ખોરાક તમે મોઢામાં નાખો છો એને લઈને સચેત રહેવું ખૂબ જરૂરી છે. પ્રોટીન, ફાઇબર, કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ અને હેલ્ધી ફૅટ્સનું સંતુલિત સેવન કરો. તમે શું ખાઓ છો એ સીધું તમારા શરીરના દરેક કોષ પર અસર કરે છે.
૩ રેસ્ટ ઍન્ડ રિકવરી : ત્રીજી મહત્ત્વની વસ્તુ ઊંઘ છે. તમારું શરીર રિપેર ત્યારે થાય છે જ્યારે તમે આરામ લો છો. દિવસમાં પણ થોડો સમય પોતાના માટે રાખવો જોઈએ.
૪ રિલેશનશિપ્સ : લાંબું આયુષ્ય વધારવાનો ચોથો ઉપાય અર્થપૂર્ણ સંબંધો છે. તમારી આસપાસ એવા લોકોને રાખો જે તમારા જીવનમાં હેતુ અને મૂલ્ય ઉમેરે.
૫ સૉના ઍન્ડ હીટ થેરપી : લાંબું આયુષ્ય વધારવા માટે સૉના અને હીટ થેરપી ખૂબ ફાયદાકારક છે. એનાથી હૃદયરોગનું જોખમ, સમય પહેલાં મૃત્યુ, ઑલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયાનું જોખમ ઘટે છે.
ડાયટનું મહત્ત્વ
આ વિશે વધુ માહિતીમાં આપતાં ડાયટિશ્યન ડૉ. વર્ષા પટેલ જોશી કહે છે, ‘લાંબી ઉંમર અને હૃદયના સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર ખૂબ જરૂરી છે. જ્યારે શરીરને બધા આવશ્યક પોષક તત્ત્વો જેમ કે પ્રોટીન, ફાઇબર, હેલ્ધી ફૅટ્સ અને મિનરલ્સ યોગ્ય પ્રમાણમાં મળે તો હૃદય, દિમાગ અને શરીરના અન્ય અવયવો સારી રીતે કામ કરી શકે છે. આ પોષક તત્ત્વો કોશિકાઓને મજબૂત રાખે છે અને બીમારીઓનું જોખમ ઘટાડે છે. પ્રોટીન માંસપેશીઓને મજબૂત બનાવીને રાખે છે, ફાઇબર પાચન અને બ્લડ શુગરને નિયંત્રિત કરે છે; જ્યારે કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ શરીરને ધીરે-ધીરે સ્થિર ઊર્જા આપે છે. હેલ્ધી ફૅટ્સ હૃદય અને દિમાગનું કોશિકાઓનું રક્ષણ કરે છે. આ બધાનું સંતુલન ઉંમર વધવા સાથે શરીરને ફિટ અને સક્રિય રાખે છે. લોકો ખાનપાનમાં કેટલીક સામાન્ય ભૂલો કરે છે જે લાંબા ગાળે તેમને નુકસાન પહોંચાડે છે. જેમ કે વધુપડતું જન્ક ફૂડ ખાવું, વધુપડતી સાકર અને મીઠાનું સેવન કરવું, ભોજન સ્કિપ કરવું, મોડી રાત્રે જમવું, પર્યાપ્ત માત્રામાં પાણી ન પીવું. આ નાની-નાની આદતો ધીરે-ધીરે મેટાબોલિઝમને ધીમું કરી દે છે અને હાર્ટ-હેલ્થ પર અસર નાખે છે. માઇન્ડફુલ ઈટિંગ એટલે કે જાગરૂક થઈને ભોજન લેવું પણ દીર્ઘાયુષ્યનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. જ્યારે આપણે ધ્યાનપૂર્વક ખાઈએ છીએ ત્યારે ભૂખ અને તૃપ્તિને સમજીએ તો જરૂરિયાતથી વધારે ખવાતું નથી. એનાથી પાચન સુધરે, સ્ટ્રેસ ઘટે અને શરીર ઊર્જાનો સારી રીતે ઉપયોગ કરે છે. દૈનિક જીવનમાં આ બધા બદલાવ કરવામાં આવે તો હેલ્ધી અને લાંબું જીવન મેળવવું સંભવ છે.’
ઊંઘ પણ જરૂરી
વધુ માહિતી આપતાં તેઓ કહે છે, ‘ઊંઘ સૌથી પ્રભાવશાળી રિકવરી ટૂલ છે. આપણે સૂતા હોઈએ ત્યારે શરીર પોતાનું રિપેરિંગ કરે છે. ડૅમેજ થયેલી કોશિકાઓ રિકવર થાય છે, દિમાગમાંથી ટૉક્સિન્સ બહાર નીકળે છે અને હૉર્મોન બૅલૅન્સ થાય છે. સારી ઊંઘ આપણા હૃદય, દિમાગ અને ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. જ્યારે શરીરને પૂરો આરામ મળે છે ત્યારે મોટાબોલિઝ્મ સંતુલિત રહે છે, જેનાથી વજન નિયંત્રણમાં રહે છે. પૂરતી ઊંઘ સ્ટ્રેસ હૉર્મોન ઘટાડે છે, જેનાથી મન શાંત અને ધ્યાન કેન્દ્રિત રહે છે. સંતુલિત આહાર જેમાં પ્રોટીન, મૅગ્નેશિયમ અને વિટામિન B સામેલ હોય એ શરીરને આરામ કરવા અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. રાત્રે પચાવવામાં ભારે અથવા સાકરવાળી વસ્તુ ખાવાથી ઊંઘ બગડી શકે છે, તેથી હળવું અને પૌષ્ટિક ભોજન સારું માનવામાં આવે છે. વ્યસ્ત દિવસ વચ્ચે નાના-નાના બ્રેક લેવા જોઇએ, કામ અને ઊંઘનો ફિક્સ સમય રાખવો જોઈએ અને ડિજિટલ ડીટૉક્સ કરો. ઊંઘની ગુણવત્તા સુધારવા દૈનિક જીવનમાં સૂવાનો અને ઊઠવાનો સમય ફિક્સ રાખવો જોઈએ, રાત્રે સ્ક્રિન અને કૅફીનથી દૂર રહેવું જોઈએ. સૂતાં પહેલાં મેડિટેશન કે સૉફ્ટ મ્યુઝિક સાંભળવું વગેરે જેવી રિલૅક્સિંગ ઍક્ટિવિટીઝ કરવી જોઈએ.’
ફિઝિકલ ઍક્ટિવિટીનો ફાળો
આ વિશે માહિતી આપતાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. માનસી ઠક્કર કહે છે, ‘નિયમિત વ્યાયામ ફકત શરીરને નહીં, પણ દરેક કોશિકાને સક્રિય બનાવે છે. આપણે દરરોજ ફિઝિકલ ઍક્ટિવિટી કરીએ ત્યારે હૃદય અને ફેફસાં મજબૂત છે, જેનાથી શરીરમાં ઑક્સિજનનો પ્રવાહ વધે છે અને અવયવો સારી રીતે કામ કરી શકે છે. આ જ કારણ છે કે નિયમિત વ્યાયામ કરનારા લોકોમાં હૃદયરોગ, ડાયાબિટીઝ અને સ્થૂળતાનું જોખમ ઓછું હોય છે. એક્સરસાઇઝ અસરકારક રીતે ત્યાર થાય જ્યારે સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ અને ઍરોબિક ટ્રેઇનિંગ બન્ને પર ધ્યાન આપવામાં આવે છે. સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ માંસપેશીઓ અને હાંડકાઓને મજબૂત કરે છે, જયારે એરોબિક એકિટવિટીઝ જેમ કે જૉગિંગ, સાઇક્લિંગ, સ્વિમિંગ હૃદયને સ્વસ્થ રાખે છે. બન્નેનું સંયોજન શરીરને ઊર્જા, સ્થિરતા અને ફ્લેક્સિબિલિટી આપે છે. ઉંમર વધવાની સાથે મસલ માસ ઘટવા લાગે છે, જેને સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ સંતુલિત રાખે છે. એક્સરસાઇઝનો ફાયદો ફક્ત શરીર સુધી સીસિમિત નથી, એ માનસિક સ્વાસ્થ્ય માટે પણ એટલી જ જરૂરી છે. નિયમિત એક્સરસાઇઝથી હૅપી હૉર્મોન રિલીઝ થાય છે જે મૂડને સારો બનાવે છે અને તનાવ ઘટાડે છે. એનાથી ઊંઘ સારી આવે છે, મનમાં શાંતિનો અનુભવ થાય છે જે દીર્ઘાયુમાં અપ્રત્યક્ષ રીતે યોગદાન આપે છે.’
આ થેરપી પણ કામની
આ વિશે વધુ માહિતી આપતાં તે કહે છે, ‘સૉના અને હીટ થેરપી ફક્ત રિલૅક્સેશનનું સાધન નથી રહ્યાં પણ એક અસરકારક હેલ્થ ટૂલ તરીકે પણ ઊભરી રહ્યાં છે. આ થેરપીનો ઉપયોગ કરવાથી શરીરમાં અનેક સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. સૌથી મોટો લાભ છે હૃદયનું સ્વાસ્થ્ય. હીટથી શરીરની રક્તવાહિનીઓ ફેલાય છે, જેનાથી બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે અને હાર્ટને સારી રીતે ઑક્સિજન અને પોષક તત્ત્વો મળે છે. એનાથી બ્લડપ્રેશર ઓછું થાય અને કાર્ડિયોવૅસ્ક્યુલર રિસ્ક ઘટે છે. હીટ થેરપી માંસપેશીઓમાં દુખાવો, જડતા અને થાકને પણ ઓછાં કરે છે. હીટમાં ટિશ્યુ રિલૅક્સ થાય છે અને બ્લડ ફૉલ વધવાથી દુખાવામાં રાહત મળે છે. આ પ્રક્રિયા શરીરના નૅચરલ હીલિંગને ઝડપી બનાવે છે. એ સિવાય સૉના થેરપીમાં શરીરમાંથી પરસેવો બહાર આવવાથી ટૉક્સિન્સ બહાર નીકળે છે, જેનાથી ત્વચા સાફ અને તાજગીભરી દેખાય છે. તનાવ ઘટાડવા અને ઊંઘમાં સુધાર માટે પણ સૉના થેરપી ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ગરમીમાં મસલ્સ રિલૅક્સ થાય છે અને એન્ડોર્ફિન હૉર્મોન રિલીઝ થાય છે જેનાથી મન શાંત થાય અને ગાઢ ઊંઘ આવે છે. કેટલાક રિસર્ચમાં એવું જોવા મળ્યું છે કે સૉના થેરપીથી અલઝાઇમર અને ડિમેન્શિયાનું જોખમ ઘટી શકે છે, કારણ તે બ્રેઇનમાં બ્લડ-સર્ક્યુલેશન અને ન્યુરૉન હેલ્થ સુધારે છે. જોકે આ હજી વધુ અભ્યાસનો વિષય છે. સૉના અને હીટ થેરપીનો એક લાભ એ પણ છે કે એ મેટાબોલિઝમને સુધારે છે. જયારે શરીરનું તાપમાન વધે છે તો હૃદયની ગતિ પણ ઝડપી થાય છે, જેનાથી કૅલરી બર્નિંગ અને ડીટૉક્સિફિકેશન વધે છે. લાંબા ગાળે એ વજન નિયંત્રણ અને સમગ્ર સ્વાસ્થ્ય સુધારમાં મદદરૂપ બને છે, પણ એની સાથે સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ જરૂરી છે. આ થેરપી શરીર માટે ફાયદાકારક છે, પણ ડૉક્ટરની સલાહ લીધા પછી લો તો તે તમારી હેલ્થ કન્ડિશન, હાર્ટ ફંક્શન, બ્લડપ્રેશર મુજબ નક્કી કરી શકે કે આ થેરપી તમે સુરક્ષિત રીતે લઈ શકો કે નહીં.’


