Maharashtraમાં ગુટખા અને અન્ય પ્રતિબંધિત તંબાકુ ઉત્પાદનોના ચાલી રહેલા ગેરકાયદે કારોબાર પર અંકુશ લાવવા સરકાર જાણે કટિબદ્ધ થઇ છે. MCOCA ઍક્ટનો ઉપયોગ સામાન્ય રીતે સંગઠિત ગુના અને માફિયા નેટવર્ક પર કાર્યવાહી કરવા માટે થાય છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)માં ગુટખા અને અન્ય પ્રતિબંધિત તંબાકુ ઉત્પાદનોના ચાલી રહેલા ગેરકાયદે કારોબાર પર અંકુશ લાવવા સરકાર જાણે કટિબદ્ધ થઇ છે. હાલમાં જ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મંત્રી નરહરી ઝીરવાલે અધિકારીઓને આદેશ આપતાં કહ્યું છે કે ગુટખા કંપનીઓના માલિકો તેમજ તે સંબંધિત જે પણ ગેરકાયદે વ્યાપાર ચલાવી રહ્યા છે તેની પર મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગનાઈઝડ ક્રાઈમ ઍક્ટ (MCOCA) હેઠળ કડક પગલાં લેવામાં આવશે.
ગુટખાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તમાકુયુક્ત ઉત્પાદનનો ગેરકાયદે જથ્થો રાજ્ય (Maharashtra)માં આવી જ રહ્યો છે. આ પ્રકારના ઉત્પાદનોના સેવનથી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે એમ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મંત્રી નરહરી ઝીરવાલે જણાવ્યું હતું. તેઓએ આગળ આ મુદ્દે કહ્યું કે રાજ્ય સરકાર આ ગેરકાયદે વેપાર પાછળ ગુટખા કંપનીઓના માલિકો, મુખ્ય ઓપરેટરો અને માસ્ટરમાઇન્ડ સામે મકોકા (MCOCA) હેઠળ પગલાં લેવાનું વિચારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુટખા અને `પાન મસાલા`ના વેચાણના કિસ્સાઓ હજુ પણ સામે આવી જ રહ્યા છે. મંગળવારે બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર ગેરકાયદે ગુટખાના વેપાર માટે જવાબદાર લોકો સામે મકોકા હેઠળ ઉલ્લેખિત ગુનાઓ નોંધવામાં આવી શકે છે કે કેમ તે અંગે માર્ગદર્શન મેળવવા માટે કાયદા અને ન્યાયતંત્ર વિભાગને એક પ્રસ્તાવ મોકલવામાં આવશે.
ADVERTISEMENT
ગુટખા, પાન મસાલા, સુગંધિત તમાકુ, સોપારી, ખરડા અને માવા જેવા પ્રતિબંધિત ખાદ્યઉત્પાદનોના ઉત્પાદકો અને વિક્રેતાઓ સામે કાર્યવાહી અંગે મંત્રાલય (સચિવાલય)માં (Maharashtra) યોજાયેલી એક બેઠકમાં નરહરી ઝીરવાલે આ બાબતે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગુટખા પ્રતિબંધને વધુ કડક રીતે લાગુ કરશે અને અધિકારીઓને વિવિધ વિભાગો દ્વારા જિલ્લા સ્તરે કેન્સર પેદા કરતી પ્રોડક્ટ સામે જાગૃતિ અભિયાન હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની શરૂઆતમાં જ માદક દ્રવ્યો અથવા રાસાયણિક પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને દાણચોરીને કડક કાયદાના દાયરામાં લાવવા માટે મકોકા (MCOCA) ઍક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં જામીનની કડક શરતો, ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ સમય અને કોર્ટમાં આરોપી વ્યક્તિઓની પોલીસ કબૂલાતની સ્વીકાર્યતા સહિત કેટલીક કડક જોગવાઈઓ છે.
શું છે મકોકા એટલે કે MCOCA ઍક્ટ?
તમને જણાવી દઈએ કે MCOCA ઍક્ટનો ઉપયોગ સામાન્ય રીતે સંગઠિત ગુના અને માફિયા નેટવર્ક પર કાર્યવાહી કરવા માટે થાય છે. મકોકા એ મહારાષ્ટ્ર (Maharashtra) સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ, ૧૯૯૯નો ઉલ્લેખ કરે છે, જે સંગઠિત અપરાધ અને આતંકવાદ સામે લડવા માટે ઘડવામાં આવેલો કડક કાયદો છે. તે આવી પ્રવૃત્તિઓના નિવારણ અને નિયંત્રણ માટે વિશેષ જોગવાઈઓ પૂરી પાડે છે, જેમાં ગેરવસૂલી, અપહરણ અને માદક દ્રવ્યોની હેરફેર જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.


