હેલ્થનું ધ્યાન રાખવા માટેની ટિપ્સ સિમ્પલ છે પણ એનું સભાનતાપૂર્વક અનુસરણ થવું જરૂરી છે. જેમ કે કેટલાક નિયમો છે જેનું બરાબર પાલન કરો તો ઓવરઑલ હેલ્થને મૅનેજ કરી શકશો.
પ્રતીકાત્મક તસવીર
આજકાલ તો ખેર ઑફિસ જતા અને ઑફિસ ન જતા એમ બન્ને પ્રકારના લોકોની હાલત સરખી જ છે. આખો દિવસ કમ્પ્યુટર કે મોબાઇલ સામે બેસીને જીવન જીવતા લોકો ઘણીબધી રીતે હેલ્થને બગાડતા હોય છે. આજકાલ મારી પાસે આવતા દર બીજા દરદીને બૅકપેઇન, નેકપેઇન, વિટામિન Dની ડેફિશિયન્સી જેવી સમસ્યાઓ હોય છે. નાની ઉંમરમાં ઘૂંટણના દુખાવા શરૂ થયા છે. આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક આપણી જીવનશૈલી છે. તમારાં હાડકાં તમારી ઉંમર કરતા વધુ ઘરડાં થઈ જશે જો તમે મૂવમેન્ટ નહીં કરતા હો. બેઠાડુ જીવન, સૂર્યપ્રકાશની કમી અને એની વચ્ચે જન્ક ફૂડ, શુગર અને કૅફીનનું અતિસેવન હેલ્થને ડિસ્ટર્બ કરનારો છે. હેલ્થનું ધ્યાન રાખવા માટેની ટિપ્સ સિમ્પલ છે પણ એનું સભાનતાપૂર્વક અનુસરણ થવું જરૂરી છે. જેમ કે કેટલાક નિયમો છે જેનું બરાબર પાલન કરો તો ઓવરઑલ હેલ્થને મૅનેજ કરી શકશો.
સૌથી પહેલાં તો મૂવમેન્ટ મહત્ત્વની છે. તમે નિયમ બનાવો કે દર કલાક પછી પચાસ ડગલાં ચાલવાનાં. એકધારું એક કલાક બેઠા એ પછી તમારા વર્ક સ્ટેશન પરથી ઊઠીને મિનિમમ પાંચ મિનિટનો બ્રેક લઈને વૉક કરી લો. આનાથી તમારા સ્નાયુઓમાં આવતી જકડન અટકશે. બીજું, ઑફિસમાં કમ્પ્યુટરની સામે બેસતા લોકો પોતાના પૉશ્ચરને બગાડી નાખે છે. આઠ કલાકની ડ્યુટીમાં તમારે કમ સે કમ સાત વાર તો તમારી સીટ પરથી ઊભા થવાનું જ છે. આવા સમયે સ્નાયુઓ, સાંધાઓમાં આવતી જકડન થતી અટકશે. સતત જો બેઠાડુ જીવન અકબંધ રહ્યું અને ઍક્ટિવિટી ન થઈ તો એક સમય એવો આવશે જ્યારે જે પીડા થશે એ અસહ્ય હશે. એટલે પણ આજકાલ જે બૉડી મૂવમેન્ટ માટેના ડેસ્ક યોગ છે જેમાં બૅક બેન્ડિંગ, ફૉર્વર્ડ બેન્ડિંગ, ટ્વિસ્ટિંગ જેવી પ્રૅક્ટિસ કરી શકો.
ADVERTISEMENT
વિટામિન Dનું મહત્ત્વ સમજો અને ટેસ્ટ કરાવીને એનાં સપ્લિમેન્ટ્સ ચાલુ કરી દો. તમારા બોન્સથી લઈને મુડ સુધી દરેક બાબતમાં વિટામિન Dનું મહત્ત્વ છે. સતત ACમાં બેસતા હો ત્યારે એની ચકાસણી પછી એના ડોઝ શરૂ કરો એ મહત્ત્વનું છે. એકાંતરે પચીસથી ત્રીસ મિનિટ વર્કઆઉટ કરો. બીજી વાત કે ઑફિસમાં તમે જૂતાં કેવાં પહેરો છો એ મહત્ત્વનું છે. હીલ્સ પહેરીને લાંબા સમય ઊભા ન રહેવું. પુરુષોએ પગના અંગૂઠાની બાજુ સહેજ પહોળું મોઢું ધરાવતાં જૂતાં પહેરવાં, જેમાં કુશનિંગ હોય અને એડીઓના ભાગમાં સૉફ્ટ હોય. ડાયટનું ધ્યાન રાખો. પનીર, દાળ જેવી પ્રોટીનની આઇટમો તો સાથે ફ્લેક્સસીડ્સ, નટ્સ જેવી આઇટમો ડાયટમાં ઉમેરશો તો એ પણ તમારી બોન્સની હેલ્થને જાળવવામાં મદદરૂપ થશે.
-ડૉ. અમીન રાજાણી

