એઇડ્સ અને ટીબી જેવા રોગો પ્રત્યે ઘણી જાગૃતિ ફેલાવવામાં સફળતા મળી છે પરંતુ હેપેટાઇટિસ વિશે હજી પણ લોકો જાગૃત નથી, જે બાબત ખરેખર ચિંતાજનક છે. આ રોગ લોહી દ્વારા ફેલાય છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
એઇડ્સ અને ટીબી જેવા રોગો પ્રત્યે ઘણી જાગૃતિ ફેલાવવામાં સફળતા મળી છે પરંતુ હેપેટાઇટિસ વિશે હજી પણ લોકો જાગૃત નથી, જે બાબત ખરેખર ચિંતાજનક છે. આ રોગ લોહી દ્વારા ફેલાય છે. એટલે કે જેને આ વાઇરસનું ઇન્ફેક્શન હોય એનું લોહી કોઈ બીજી વ્યક્તિને ચડે તો તેને આ ચેપ લાગે. હેપેટાઇટિસ Bનું ઇન્ફેક્શન જો માતાને લાગ્યું હોય તો તે જેને જન્મ આપે એ બાળકમાં પણ આ ઇન્ફેક્શન થવાની પૂરી શકયતા રહે છે. આપણે ત્યાં દરેક પ્રેગ્નન્ટ સ્ત્રીને ફરજિયાતપણે HIVની ટેસ્ટ કરાવવી જરૂરી માનવામાં આવે છે, પરંતુ કોઈ પણ જગ્યાએ હેપેટાઇટિસ Bની ટેસ્ટ કરાવવી જરૂરી મનાતી નથી. આ ટેસ્ટ કરાવીએ તો સારું પરંતુ હકીકત એ છે કે દરેક ગર્ભવતી સ્ત્રીની આ ટેસ્ટ કરાવી શકાતી નથી તો પછી એ જરૂરી છે કે દરેક બાળકને રસી તો મળે જ.
ભારત સરકાર પણ છેલ્લાં અમુક વર્ષોથી હેપેટાઇટિસ વિરુદ્ધ લડી રહી છે, જે બાબતે ઘણાં કેન્દ્રોમાં હેપેટાઇટિસની રસી ફ્રી મળે છે તો ઘણી જગ્યાએ ઓછા ભાવમાં આ રસીઓ મળે છે. ભારતમાં આ રસી ફરજિયાત છે. બાળક જન્મે એટલે તરત એ જ દિવસે તેને આ રસી પીવડાવવાની હોય છે, પરંતુ આજે પણ ઘણાં બાળકો આ રસી વગરનાં રહી જાય છે. જેમના ઉપર આ રોગનો ખતરો ઊભો જ હોય છે. વળી આ રસીના ૩ ડોઝ લેવા જરૂરી હોય છે.
ADVERTISEMENT
હેપેટાઇટિસ Bને રોકવા માટે આપણી પાસે રસી છે છતાં એ આટલી વ્યાપક માત્રામાં ફેલાયેલો રોગ છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે. આમ તો જેણે આ રસી નથી લીધી એ દરેકે એના ત્રણ ડોઝ લઈ જ લેવા જોઈએ પરંતુ ખાસ કરીને બાળકોને આ રસી આપવી ખૂબ જ મહત્ત્વની છે કારણ કે એક પુખ્ત વયની વ્યક્તિને હેપેટાઇટિસ B વાઇરસનું ઇન્ફેક્શન લાગ્યું તો તેની રોગપ્રતિકારક શક્તિ વડે એ વાઇરસ સામે લડી શકે છે. ૯૫ ટકા કેસમાં જો પુખ્ત વયે ઇન્ફેક્શન લાગે તો વાંધો આવતો નથી પરંતુ નાની વયે કે જન્મથી જે ઇન્ફેક્શન લાગે છે એ માટે રસીની જરૂર રહે છે, કારણ કે બાળકની રોગપ્રતિકારક શક્તિ આ રોગ સામે લડી શકતી નથી. આ વાઇરસ તેમના શરીરમાં ઘર કરી જાય છે અને પછી ૧૫-૨૦ કે એનાથી પણ વધુ વર્ષો વીતે પછી સમજાય છે કે વ્યક્તિને નાનપણથી આ રોગ હતો, જેને લીધે આજે તેનું લિવર ખરાબ થઈ ગયું છે. આમ જરૂરી છે કે આપણે એ ધ્યાન રાખીએ કે એક પણ બાળક આ રસીથી વંચિત ન રહે જેથી આ રોગને આગળ વધતો આપણે અટકાવી શકીએ.