મેડિકલ સર્જરીમાં લેઝરનું અનન્ય પ્રદાન છે. મૉડર્ન મેડિસિનમાં લેસ-ઇન્વેઝિવ એટલે સાદી ભાષામાં કહીએ તો ઓછી કાપાકૂપીવાળી સેફ અને અસરકારક સર્જરી માટે લેઝરનો ઉપયોગ દિવસે ને દિવસ વધતો જાય છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પ્રકાશ છે તો જીવન છે. એટલે જ સૂર્યની પૂજા થાય છે કારણ કે એ છે તો આ દુનિયા છે. મનુષ્યએ આ પ્રકાશનું મહત્ત્વ ખૂબ સમજ્યું છે અને એનો પ્રયોગ અલગ-અલગ ઊર્જા સ્વરૂપે તે કરતો આવ્યો છે. પ્રકાશનું એક આધુનિક રૂપ એટલે લેઝર. લાઇટ શબ્દ આવે એટલે સૂર્ય પછી આપણા મગજમાં ઘરને પ્રકાશિત કરતી ટ્યુબલાઇટ, બલ્બ કે બહુ-બહુ તો ફ્લૅશ લાઇટ મગજમાં આવે. પરંતુ આ બધાથી અલગ લેઝર એક અસામાન્ય પ્રકાશનો સ્રોત છે. લેઝર પ્રકાશનું એક અતિ સાંકડું બીમ ઉત્પન્ન કરે છે એને કારણે જ એ મશીનો કે ટેક્નૉલૉજી માટે ઘણી ઉપયોગી છે. લેઝર લાઇટનું નામ પડે એટલે આપણા મનમાં લાલ અને લીલી લાઇટ મગજમાં આવે, જેને પૉઇન્ટર્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ લેઝરનું વિશ્વ એનાથી ઘણું વિશાળ છે.
મેડિકલ સર્જરીમાં લેઝરનું અનન્ય પ્રદાન છે. મૉડર્ન મેડિસિનમાં લેસ-ઇન્વેઝિવ એટલે સાદી ભાષામાં કહીએ તો ઓછી કાપાકૂપીવાળી સેફ અને અસરકારક સર્જરી માટે લેઝરનો ઉપયોગ દિવસે ને દિવસ વધતો જાય છે. વધુ ને વધુ સારાં મશીનો આવતાં જાય છે જેના દ્વારા સર્જરીમાં ઍડ્વાન્સમેન્ટ વધતાં જાય છે. સર્જરીના દરેકેદરેક ફીલ્ડમાં લેઝરનો ઉપયોગ થઈ રહ્યો છે. કૅન્સર, મગજ કે હાર્ટ જેવી મહત્ત્વની સર્જરીથી લઈને આંખ જેવી સેન્સિટિવ સર્જરી સુધી લેઝરનો ઉપયોગ થાય જ છે. સૌપ્રથમ ડાયાબેટિક રેટિનોપથીમાં એનો પ્રયોગ થતો હતો. પછી આજે તો લગભગ દરેક પ્રકારની આંખની સર્જરીમાં લેઝરનો પ્રયોગ થાય છે. એનું પ્રિસિઝન હાલમાં આવતાં નવાં-નવાં મશીનો સાથે ઍડ્વાન્સ થતું જાય છે.
ADVERTISEMENT
આપણે લેઝર એટલે લાલ-લીલી લાઇટ જ સમજીએ છીએ પરંતુ મેડિકલ સર્જરી માટે કામ આવતાં લેઝર ઘણા જુદા-જુદા પ્રકારનાં હોય છે. આર્ગન લેઝર, ડાયોડ લેઝર, યેગ લેઝર, એક્ઝાઇમર લેઝર, સેમ્પ્ટોસેકમ લેઝર જેવાં અઢળક લેઝરો છે જે જુદા-જુદા પ્રયોગ માટે હોય છે. એ દરેક લેઝર એકબીજાથી ટેક્નિકલી અલગ પડે છે. એમની તરંગ-લંબાઈ જુદી-જુદી હોય છે. દરેક કામ માટે એક જ તરંગ લંબાઈનું લેઝર કામ ન કરી શકે. જે લેઝર વડે મારે માયોપિયાનું એટલે કે સાદી ભાષામાં વ્યક્તિનાં ચશ્માં ઉતારવાનું કામ કરવાનું હોય એ લેઝર વડે હું આંખમાં વહેલું લોહી બંધ ન કરી શકું. વળી આ માટે જુદા-જુદા પ્રકારનાં મશીનો હોય છે જે મશીનમાં કૉન્સોલ હોય છે જેના દ્વારા નિશ્ચિત તરંગ-લંબાઈના લેઝર લાઇટ જનરેટ થાય છે. એ લાઇટને ડિલિવર કઈ રીતે અને કેટલા પ્રમાણમાં કરવી એ કામ અમારું છે. લેઝરને કારણે સર્જરીને એક ઍડ્વાન્સ લેવલ સુધી આપણે પહોંચાડી શક્યા છીએ. અત્યારે આજની પરિસ્થિતિમાં મેડિકલ સર્જરી ક્ષેત્રે જો લેઝર ન હોત તો, એ વિચાર શક્ય જ નથી.
