આધુનિક લાઇફસ્ટાઇલમાં કલાકો સુધી ખુરસી પર બેસી રહેવાની આદત માત્ર શરીરને જ નહીં, મગજને પણ સમય પહેલાં ઘરડું બનાવી રહી છે ત્યારે જો તમે ૮૦ વર્ષની ઉંમરે પણ ૨૦ વર્ષના યુવાન જેવું તેજ મગજ ઇચ્છો છો તો પગની મજબૂતી પર ધ્યાન આપવું કેમ અનિવાર્ય છે એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
શું તમે ઑફિસમાં એકધારા સાત-આઠ કલાક સુધી કમ્પ્યુટરની સામે બેઠા રહો છો? જો જવાબ હા હોય તો એ ચિંતાનો વિષય છે. આ આદત માત્ર તમારા શરીરને જ નહીં, તમારા મગજને પણ સમય પહેલાં ઘરડું બનાવી રહી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક અનુભવી ન્યુરોસર્જ્યને એવો દાવો કર્યો છે કે તમારા મગજની શાર્પનેસનો આધાર તમારા પગની મજબૂતી પર છે. જ્યારે તમે ચાલો છો કે કસરત કરો છો ત્યારે તમારા પગ મગજ માટે એક પાવર-સ્ટેશન તરીકે કામ કરવાનું શરૂ કરે છે. શું ખરેખર માઇન્ડને શાર્પ બનાવવામાં પગના સ્નાયુઓનો ફાળો છે? આ બન્ને વચ્ચે કેવી રીતે કો-ઑર્ડિનેશન થાય છે? એ વિશે વિસ્તારમાં અનુભવી ન્યુરોલૉજિસ્ટ પાસેથી જ જાણીએ અને સમજીએ.
પગની પિંડી છે સેકન્ડ હાર્ટ
ADVERTISEMENT
પરેલની ગ્લૅનીગલ્સ હૉસ્પિટલના ન્યુરોલૉજી ડિપાર્ટમેન્ટના ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક મગજ અને પગ વચ્ચેના સાયન્સને સમજાવતાં જણાવે છે, ‘બેઝિકલી મેડિકલ સાયન્સમાં પિંડીના સ્નાયુઓને સેકન્ડ હાર્ટની ઉપમા આપવામાં આવી છે. હૃદય લોહીને આખા શરીરમાં પમ્પ કરે છે, પણ જ્યારે એ લોહી પગ સુધી પહોંચે છે ત્યારે એને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ફરી ઉપર હૃદય તરફ મોકલવાનું કામ પગના સ્નાયુ કરે છે. જ્યારે આપણે ચાલીએ ત્યારે પિંડીના સ્નાયુઓ કુદરતી પમ્પની જેમ સંકોચાય છે અને લોહીને વેગ આપી મગજ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જો આ સેકન્ડ હાર્ટ નબળું પડે તો મગજ સુધી પહોંચતા ઑક્સિજન અને પોષક તત્ત્વોમાં ઘટાડો થાય છે. યાદશક્તિ નબળી પડતી દેખાય એ પહેલાં આપણી ચાલવાની રીત બદલાવા લાગે છે. પગના સ્નાયુઓ જ્યારે સક્રિય હોય છે ત્યારે એ મગજમાં માયોકાઇન્સ અને BDNF એટલે કે બ્રેઇન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફૅક્ટર જેવાં પ્રોટીન રિલીઝ કરે છે જે નવાં ન્યુરૉન્સના વિકાસમાં મદદ કરે છે. જો તમારા પગ નબળા પડી રહ્યા છે તો સમજી લેજો કે તમારું મગજ પણ નબળું પડવાની તૈયારીમાં છે. મોટા ભાગે તો ડિમેન્શિયાની શરૂઆતમાં આ લક્ષણ જોવા મળે, સ્ટ્રોકનું જોખમ વધે.’
લેગ એક્સરસાઇઝ માઇન્ડ માટે હેલ્ધી કેમ?
જ્યારે આપણે લેગ એક્સરસાઇઝ કરીએ છીએ જેમ કે વૉકિંગ, સ્ક્વૉટ્સ કે વજન ઊંચકવું ત્યારે શરીર મગજને સિગ્નલ આપે છે કે એને વધુ સક્રિય રહેવાની જરૂર છે એમ જણાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘આ પ્રક્રિયામાં બ્રેઇન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફૅક્ટર નામનું કેમિકલ ઉત્પન્ન થાય છે. એ મગજમાં નવાં ન્યુરૉન્સ પેદા કરવામાં અને જૂના કોષને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો યંગસ્ટર્સ ધીમે ચાલવામાં કે કોઈ પણ કામ કરવામાં વાર લગાડે તો એનો અર્થ એવો નથી કે તેમની લેગ-સ્ટ્રેન્ગ્થ ઓછી હોય. આવું થવા પાછળ તેમની નબળી હેલ્થ જવાબદાર છે. એની પાછળ ઘણાં પરિબળો જવાબદાર હોય છે. એમાં કામનું સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. એટલે ન્યુરોસર્જ્યને કરેલો દાવો ૧૦૦ ટકા સાચો છે એમ કહી શકાય નહીં. જનરલી માઇન્ડ નબળુ પડવું અને બૅલૅન્સિંગ ઇશ્યુ ૬૦ વર્ષ પછી શરૂ થાય છે અને આવા લોકો ડિમેન્શિયાથી પીડાય છે. જો આ સ્ટેજ સુધી ન પહોંચવું હોય તો લેગની સ્ટ્રેન્ગ્થને મેઇન્ટેન કરવી બહુ જરૂરી છે. જ્યારે તમે પગના સ્નાયુઓને સક્રિય કરો છો ત્યારે એ મગજને એવા સુરક્ષાત્મક સંકેતો મોકલે છે જે ઉંમર વધવાની સાથે થતી માનસિક નબળાઈને અટકાવે છે. એટલે જો તમે ઇચ્છો કે તમારું મગજ ૮૦ વર્ષની ઉંમરે પણ ૨૦ વર્ષના યુવાન જેવું ચાલે તો એ શક્ય છે.’
આ એક્સરસાઇઝ કરીને માઇન્ડ-લેગ હેલ્થને બનાવો ટકાટક
યાદશક્તિ વધારવા માટે માત્ર બદામ ખાવી કે પઝલ્સ ઉકેલવી પૂરતી નથી, તમારા પગ તમારા મગજનું રિમોટ કન્ટ્રોલ છે. ૬૦ વર્ષની ઉંમર પછી પણ જો પગની મજબૂતી પર ધ્યાન આપવામાં આવે તો માનસિક રોગોનું જોખમ ઘટાડી શકાય છે. એટલે મગજને તેજ રાખવું હોય તો ડૉ. શિરીષ હસ્તકે જણાવ્યા મુજબ ડેઇલી રૂટીનમાં કેટલાક ફેરફાર જરૂરી છે.
તમારા રૂટીનમાં બ્રિસ્ક વૉકને ઉમેરવું સખત જરૂરી છે. ઘણા લોકો ફોનમાં વાત કરતાં-કરતાં ચાલતા હોય છે, પણ ચાલવાની સાચી અને હેલ્ધી રીત તો એ જ છે કે તમે ફટાફટ અને કોઈ પણ બીજી પ્રવૃત્તિ કર્યા વગર ચાલો. મ્યુઝિક સાંભળી શકાય, પણ ફોનમાં કે કોઈ સાથે હોય ત્યારે તેની સાથે વાત કરતાં-કરતાં ચાલવાથી એનર્જી ડાઇવર્ટ થઈ જાય છે. આથી રૂટીનમાંથી અડધો કલાક કાઢીને સમય મળે ત્યારે બ્રિસ્ક વૉક કરવું. શક્ય હોય તો અડધા કલાકમાં ૧૦,૦૦૦ સ્ટેપ્સ પૂરાં કરવાનો ટાર્ગેટ બનાવવો. જો તકલીફ થાય તો સમય વધે તો પણ ચાલશે.
તમે ઑફિસમાં કલાકો સુધી બેસીને કામ કરતા હો તો દર ૩૦થી ૪૦ મિનિટે ઊભા થઈને થોડું વૉક કરો. આનાથી બ્લડ-સર્ક્યુલેશન શરૂ થઈ જશે અને માઇન્ડ-બૉડી કનેક્શન સારી રીતે જળવાશે.
ચૅર સ્ક્વૉટ્સ પગ માટેની સર્વોત્તમ કસરત છે. એ મગજને એક્ટિવ રાખે છે. ઝડપી ગતિએ ઊભા થઈને પાછા ધીમે-ધીમે ચૅર પર બેસી જવું. દિવસમાં આ પ્રૅક્ટિસ પંદરથી ૨૦ વખત કરવાથી મગજની શાર્પનેસ અને ફોકસ વધે છે. આ એક્સરસાઇઝ માઇન્ડ અને લેગના કનેક્શનને જાળવી રાખવા બહુ ઇફેક્ટિવ અને મહત્ત્વની છે.
દાદર ચડવા-ઊતરવા, સાઇક્લિંગ, સ્વિમિંગ જેવી ઍક્ટિવિટી તો રાખવી જ જોઈએ. હીલ-રેઇઝર એટલે કે ઊભા રહીને પગની એડીને ઉપર-નીચે કરવાથી અને એક જ જગ્યાએ ઊભા રહીને માર્ચિંગ કરવાથી કાફ મસલ્સનું પમ્પિંગ થશે. આનાથી બ્લડ-સર્ક્યુલેશન સારું થશે, પગની સ્ટ્રેન્ગ્થ વધશે અને સાથે માઇન્ડ ઍક્ટિવ રહેશે.


