આપણે જે પણ ખાતા હોઈએ એની સીધી અસર આપણા શરીર, દેખાવ, ઊર્જા અને માનસિક સ્થિતિ પર પડે છે. એવામાં એક રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે મિલ્કશેક જેવું હાઈ ફૅટવાળું ફૂડ તમારા બ્રેઇનને ડૅમેજ કરી શકે છે. એવામાં એ પાછળનું કારણ જાણવું અને શરીરને નુકસાન થતું બચાવવ
પ્રતીકાત્મક તસવીર
મિલ્કશેક જેવી હાઈ ફૅટવાળી વસ્તુ બ્રેઇન સુધી પહોંચનારા બ્લડ-ફ્લોને પ્રભાવિત કરી શકે છે, જેનાથી સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. ધ જર્નલ ઑફ ન્યુટ્રિશનલ સાઇકોલૉજીમાં પબ્લિશ થયેલા એક સ્ટડીમાં આવો ખુલાસો થયો છે. પુરુષોનાં બે ગ્રુપ પર સ્ટડી કરીને આ તારણ કાઢવામાં આવ્યું હતું. એક ગ્રુપ ૧૮થી ૩૫ વર્ષની ઉંમરના ૨૦ પુરુષોનું હતું, જ્યારે બીજું ગ્રુપ ૬૦થી ૮૦ વર્ષના ૨૧ પુરુષોનું હતું. આ પુરુષોને મિલ્કશેક પીવડાવવામાં આવ્યું હતું. આ ડ્રિન્કમાં ૧૩૬૨ કૅલરી અને ૧૩૦ ગ્રામ ફૅટ હતાં. ચાર કલાક પછી હાર્ટ અને બ્રેઇન સાથે જોડાયેલી બ્લડ-વેસલ્સને તપાસવામાં આવી હતી. રિઝલ્ટમાં જોવા મળ્યું કે યુવાન અને વયસ્ક બન્ને પુરુષોમાં હાઈ ફૅટવાળા મીલને કારણે હૃદય સાથે જોડાયેલી બ્લડ-વેસલ્સની કામ કરવાની ક્ષમતાને અસર પહોંચી છે અને બ્રેઇનને પહોંચતા બ્લડ-ફ્લોમાં પણ ફ્લક્ચ્યુએશન જોવા મળ્યું હતું. એની અસર યુવાન પુરુષોની સરખામણીમાં વયસ્ક પુરુષોમાં ૧૦ ટકા વધુ જોવા મળી હતી. સ્ટડીમાં કહેવાયું છે કે ડાયટમાં લો સૅચ્યુટેરેડ ફૅટ ધરાવતા ફૂડનું સેવન ફક્ત હાર્ટ માટે જ નહીં પણ આપણા બ્રેઇન માટે મહત્ત્વપૂર્ણ છે. એમાં પણ વયસ્કોએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે તેમને તો અગાઉથી જ સ્ટ્રોક અને અન્ય ન્યુરોડીજનરેટિવ બીમારીઓનું જોખમ વધુ હોય છે. કોઈક વાર હાઈ ફૅટવાળી વસ્તુ ખાવાથી ગંભીર અસર ભલે ન પહોંચે, પણ તેમ છતાં એનો થોડો પ્રભાવ તો પડે જ છે. આપણે ન્યુટ્રિશનિસ્ટ વર્ષા પટેલ જોશી પાસેથી આ વિષય પર વિસ્તૃત માહિતી મેળવી લઈએ તેમના પોતાના જ શબ્દોમાં...
ફૅટનું શરીરમાં કામ
ADVERTISEMENT
ડાયટરી ફૅટ શરીરને અનેક કામ કરવામાં મદદ કરે છે. સૌથી પહેલાં તો ફૅટ શરીરને લાંબા સમય સુધી ટકી રહે એવી ઊર્જા આપે છે. શરીરના દરેક કોષ માટે પણ ફૅટ જરૂરી છે જે એને મજબૂત અને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ફૅટ વિટામિન્સનો ઉપયોગ કરવામાં શરીરને મદદ કરે છે. કેટલાક ફૅટ-સૉલ્યુબલ વિટામિન્સને; જેમ કે A, D, E, Kને શરીર ફક્ત ફૅટ સાથે જ વાપરી શકે છે. એવી જ રીતે ફૅટ હૉર્મોન બનાવવામાં પણ મદદ કરે છે. શરીરના કામ અને મૂડને કન્ટ્રોલ કરતાં હૉર્મોન્સને બનાવવામાં ફૅટની પણ ભૂમિકા હોય છે. હેલ્ધી ફૅટ્સ આપણા હૃદય અને મગજના સ્વાસ્થ્ય માટે પણ સારી છે. સામાન્ય રીતે બે પ્રકારની ફૅટ હોય છે. એક સૅચ્યુરેટેડ
ફૅટ અને બીજી અનસૅચ્યુરેટેડ ફૅટ. એમાંથી જે સૅચ્યુરેટેડ ફૅટ છે એ વધુ લેવાથી શરીરને નુકસાન થઈ શકે છે. એટલે ડાયટમાં હેલ્ધી ફૅટ્સ ખાવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
સૅચ્યુરેટેડ ફૅટનાં નુકસાન
સૅચ્યુરેટેડ ફૅટ ખાવાથી લોહીમાં ખરાબ કૉલેસ્ટરોલ વધી જાય છે, જે રક્તવાહિનીઓની દીવાલના અંદરના ભાગે જમા થઈ જાય છે. એનાથી દીવાલ જાડી થતી જાય છે અને લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે. આમ થવાથી જે-તે ભાગને લોહી ઓછું મળે છે, પરિણામે
હાર્ટ-અટૅક, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. સૅચ્યુરેટેડ ફૅટથી નસોમાં સોજો અને સ્ટિફનેસ વધી જાય છે, પરિણામે મગજ સુધી ઑક્સિજન અને પોષક તત્ત્વોનો પુરવઠો ઘટી શકે છે. મગજ સુધી જ્યારે સરખો લોહીનો પુરવઠો નથી થતો ત્યારે બ્રેઇન-સેલ્સને આવશ્યક એનર્જી મળતી નથી, જેનાથી એનું કામકાજ ધીમું પડી જાય છે. ડાયટમાં વધુપડતી સૅચ્યુરેટેડ ફૅટ ખાવાથી યાદશક્તિ, લર્નિંગ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા નબળી પડી જાય છે. લાંબા સમય સુધી સતત હાઈ સૅચ્યુરેટેડ ફૅટવાળી ડાયટથી ઑલ્ઝાઇમર્સ અને ડિમેન્શિયા જેવા ન્યુરોડીજનરેટિવ રોગોનું જોખમ વધી જાય છે. સૅચ્યુરેટેડ ફૅટ કૅલરીમાં પણ હાઈ હોય છે એટલે એનાથી સ્થૂળતા પણ આવે છે. આગળ જતાં એ ડાયાબિટીઝનું પણ જોખમ વધારી શકે છે. એવી જ રીતે એ ફૅટી લિવરનું કારણ પણ બની શકે છે.
ખાવાપીવામાં કાળજી
ફુલ ફૅટવાળું દૂધ, મલાઈ, પનીર, બટર, ક્રીમ, ઘી, ચીઝ, આઇસક્રીમ, પામ તેલ, નારિયેળ તેલ, બિસ્કિટ, કેક, કુકીઝ, તળેલી વસ્તુઓ, ક્રીમ અને ચીઝ-બેઝ્ડ સૉસ આ બધી જ વસ્તુમાં સૅચ્યુરેટેડ ફૅટનું પ્રમાણ વધુ હોય છે. એટલે ડાયટમાં એનું સેવન પ્રમાણસર કરવા પર ધ્યાન આપવું જોઈએ. તમારે લો ફૅટવાળું કે સ્કિમ્ડ દૂધ વાપરવું જોઈએ. લો ફૅટવાળું દહીં, પનીર ખાવું જોઈએ. જન્ક ફૂડનું સેવન ઓછું કરવું જોઈએ. મગફળી, સનફ્લાવર, ઑલિવ જેવા તેલનો ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે ડાયટમાં ફાઇબરથી ભરપૂર ફળો, શાકભાજી, અનાજ, દાળનો સમાવેશ કરવો જોઈએ. ફાઇબર કૉલેસ્ટરોલ અને ફૅટનું ઍબ્સૉર્બ્શન ઘટાડવામાં મદદ કરે છે. બદામ, અખરોટ, પિસ્તાં, કાજુ, ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, કોળાનાં બીજ ખાવાં જોઈએ જે હેલ્ધી ફૅટ્સનો સારો સ્રોત છે. એવી જ રીતે જો તમે ક્યારેક મન થયું હોય અને હાઈ સૅચ્યુરેટેડ ફૅટવાળું મીલ લીધું હોય તો તમારું એ પછીનું મીલ એવું હોવું જોઈએ જે શરીરને બૅલૅન્સ અને ડીટૉક્સ કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે તમે લંચમાં પીત્ઝા કે ક્રીમી પાસ્તા ખાધા હોય તો ડિનરમાં તળેલું, ક્રીમવાળું કે હેવી સૉસ ખાવાનું ટાળવું જોઈએ. તમે દાળ, મિક્સ વેજિટેબલ, રોટલી, સૅલડ ખાઈ શકો. તમારે પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશનનું પણ ધ્યાન રાખવું જોઈએ. હાઈ સૅચ્યુરેટેડ ફૅટ હેવી અને પચવામાં ભારે હોય છે. પાણી પીવાથી પાચન થોડું સરળ બને છે. એવી જ રીતે શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢવામાં સરળતા પડે છે.
અહીં એ જાણવું પણ જરૂરી છે કે મિલ્કશેક ખરાબ છે એવું નથી. તમે ઘરે ટોન્ડ મિલ્ક અને ફ્રૂટ્સનો ઉપયોગ કરીને જે મિલ્કશેક બનાવો એ હેલ્ધી જ કહેવાય, પણ બહાર જે થિક મિલ્કશેક મળતા હોય છે એમાં આઇસક્રીમ, વિપ્ડ ક્રીમ, ફુલ ફૅટ મિલ્કનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી એમાં સૅચ્યુરેટેડ ફૅટ વધે છે એટલે એ અનહેલ્ધી છે.

