ચિંતા, સ્ટ્રેસ, અનિદ્રા જેવી માનસિક અસ્વસ્થતાનું પ્રતિબિંબ ત્વચા પર બહુ ઝડપથી પડે છે. આજે વર્લ્ડ સોરાયસિસ ડે છે ત્યારે જાણીએ મેન્ટલ હેલ્થ કઈ રીતે ત્વચા પર અસર કરે છે અને એના મૅનેજમેન્ટ માટે આહારવિહાર અને રોજિંદી જીવનશૈલીમાં કેવા ફેરફારો ફાયદારૂપ બને.
પ્રતીકાત્મક તસવીર
કામનું દબાણ વધે, ઊંઘ બરાબર ન થાય કે મનમાં સતત કોઈ વાતની ચિંતા ચાલતી હોય ત્યારે કેટલાક લોકોને શરીર પરનાં ચકામાં અને ખંજવાળની તકલીફ વધુ સતાવવા લાગે છે. ત્વચા પર લાલ ચકામાં, એની ઉપર સફેદ પડ અને વારંવાર થતી ખંજવાળને કારણે વ્યક્તિ શારીરિક અસ્વસ્થતાની સાથે માનસિક તનાવ પણ અનુભવી શકે છે. આવી સ્થિતિમાં સોરાયસિસ જવાબદાર પરિબળોમાંનું એક હોઈ શકે છે. સોરાયસિસ માત્ર ત્વચાની સમસ્યા નથી, પરંતુ એની અસર વ્યક્તિના આત્મવિશ્વાસ, સામાજિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. તનાવ સોરાયસિસનાં લક્ષણોને વધારી શકે છે અને સોરાયસિસને કારણે થતી અસ્વસ્થતા પણ તનાવ વધારી શકે છે. એટલે એની સંભાળમાં ત્વચાની સારવારની સાથે મનની સ્થિતિ અને જીવનશૈલીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
સોરાયસિસ શું છે?
ADVERTISEMENT
સોરાયસિસ એ એક ક્રૉનિક ઑટોઇમ્યુન ત્વચારોગ છે. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિની ભૂલના કારણે ત્વચાના કોષો ખૂબ જ ઝડપથી બનવા લાગે છે. એના કારણે ત્વચા પર જાડા, લાલ અને ચાંદી જેવાં ભીંગડાંવાળાં ચકામાં થઈ જાય છે.
સોરાયસિસનાં સામાન્ય લક્ષણો
ત્વચા પર લાલ, સોજાવાળાં ચકામાં પડવા.
તે ચકામાં પર ચાંદી જેવાં સફેદ કે સૂકાં ભીંગડાં જામવા.
અસહ્ય ખંજવાળ, બળતરા કે દુખાવો થવો.
ત્વચા અત્યંત સૂકી થઈ જવી અને કેટલીક વાર એમાંથી લોહી નીકળવું.
આ રોગ મોટા ભાગે કોણી, ઘૂંટણ, માથાની ચામડી, પીઠના નીચેના ભાગ અને નખ પર વધુ જોવા મળે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે સોરાયસિસ ચેપી બીમારી નથી. સ્પર્શ કરવાથી, સાથે બેસવાથી કે એક જ ઘરમાં રહેવાથી એ ફેલાતો નથી. તેથી સોરાયસિસ ધરાવતી વ્યક્તિથી દૂર રહેવાને બદલે તેમની સ્થિતિને સમજવી અને એને સહકાર આપવો જરૂરી છે.
સોરાયસિસનાં ટ્રિગર્સ કયાં?
માનસિક તનાવ સોરાયસિસનાં લક્ષણો વધારતાં મહત્ત્વનાં પરિબળોમાંનું એક છે. જ્યારે તમે માનસિક કે શારીરિક તનાવમાં હોવ ત્યારે શરીર એવાં હૉર્મોન્સ મુક્ત કરે છે જે રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરે છે અને શરીરમાં સોજો વધારે છે. તનાવ સિવાયનાં અન્ય કારણો પણ સોરાયસિસ વધારી શકે છે, જેમાં ગળાનો ચેપ, ઠંડું અને સૂકું વાતાવરણ, અમુક દવાઓની આડઅસર તેમ જ ધ્રૂમપાન, દારૂનું સેવન જેવી ખરાબ આદતો સોરાયસિસને વધુ ગંભીર બનાવે છે.
આયુર્વેદ શું કહે છે?
આયુર્વેદની દૃષ્ટિએ સોરાયસિસની સમજ આપતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. જૈના પટવા કહે છે, ‘આયુર્વેદના શાસ્ત્રીય ગ્રંથોમાં ત્વચાના તમામ રોગોના સમૂહને સામૂહિક રીતે ‘કુષ્ઠ’ તરીકે ઓળખવામાં આવ્યો છે. આયુર્વેદ મુજબ કુષ્ઠરોગમાં વાત, પિત્ત અને કફ એ ત્રણેય દોષો દૂષિત થાય છે, જે ત્વચા, લોહી, સ્નાયુ અને લસિકા (શરીરના પ્રવાહી)ને અસર કરે છે. આ તમામ પરિબળોનું પ્રમાણ દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોય છે અને એના આધારે જ યોગ્ય સારવારની પસંદગી થાય છે. ઉદાહરણ તરીકે, કોઈ એક દર્દીમાં વધુ પડતી શુષ્કતા અને ભીંગડાં ઊખડવાની સમસ્યા મુખ્ય હોઈ શકે છે, બીજા દર્દીમાં લાલાશ અને બળતરા વધુ હોઈ શકે છે, જ્યારે ત્રીજા દર્દીમાં ત્વચા જાડી થવી અને અસહ્ય ખંજવાળ આવવી જેવાં લક્ષણો હોઈ શકે છે. આયુર્વેદિક નિદાન આ વૈવિધ્યની સાથે સાથે દર્દીની પાચનક્રિયા, પેટ સાફ થવાની સ્થિતિ, ઊંઘ, માનસિક તનાવ, ડાયટ, શારીરિક પ્રકૃતિ અને રોગ કેટલો જૂનો છે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.’
વિરેચન અને તક્રધારા
સોરાયસિસ માટે આયુર્વેદમાં કેવા પ્રકારની સારવારનો સમાવેશ થાય છે એ વિશે વાત કરતાં ડૉ. જૈના પટવા કહે છે, ‘પહેલાં સોરાયસિસને ટ્રિગર કરતાં કારણો જેમ કે આહારની આદતો, વિરુદ્ધ આહાર, અનિયમિત દિનચર્યા, ઊંઘમાં ખલેલ વગેરેને ઓળખવાં પડે. દરેક વ્યક્તિમાં કયો દોષ પ્રબળ છે, પાચનક્ષમતા કેવી છે, ઉંમર, શારીરિક બળ, રોગની ગંભીરતા, રોગ કેટલો જૂનો છે અને એકંદર સ્વાસ્થ્ય કેવું છે એના આધારે સારવાર નક્કી કરવામાં આવે છે. તેમાં શમન ચિકિત્સા એટલે કે દોષોને શાંત કરતી સારવાર, યોગ્ય આંતરિક ઔષધિઓ, બાહ્ય લેપ કે તેલ, પથ્ય આહારના નિયમો અને જરૂર જણાય ત્યારે શરીર શુદ્ધીકરણ સામેલ હોઈ શકે છે. વિરેચન અને પંચકર્મની વાત કરીએ તો ચરકસંહિતામાં કુષ્ઠરોગના સંચાલનમાં શરીર શુદ્ધીકરણના ઉપાયોનું વર્ણન મળે છે. યોગ્ય આયુર્વેદિક વૈદ્ય દ્વારા દર્દીની સંપૂર્ણ તપાસ અને પૂર્વતૈયારી પછી, જરૂર જણાય ત્યારે ‘વિરેચન કર્મ’ એટલે કે ઔષધીય જુલાબ દ્વારા પિત્ત અને રક્તની શુદ્ધિ કરાવવાનો વિચાર થઈ શકે છે. પંચકર્મ એ સોરાયસિસના દરેક દર્દી માટે કોઈ એકસરખું કે રેડીમેડ પૅકેજ નથી. કઈ પદ્ધતિ પસંદ કરવી, એની પૂર્વતૈયારી કેવી રીતે કરવી, યોગ્ય સમય કયો અને પંચકર્મ પછી કેવો આહાર લેવો આ બધું જ દર્દી મુજબ અલગ નક્કી થાય છે. આ શુદ્ધીકરણ પ્રક્રિયાઓ હંમેશાં નિષ્ણાત વૈદ્યની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ જ થવી જોઈએ. એ સિવાય તક્રધારા એક એવી પદ્ધતિ છે જેમાં કપાળ પર ઔષધીય પ્રવાહી પરંપરાગત રીતે ઔષધયુક્ત છાશની એકધારી અને નિયંત્રિત ધાર કરવામાં આવે છે. આજના સમયમાં આયુર્વેદિક ચિકિત્સામાં તનાવ સંબંધિત લક્ષણોના ઉપચાર માટે એનો વ્યાપક ઉપયોગ થાય છે. ખાસ કરીને જ્યારે માનસિક તનાવ અને અનિદ્રા મુખ્ય સમસ્યા હોય ત્યારે તક્રધારાની સલાહ આપી શકાય છે. તેને એકમાત્ર સ્વતંત્ર ઉપાય ગણવાને બદલે સમગ્ર વ્યક્તિગત સારવાર યોજનાના એક ભાગ તરીકે અપનાવવી જોઈએ.’
કઈ ઔષધિઓ
આયુર્વેદમાં સોરાયસિસની સારવારમાં કેવા પ્રકારની ઔષધિનો ઉપયોગ થાય છે એ વિશે વાત કરતાં ડૉ. જૈના પટવા કહે છે, ‘કુષ્ઠરોગ માટે અનેક ઔષધીય વનસ્પતિઓનો સમાવેશ થાય છે.
લીમડો, હળદર, ખદિર અથવા ખેર, મંજિષ્ઠા, ત્રિફળા જેવી ઔષધિઓનો ઉપયોગ થાય છે. આ ઔષધિઓનું કૉમ્બિનેશન દરેક દરદીનાં લક્ષણોને આધારે નક્કી થાય. સોરાયસિસ એક ક્રૉનિક સ્થિતિ છે, જેનો કોઈ કાયમી ઇલાજ નથી. જોકે યોગ્ય સારવાર અને લાઇફસ્ટાઇલની મદદથી એને નિયંત્રણમાં લાવી શકાય છે.’
ટ્રીટમેન્ટને સપોર્ટ કરતી રોજિંદી સંભાળ
આયુર્વેદિક ઉપચાર ત્યારે જ વધુ અસરકારક બને છે જ્યારે એની સાથે ડેઇલી રૂટીનમાં હેલ્ધી આદતો અપનાવવામાં આવે.
ત્વચાની સુરક્ષાનું ધ્યાન રાખો : ત્વચા સાફ કરવા જેન્ટલ ક્લિન્ઝરનો ઉપયોગ કરો, ત્વચાને જોરથી ઘસવાનું ટાળો અને ડ્રાયનેસ તેમ જ ડિસકમ્ફર્ટ ઘટાડવા માટે કેમિકલ, સુગંધ વગરનું મૉઇશ્ચરાઇઝર લગાવો.
ઊંઘનો નિયમિત સમય જાળવો : દરરોજ એક જ સમયે સૂવાની આદત અને પૂરતો આરામ સમગ્ર સ્વાસ્થ્યને મજબૂત રાખે છે.
રોજિંદા જીવનમાં મનને શાંત રાખો : મેડિટેશન, હળવું યોગાસન, પ્રાણાયામ અથવા યોગનિદ્રા તનાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
જાતે દવા લેવાનું ટાળો : આયુર્વેદિક ઔષધિઓ અને પંચકર્મ જેવી પ્રક્રિયાઓ માટે વ્યક્તિગત તપાસ અને નિષ્ણાત વૈદ્યની દેખરેખ જરૂરી છે.
પથ્ય અને અપથ્ય : શું ખાવું અને શું નહીં?
જૂનું અનાજ : નવા પાકેલા અનાજ કરતાં એક વર્ષ જૂનું અનાજ પચવામાં હળવું હોવાથી વધુ સારું ગણાય છે.
મગ : હળવી અને સરળતાથી પચી જાય તેવી રીતે બનાવેલી મગની દાળ કે
બાફેલા મગ.
પરવળ : આયુર્વેદિક ગ્રંથોમાં ચામડીના રોગો માટે પરવળને ઉત્તમ શાકભાજી ગણાવ્યું છે.
કડવાં શાકભાજી : કારેલાં, ટીંડોળા જેવાં કડવાં શાકભાજી.
તાજો અને સુપાચ્ય ખોરાક : યોગ્ય માત્રામાં, નિયમિત સમયે અને તાજો બનેલો હળવો ખોરાક, જે પાચનક્રિયાને મજબૂત રાખે છે.
આહાર : નવું અનાજ, દહીં, માછલી, તલ, અડદ, વધુ પડતો મીઠાવાળો કે ખાટો ખોરાક, ભારે ખોરાક, અને વિરુદ્ધ આહાર. ઉપરાંત, આગળનો ખોરાક પચ્યો ન હોય છતાં ફરી ખાવું એ પણ નુકસાન કરે છે.
વિહાર (ટેવો) : દિવસે ઊંઘવું અને મળ-મૂત્ર જેવા કુદરતી આવેગોને રોકી રાખવા.
ભોજનનો સમય નક્કી રાખો. ભૂખ કરતાં વધુ ન ખાઓ. હંમેશાં તાજું અને સરળતાથી પચી જાય તેવું ભોજન પસંદ કરો. કયો ખોરાક ખાવાથી લક્ષણો વધે છે કે ઘટે છે, એની એક સરળ ડાયરી કે નોંધ રાખો.
