આ ચામાં ચા પત્તી અને દૂધ નથી હોતાં, હોય છે ફક્ત ગરમ પાણી અને મસાલાના ડબ્બામાં સૌથી ઓછું વપરાતું એવું ચકરીફૂલ; જેને કેટલાક લોકો બાદિયા કહે છે.
પ્રતીકાત્મક તસવીર
આ ચામાં ચા પત્તી અને દૂધ નથી હોતાં, હોય છે ફક્ત ગરમ પાણી અને મસાલાના ડબ્બામાં સૌથી ઓછું વપરાતું એવું ચકરીફૂલ; જેને કેટલાક લોકો બાદિયા કહે છે. ચોમાસામાં થતી શરદી, ખાંસી, સાંધાના દુખાવા, ઇન્ફેક્શન બધાં સામે એ રક્ષણ આપે છે. તો આ સીઝનમાં ઓછા વપરાતા આ મસાલાનો ઉપયોગ કરી જુઓ અને મેળવો એના અઢળક ફાયદાઓ
આમ તો ભારતીય મસાલાઓની વાત કરીએ એટલી ઓછી. વર્ષો પહેલાં આ મસાલાઓને કારણે યુરોપવાસીઓ ભારત શોધવા પર મજબૂર થઈ ગયા હતા અને કેટલાય મહાસાગરો ખૂંદીને આપણા સુધી પહોંચ્યા ફક્ત આ મસાલાઓ ખાતર. કોઈ પણ ગૃહિણીને તેનો મસાલાનો ડબ્બો અતિ પ્રિય હોય છે. પરંતુ એ ડબ્બામાં અચૂક જેની હાજરી હોય છતાં સૌથી ઓછો જેનો વપરાશ હોય છે એની આજે વાત કરવાના છીએ, જેને ચકરીફૂલ કે ચક્રફૂલ અથવા બાદિયા કે બાદિયાન કહેવામાં આવે છે. મોટા ભાગે પુલાવ, બિરયાની અને ઘરે બનતા ગરમ મસાલામાં જેનો ઉપયોગ કરવામાં આવે છે એ ચકરીફૂલને અંગ્રેજીમાં સ્ટાર એનિસ પણ કહેવામાં આવે છે. ફૂલ જેવો ખીલેલો જેનો આકાર છે એવાં આ ચકરીફૂલ વનસ્પતિ પર ઊગતું ફૂલ નહીં, ફળ છે. એની સુગંધ માટે ખાસ જાણીતાં ચકરીફૂલમાં ઘણાં શક્તિશાળી પોષક તત્ત્વો છે. એના સ્વાદ અને સુંગંધ સિવાય પણ એમાં રહેલાં પોષક તત્ત્વોને કારણે એનું માહાત્મ્ય વધ્યું છે. આજે જાણીએ ચકરીફૂલ વિશે વિગતથી.
ADVERTISEMENT
ઉકાળાના ફાયદા
ચકરીફૂલમાં અઢળક પ્રમાણમાં ઍન્ટિઑક્સિડન્ટ્સ હોય છે જે શરીરમાં નુકસાનકારક ફ્રી રૅડિકલ્સ સામે લડવાની શક્તિ આપે છે, જેને કારણે શરીરમાં જે લાંબા ગાળાના રોગો થતા હોય એને રોકી શકાય છે એમ જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘ચકરીફૂલને રેગ્યુલર ડાયટમાં સામેલ કરવા માટે આ બેસ્ટ સીઝન છે. ચોમાસામાં શરીરનું તાપમાન નીચે જાય છે. પાચન બગડે છે કે ધીમું બને છે. આવા સમયે ઘરે જમવામાં પુલાવ કે કોઈ ખાસ દાળ-શાકમાં એનો સમાવેશ થાય છે. પરંતુ આજકાલ જે ચલણમાં છે એ છે ચકરીફૂલની ચા. ચા નામ સાંભળીને જુદું ન ધારી લેતા. આ ચામાં ચાની ભૂકી કે દૂધ જેવા પદાર્થો હોતા નથી. ઊલટું એને ઉકાળો કે કાઢો કહી શકાય. ૧ કપ પાણીમાં ૫-૧૦ મિનિટ સુધી ચકરીફૂલને ઉકાળવામાં આવે અને એને ગરમ-ગરમ પીવામાં આવે ત્યારે ચોમાસાના વરસતા વરસાદમાં એક આહ્લાદક પીણું નથી બની રહેતું પરંતુ આ ઋતુમાં ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનો એકદમ સરળ ઉપાય બની જાય છે.’
અઢળક ફાયદાઓ
ચકરીફૂલમાં ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી પ્રૉપર્ટી ભરપૂર છે. ચોમાસામાં એક મહત્ત્વની તકલીફ લોકોને થાય છે કે વાતાવરણમાં જે ભેજ હોય એ ભેજને કારણે લોકોને સાંધામાં દુખાવો થતો હોય છે. જેમને આર્થ્રાઇટિસ છે ફક્ત એ લોકો જ નહીં પરંતુ જેમને સાંધાની નાની-મોટી તકલીફ છે તેમના માટે પણ ચોમાસું અઘરું બને છે. ચકરીફૂલમાં રહેલી આ ઍન્ટિ-ઇન્ફ્લૅમૅટરી પ્રૉપર્ટી આ પરિસ્થિતિમાં ઘણી મદદરૂપ થાય છે એમ જણાવતાં કેજલ શાહ કહે છે, ‘એનાથી સાંધાનો દુખાવો ઘટે છે કે દૂર થાય છે. ઇન્ફ્લમેશનને જ કારણે ચોમાસામાં લોકોને શ્વાસ સંબંધિત તકલીફો પણ વધી જતી હોય છે. ખાસ કરીને જેમને પહેલેથી ઍલર્જી અને અસ્થમા જેવા રોગ હોય કે પછી ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ (COPD) જેવો રોગ હોય, કોવિડને કારણે ફેફસા પહેલેથી અસરગ્રસ્ત થયા હોય તો એ લોકોને શ્વાસ સંબંધિત તકલીફો ભેજને કારણે આ સિઝનમાં વધી જાય છે. ચકરીફૂલની ઍન્ટિઇન્ફ્લૅમૅટરી પ્રૉપર્ટી અહીં પણ મદદરૂપ થાય છે. સામાન્ય રીતે હવામાનમાં બદલાવને કારણે જ્યારે પણ હું બીમાર પડું છું ત્યારે હું ચકરીફૂલને પાણીમાં ઉકાળીને લઉં છું. એનાથી મને અંગત રીતે પણ ઘણો ફાયદો થયો છે. ખાસ કરીને કોઈ પણ જાતના દુખાવા હોય તો એમાં જરૂરથી ફાયદો થાય છે.’
ચોમાસાની તકલીફોમાં ઉપયોગી
ચોમાસામાં એક સૌથી મોટી તકલીફ જે બધાને થતી હોય છે એ છે અપચો. એ અપચાને કારણે ગૅસ થઈ જાય છે. એને કારણે જ બ્લોટિંગ રહ્યા કરે છે. ઘણી વાર આ અવસ્થામાં લોકોને ઊલ્ટી જેવું પણ લાગતું હોય છે. ચોમાસામાં લોકોને તળેલું ખાવાની ઘણી ઇચ્છા થાય છે પરંતુ પાચન એટલું મંદ થઈ ગયું હોય છે કે એ પચતું નથી. ચકરીફૂલ આ મંદ પાચન પર અસર કરે છે. ગૅસ દૂર કરે છે. ફક્ત ચામાં જ નહીં, ગ્રેવીવાળા શાકમાં કે સૂપમાં, દાળમાં પણ ફ્લેવર વધારવા માટે એ વાપરી શકાય છે. મહત્ત્વનું એ છે કે એની માત્રા ઓછી જ રહેશે પણ ફાયદાઓ અઢળક છે.
અજમાવી જુઓ
ચકરીફૂલમાં ઍન્ટિમાઇક્રોબિયલ પ્રૉપર્ટી પણ હોય છે જે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન સામે લડે છે. ચોમાસામાં લોકોને પાણીજન્ય રોગો થઈ જતા હોય છે. આ રોગો સામે રક્ષણ માટે જે ઇમ્યુનિટીની જરૂર પડે છે એમાં આ ચકરીફૂલ ઉપયોગી બને છે. આ સિવાય ચોમાસામાં થતાં વાઇરલ ઇન્ફેક્શન જેમાં ખાસ કરીને શરદી-ખાંસી થતી હોય છે એમાં ચકરીફૂલ ઉપયોગી છે કારણ કે એની તાસીર ગરમ છે. ગળા માટે અને કફ સંબંધિત જેટલાં પણ ચિહ્નો હોય એમાં એનો ઉકાળો મદદરૂપ છે. પોતાના અનુભવને વર્ણવતાં કેજલ શાહ કહે છે, ‘મારા અંગત અનુભવ મુજબ જ્યારે પણ મને ચોમાસામાં શરદી-ઉધરસ થયાં છે કે ગળું પકડાઈ ગયું હોય ત્યારે હું ચકરીફૂલના આ ઉકાળામાં મધ નાખીને લઉં છું. મને એનાથી ઘણો ફાયદો થયો છે. આ સિવાય એની સુગંધ સ્ટ્રેસ રિલીઝ કરવામાં ઉપયોગી છે. મૂડને એ વધુ સારો કરે છે. એટલે જ બજારમાં એના તેલથી બનેલી કે ચકરીફૂલ ઇન્ફ્યુઝ્ડ કરેલી મીણબત્તીઓ મળે છે. વરસાદમાં એ મીણબત્તી ચાલુ કરીને તમારા મનગમતા પુસ્તક સાથે એક સાંજ વિતાવો. તમને ખુદ ખબર પડશે કે કંઈક તો છે આ ચકરીફૂલમાં જેને કારણે તમારો મૂડ આટલો સરસ થઈ ગયો.’
અતિરેક ન કરવો
ગમેતેટલી ગુણવાન હોય પરંતુ વસ્તુઓનો ઉપયોગ થવો જોઈએ, અતિરેક નહીં. તમને જો ભાવી પણ જાય તો પણ ચકરીફૂલનો આ ઉકાળો દિવસમાં એક અને વધુમાં બે વાર પી શકાય. પુલાવ, બિરયાની કે દાળમાં નાખો તો પણ ૪-૫ વ્યક્તિઓ માટે બનતી ડિશમાં એક ચકરીફૂલ ઘણું થઈ જાય. એનાથી વધુ એનો ઉપયોગ કરાય નહીં. એની તાસીર ગરમ રહેવાને કારણે એનો વધુપડતો ઉપયોગ તમને નુકસાન પણ કરી શકે છે.