Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું તમારી થાળીનો કન્ટ્રોલ સોશ્યલ મીડિયા પાસે છે?

શું તમારી થાળીનો કન્ટ્રોલ સોશ્યલ મીડિયા પાસે છે?

Published : 17 February, 2026 11:34 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આજના સમયમાં આપણે શું ખાવું એ આપણી ભૂખ નહીં પણ ઇન્સ્ટાગ્રામનું ઍલ્ગરિધમ નક્કી કરે છે. ચીઝ પુલ, ચૉકલેટ બૉમ્બ, કલરફુલ મૉકટેલ્સ, ક્રિસ્પી આઇટમ્સ, અતરંગી ફ્યુઝન ફૂડ જ્યારે મોબાઇલની સ્ક્રીન પર દેખાય છે ત્યારે તરત જ એ ટ્રાય કરવાનું મન થાય છે. એવામાં આ ‘વાઇર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લે તમે કઈ વાનગી ફક્ત એટલા માટે ખાધી કારણ કે તમને સાચે જ ભૂખ લાગી હતી? અને કેટલી વાર તમે કોઈ રેસ્ટોરાંમાં એટલા માટે ગયા કારણ કે તમારા ફેવરિટ ફૂડ-બ્લૉગરે ત્યાંનો વિડિયો પોસ્ટ કર્યો હતો? સોશ્યલ મીડિયા પર ફૂડ હવે માત્ર સ્વાદ નથી પણ એક વિઝ્યુઅલ પર્ફોર્મન્સ છે. પીત્ઝા કે સૅન્ડવિચને ખેંચતી વખતે જ્યારે ચીઝના લાંબા તાર બને; બર્ગર કે કેકમાંથી જ્યારે સૉસ, મેયોનીઝ કે પીગળેલી ચૉકલેટ બહાર રેલાતી હોય; લાલચટક સેઝવાન ચટણી; નિયૉન બ્લુ મૉકટેલ્સ કે લાલ-પીળા મસાલા, ખાતી વખતે ક્રન્ચનો અવાજ; ગરમાગરમ તેલમાં તળાતી વાનગીનો અવાજ; સોડાની બૉટલ ખૂલવાનો અવાજ; આઇસક્રીમ-પકોડા; ટોકલેટ જેવી અતરંગી આઇટમ્સ; બાહુબલી થાળી; પાંચ ફુટ લાંબો ઢોસા આ બધી વસ્તુઓ આપણને આકર્ષે છે, ક્રેવિંગ જગાડે છે અને એને ટ્રાય કરવા માટે મજબૂર કરે છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે જે વાનગીનો સ્વાદ જીભ પર થોડી સેકન્ડો માટે રહે છે એની આડઅસર વર્ષો સુધી આપણા શરીરમાં ઘર કરી જાય છે?  

ભૂખ નહીં, મગજની રમત



કોઈ પણ ફૂડ-રીલ જ્યારે વાઇરલ થાય ત્યારે કેમ લોકો એને ટ્રાય કર્યા વગર રહી શકતા નથી એ પાછળની સાઇકોલૉજી સમજાવતાં સાઇકોલૉજિસ્ટ મિતી મહેતા કહે છે, ‘ભોજન વાસ્તવમાં શરીરના પોષણ માટે છે, પણ સોશ્યલ મીડિયા આપણા મગજના પ્લેઝર પાથવેને મૅનિપ્યુલેટ કરે છે. સરળ શબ્દોમાં સમજીએ તો સામાન્ય રીતે જ્યારે આપણે પૌષ્ટિક ખોરાક ખાઈએ ત્યારે મગજમાં ડોપમીન એટલે કે આનંદ આપતું કેમિકલ રિલીઝ થવું જોઈએ, પરંતુ ફૂડ-રીલ્સ જોતી વખતે આ ડોપમીન ખોરાક ખાતી વખતે નહીં પણ એને જોતી વખતે અને એ કેવો હશે એની કલ્પના કરતી વખતે જ રિલીઝ થવા લાગે છે. આનાથી એક ગંભીર સમસ્યા ઊભી થાય છે. આપણું મગજ ખોરાક ખાવાના આનંદને બદલે એ ખોરાક મેળવવાની ઉત્તેજનાનું આદી બની જાય છે. આપણે સતત એવા નવા સ્ટિમ્યુલેશન પાછળ ભાગીએ છીએ જે મગજને ડોપમીનનો ડોઝ આપે. પરિણામે આપણું મગજ પેટ ભરાઈ ગયું છે એવા સંતોષના સંકેતોને બદલે સતત નવા ડોપમીન સ્પાઇક્સને શોધ છે. આપણે ભૂખ સંતાષવા માટે નહીં પણ મગજની પેલી ઉત્તેજનાને શાંત કરવા માટે ખાતા થઈ જઈએ છીએ. જ્યારે આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ આ વાનગી ટ્રાય કરી રહી છે ત્યારે આપણા મનમાં એક ડર પેદા થાય છે કે હું ક્યાંક પાછળ તો નથી રહી ગયોને? આ FOMO એટલે કે ફિયર ઑફ મિસિંગ આઉટ આપણી પસંદગીઓ પર હાવી થઈ જાય છે. આપણે એ નથી ખાતા જે આપણને ગમે છે, પણ એ ખાઈએ છીએ જે ટ્રેન્ડી છે. આજે રેસ્ટોરાંમાં જવાનો હેતુ ભોજનનો આનંદ લેવા કરતાં ફોટો પાડીને સોશ્યલ મીડિયા પર મૂકવાનો વધુ હોય છે. આપણને લોકોનાં લાઇક્સ અને કમેન્ટ્સ દ્વારા જે વૅલિડેશન મળે છે એ આપણા ખોરાકના સંતોષ કરતાં મોટું બની જાય છે. આપણે ફક્ત વાઇરલ ફૂડ ટ્રાય નથી કરી રહ્યા પણ આપણે એ મંતવ્યોને અનુસરવા માટે એક પ્રકારનું દબાણ અનુભવી રહ્યા છીએ જે સતત આપણી સામે પીરસવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર પીરસવામાં આવે છે એ જ સાચું અને સારું છે એવી એક માનસિકતા ઊભી થઈ રહી છે. દરેક શહેર-ગલીમાં એક જ પ્રકારનું વાઇરલ ફૂડ મળવા લાગ્યું છે. એને કારણે લોકલ ફૂડની જે વિવિધતા છે એ ગાયબ થઈ રહી છે. એના કારણે અલગ-અલગ સંસ્કૃતિના સ્વાદનો અનુભવ કરવા આપણે તૈયાર નથી.


હેલ્થ પર ભારે પડતું જન્ક ફૂડ

જન્ક ફૂડ કઈ રીતે તમને પૌષ્ટિક આહારથી દૂર લઈ જાય છે અને એ કઈ રીતે શરીરને નુકસાન પહોંચાડે છે એ વિશે વાત કરતાં ડાયટિશ્યન રીમા ધોરાજીવાલા કહે છે, ‘સ્ટ્રીટફૂડ અને કેટલીક રેસ્ટોરાંમાં વપરાતું ચીઝ, મેયોનીઝ કે બટર ઘણી વાર હલકી ગુણવત્તાનું હોય છે. આમાં ટ્રાન્સફૅટ્સ અને હાયડ્રોજનેટેડ ઑઇલ્સનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. લાંબા ગાળે આ શરીરમાં બૅડ કૉલેસ્ટરોલ વધારે છે જે હૃદય સંબંધિત બીમારીઓ અને ધમનીઓમાં બ્લૉકેજનું કારણ બને છે. બહારના ફૂડમાં વપરાતાં આર્ટિફિશ્યલ કલર્સ અને ટેસ્ટ એન્હૅન્સર્સ આપણા ટેસ્ટ-બડ્સને હાઇજૅક કરી લે છે. સતત આ‍વું તીખું અને ચટપટું ખાવાથી આપણા સ્વાદના કોષો સામાન્ય સ્વાદ પ્રત્યે બહેરા થઈ જાય છે. એટલે ઘરનું સાદું અને પૌષ્ટિક ખાવાનું આપણને ફીકું અને બોરિંગ લાગવા લાગે છે. આના કારણે વ્યક્તિને વારંવાર બહારનું ખાવાની ઇચ્છા થાય છે, જે છેવટે મેદસ્વિતા અને ડાયાબિટીઝ, બ્લડપ્રેશર જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝ તરફ દોરી જાય છે. અતિશય જન્ક ફૂડ અને એમાં રહેલાં કેમિકલ્સ શરીરનાં હૉર્મોન્સને અસંતુલિત કરે છે; જેના કારણે મૂડ-સ્વિંગ્સ, ઊંઘની સમસ્યા, પાચનતંત્રના ગંભીર રોગો થાય છે. જ્યારે કોઈ ફૂડ-બ્લૉગર એક્સ્ટ્રા ચીઝવાળી ફૂડ-આઇટમની રીલ પોસ્ટ કરે છે ત્યારે જોનારના મગજમાં ફીલ-ગુડ હૉર્મોન રિલીઝ થાય છે. આ એક પ્રકારનું માનસિક કન્ડિશનિંગ છે જે આપણને હેલ્ધી ફૂડથી દૂર કરી બિન્જ ઈટિંગ ડિસઑર્ડર તરફ ધકેલે છે. સ્વાદના ચક્કરમાં આપણે હાઇજીનને નજરઅંદાજ કરીએ છીએ. ઘણી વાર વાઇરલ ફૂડની ઝાકઝમાળમાં આપણે એ જોવાનું ચૂકી જઈએ છીએ કે એ વાનગીમાં કઈ સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે કે એને કેટલી સ્વચ્છતા સાથે બનાવવામાં અને સર્વ કરવામાં આવી રહી છે. ગરમાગરમ ખાવાનું જ્યારે ઍલ્યુમિનિયમ ફૉઇલમાં પૅક કરવામાં આવે છે ત્યારે એમાંથી ઍલ્યુમિનિયમના કણો ખોરાકમાં ભળે છે. લાંબા ગાળે એ શરીરમાં એકઠું થઈને યાદશક્તિ ઓછી કરે અને કિડની સંબંધિત રોગોનું જોખમ વધારે છે. 
સ્ટ્રીટ -સ્ટૉલ પર ઘણી વાર એક જ તેલને વારંવાર ઉકાળવામાં આવે છે. આ તેલ કાર્સિનોજેનિક બની જાય છે. એ શરીરમાં ફ્રી રૅડિકલ્સ પેદા કરે છે, જે શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે.’


ફૂડ-બ્લૉગરનો કેટલો દોષ?

સોશ્યલ મીડિયા અને ફૂડ-બ્લૉગિંગના જમાનામાં લોકોની બદલાયેલી ફૂડ-હૅબિટ્સ પાછળ ફૂડ-બ્લૉગરનો હાથ છે અને તેમને કારણે લોકો વધુ અનહેલ્ધી ફૂડ ખાઈ રહ્યા છે એવો આક્ષેપ થતો હોય છે. સવાલ એ છે કે આમાં ફૂડ-બ્લૉગરને દોષ આપવો કેટલી હદે યોગ્ય છે? આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરતાં પાંચ-છ વર્ષથી ફૂડ-બ્લૉગિંગનો અનુભવ ધરાવતા અને ઇન્સ્ટાગ્રામ પર ૧,૮૯,૦૦૦ હજાર ફૉલોઅર્સ ધરાવતા રાજ પટેલ કહે છે, ‘હા, હું એ વાત સ્વીકારું છું કે લોકો અમારી રીલ્સ જોઈને ઇન્ફ્લુઅન્સ થાય છે. જોકે એક ફૂડ-બ્લૉગર તરીકે મારો એક્સ્પીરિયન્સ શૅર કરું તો હું જ્યારે કોઈ હેલ્ધી વાનગી પર રીલ્સ બનાવું છું ત્યારે મને એના પર એટલાં લાઇક, કમેન્ટ, શૅર નથી મળતા. લોકોને પણ ચીઝ અને મેયોનીઝથી લોડેડ, ફ્રાઇડ અને ક્રિસ્પી ફૂડ, એક્સ્ટ્રીમ અતરંગી ફૂડ ખાવું ગમતું હોય છે. હું એ પણ માનું છું કે ઘણી વાર અમે એ રીતે ફૂડના શૉટ્સ લઈએ કે સાદી ફૂડ-આઇટમ પણ વિઝ્યુઅલી લોકોને ખૂબ અપીલિંગ લાગે. અમને એ પ્રમાણે કામ કરવું પડે કારણ કે રેસ્ટોરાં તરફથી અમને પૈસા મળતા હોય. અમે આવી રીલ્સ નાખીએ ત્યારે એ લોકોમાં ખૂબ વાઇરલ થાય છે. લોકોને પણ ખબર જ છે કે આ બધી જન્ક આઇટમ્સ હેલ્ધી નથી, પણ તેમ છતાં તેઓ ખાય છે. અમે પણ લોકોને એ જ દેખાડીએ છીએ જે જોવું તેમને ગમે. અમારા માટે તો ફૂડ-બ્લૉગિંગ જ અમારી રોજીરોટી છે. મને લાગે છે કે અનહેલ્ધી ફૂડ-હૅબિટ માટે ફૂડ-બ્લૉગર પર બ્લેમ કરવા કરતાં લોકોએ તેમની સમજદારીથી નક્કી કરવું જોઈએ કે તેમને શું ખાવું છે અને શું નથી ખાવું. આજે અમે પણ સ્ટ્રીટ-સ્ટૉલ કે રેસ્ટોરાંમાં કોઈ ફૂડ ટ્રાય કરવા જઈએ તો રીલ બનાવવા પૂરતું થોડું ટેસ્ટ કરીએ. એ પછી બચેલું ખાવાનું પૅક કરાવીને જરૂરિયાતમંદોને આપી દઈએ. અમને પણ ખબર છે કે આ બધી આઇટમ્સ રોજબરોજના જીવનમાં ખાવા માટે નથી, કોઈક વાર સ્વાદ માટે ખાઓ તો ચાલે.’

અહીં આપણે જ સમજવું પડશે કે જીભનો સ્વાદ થોડી મિનિટોનો મહેમાન છે, પણ શરીર આજીવન આપણી સાથે રહેવાનું છે. સોશ્યલ મીડિયાની રીલ્સ જોઈને લલચાવાને બદલે આપણી થાળીમાં શું જઈ રહ્યું છે એની લગામ આપણા પોતાના હાથમાં રાખવી પડશે. સ્વાદ માણવો ખોટું નથી, પણ સ્વાદના ગુલામ બનવું જોખમી છે. આપણી સમજદારી જ ડાયાબિટીઝ, 
હાર્ટ-અટૅક અને મેદસ્વિતા જેવી બીમારીઓથી બચાવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 11:34 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK