સ્થૂળતા કે મેદસ્વિતા આજકાલ ફક્ત માણસોમાં જ નહીં પણ પાળતુ પ્રાણીઓમાં પણ ઝડપથી વધી રહી છે, જે આગળ ચાલતાં અનેક સમસ્યાઓ ઊભી કરી શકે છે
પ્રતીકાત્મક તસવીર
તમારો વફાદાર દોસ્ત પૂંછડી હલાવે કે મ્યાંઉ કરે ત્યારે એમને ભાવતી ટ્રીટ આપવી એકદમ સહજ છે, પરંતુ આ વધુપડતી મમતા ઘણી વાર ગંભીર આરોગ્ય સમસ્યા ઊભી કરી શકે છે. સ્થૂળતા કે મેદસ્વિતા આજકાલ ફક્ત માણસોમાં જ નહીં પણ પાળતુ પ્રાણીઓમાં પણ ઝડપથી વધી રહી છે, જે આગળ ચાલતાં અનેક સમસ્યાઓ ઊભી કરી શકે છે
છેલ્લાં કેટલાંક વર્ષોમાં પાળતુ કૂતરા અને બિલાડીઓમાં ઓબેસિટી એટલે કે મેદસ્વિતા ઝડપથી વધી રહી છે. આમ તો દરેક ઘરમાં પેટ્સને કેટલું ખાવાનું આપવામાં આવશે એ જે-તે ઘરના લોકો જ એટલે કે પેટ-પેરન્ટ્સ જ નક્કી કરી લે છે. પોતાનું બાળક ભૂખ્યું ન રહે એવી કાળજી જેમ દરેક વાલી રાખે છે અને ગમે એટલું ખાધેલું હોય તો પણ આપણું બાળક ઓછું જ જમે છે એવી લાગણી જેમ દરેક મા-બાપની હોય છે એવી જ લાગણી પેટ્સના વાલીઓને પણ થાય છે. ભારતીય ઘરોમાં જ્યાં પ્રેમ અને લાગણી જતાવવા વધુ જમાડાય છે એ જ પરંપરા એ લોકો તેમનાં પેટ્સ માટે પણ અનુસરે છે જે આગળ જતાં તેમનાં પેટ્સને ભારે પડી શકે છે જેના કારણે ડાયાબિટીઝ, હાર્ટની સમસ્યાઓ અને સાંધાના દુખાવા જેવી ગંભીર બીમારીઓનો ભય ઊભો થાય છે. આ લેખમાં આપણે જાણીશું કે પાળતુ પ્રાણીઓમાં વજન વધવાનું કારણ શું છે અને એમને ફરી તંદુરસ્ત કેવી રીતે બનાવી શકાય.
ADVERTISEMENT
મેદસ્વિતાનાં મુખ્ય કારણો
પાળતુ પ્રાણીઓમાં વધતું વજન મોટા ભાગે એમના વાલીની આદતોને કારણે થાય છે : જેમ કે વધારે ખોરાક આપવો અથવા બાઉલ આખો દિવસ ભરેલો રાખવો. ઓછી શારીરિક પ્રવૃત્તિ કરાવવી, ખાસ કરીને ઘરમાં રહેતાં પાળતુ પ્રાણીઓની પ્રવૃત્તિ સાવ જ નહીંવત હોય છે. નસબંધી/સ્પેયિંગ, જેને કારણે મેટાબોલિઝમ ધીમું થઈ શકે છે. માણસોનો ખોરાક ખવડાવવો, ખાસ કરીને તેલ-મસાલેદાર કે મીઠાશભર્યું ખાવાનું આપવું. જૈવિક કે જિનેટિક કારણો, જેમ કે થાઇરૉઇડ કે જિનેટિકલી સ્થૂળ હોવું. આ બધાં કારણો સાથે સહમત થઈને આ બાબતે વિસ્તારથી વાત કરતાં બોરીવલીમાં પ્રૅક્ટિસ કરતાં પ્રાણીઓનાં અનુભવી ડૉક્ટર અને વેટરિનરી સર્જ્યન સુનેત્રા વાડકે કહે છે, ‘પાળતુ પ્રાણીઓમાં વજન વધવાનાં કારણો અનેક છે. પેટ્સને ઓવરફીડિંગ કરાવો; ઘરમાં વધેલું-ઘટેલું ખાવાનું આપો; ખાંડ, મસાલો કે તેલવાળી વસ્તુઓ આપો એટલે વજન વધે છે. તમે એક વખત ઘરમાં પકાવેલું ખાવાનું આપી શકો પણ એમાં પણ તમારે એમની ડાયટનું એ જ રીતે ધ્યાન આપવું જોઈએ જે રીતે આપણે આપણી ડાયટ વિશે ધ્યાન આપીએ છીએ. ઘણા લોકો મૅગી ખવડાવે, ગાંઠિયા-ફાફડા કે ચેવડો ખવડાવે. આ સિવાય કોલ્ડ ડ્રિન્ક્સ આપે. બહારની ચૉકલેટ્સ તો ઝેર છે એમના માટે. એક વખત ઘરે બનાવેલું ચાલે, પણ બૅલૅન્સ જળવાય એ બહુ જ જરૂરી છે. એમને તમે ભાત ખવડાવી શકો, જો ઘઉંની ઍલર્જી ન હોય તો રોટી પણ ચાલે. નૉનવેજ આપવામાં આવે તો ચિકન ફૅટ ચાલે, પણ તળેલી વસ્તુ ન ચાલે. એ સામે તમે એક ટીસ્પૂન ગાય કે ભેંસનું ઘી આપી શકો. આ આખા દિવસનું માપ છે. તેલમાં કોપરેલ તેલ સૌથી સારું. એનાથી ચામડીની કોઈ ઍલર્જી હોય તો પણ જાય. આ સિવાય હેલ્ધી ફૅટ આપવા માટે ફ્લેક્સ સીડ ઑઇલ અને સામન ઑઇલ સારાં પડે. ઘણી વાર શરીરના વાળ ચમકીલા અને હેલ્ધી રાખવા માટે લોકો સામન ઑઇલનો વધુપડતો ઉપયોગ કરે છે. એનાથી પણ વજન વધી શકે છે. રિફાઇન્ડ ઑઇલ ન વાપરવું. આ સિવાય માખણ આપો તો ઘરનું બનેલું મીઠા વગરનું માખણ આપી શકાય, બહારનું નમકવાળું માખણ ન આપવું.’
શું રેડીમેડ પાઉચથી વજન વધે?
ખરેખર તો તમે કેવો ખોરાક આપો છો એના પર આધાર રાખે છે. પેટ શૉપ્સમાં આવાં અનેક ફૂડ-પૅકેટ તૈયાર મળતાં હોય છે. ઘણા લોકો તૈયાર ફૂડ-પૅકેટ એમનાં પેટ DJfvcnvs નુકસાન કરશે એવું વિચારીને ફક્ત હોમમેડ ફૂડ આપવાનું જ પસંદ કરે છે. એના ચક્કરમાં એમનાં પેટ્સ ઘણાં ન્યુટ્રિશનથી વંચિત રહે છે. શું ખરેખર તૈયાર પૅકેટ ડૉગ્સને નુકસાન કરે છે? એના જવાબમાં ડૉ. સુનેત્રા કહે છે, ‘ખરેખર તો તૈયાર પૅકેટ ડૉગ્સને કેવાં ન્યુટ્રિશન મળવાં જોઈએ એનો અભ્યાસ કરીને બનાવવામાં આવે છે. એના ઘટકો જોશો તો એમાં બધું લખ્યું હોય છે. જેમ કે કાર્બ્સ કેટલા છે અથવા બટાટા કે ઓટ કે સોયાબીન જેવા બેઝ હોય છે અથવા એમાં ફૅટ માટે સામન ઑઇલ વાપરવામાં આવ્યું હોય છે. જે-તે બ્રીડને આધારે અને લૅબ-ટેસ્ટને અંતે એમનો ખોરાક તૈયાર થતો હોય છે. એટલે તમારા પોતાના ડૉગ કે કૅટની જરૂરરિયાત શું છે એ જે-તે પેટ-શૉપ્સ કે ડૉક્ટર પાસેથી સલાહ લઈને આગળ વધવું જોઈએ. યોગ્ય સલાહથી વાપરવામાં આવતાં સારી બ્રૅન્ડનાં પૅકેજ્ડ ફૂડ એકદમ સલામત હોય છે.’
મેદસ્વિતાનાં બીજાં કારણો
પેટ્સમાં વજન વધવાનું કારણ ફક્ત ખોરાક જ નથી હોતો, ઘણી વાર કસરત કર્યા વગર પણ વજન વધતું હોય છે. આ સિવાય હૉર્મોનલ ચેન્જિસ પણ એક કારણ છે. આવું જણાવતાં ડૉ. સુનેત્રા કહે છે, ‘જો બૅલૅન્સ્ડ ડાયટ આપવા છતાંય તમારા પેટ્સનું વજન વધી રહ્યું છે તો પછી બ્લડ-ટેસ્ટ કરાવવી જોઈએ. એમનાં હૉર્મોન્સ, થાઇરૉઇડ અને કૉર્ટિઝોલ લેવલ ચેક કરાવવાં જોઈએ. ઘણી વાર હૉર્મોનલ ચેન્જ થતા હોય તો ચામડી પર ઍલર્જી જોવા મળે છે. જનરલી મધ્યમ ઉંમરનાં એટલે કે ચાર વર્ષની આસપાસનાં હોય ત્યારે વજન વધવાની સમસ્યા જોવા મળે છે. પેટ્સને ન્યુટર કર્યાં હોય તો પણ એમનું વજન સતત વધવા માંડે છે. એટલા માટે જ કસરત કરાવવી જોઈએ, ચલાવવું જોઈએ અને બૅલૅન્સ્ડ ડાયટ આપવી જોઈએ. ઘરમાં બિલાડીઓ હોય તો મોટા ભાગે એમને ઓવરફીડિંગ કરાવવામાં આવે છે. બિલાડી સ્વભાવે પણ એવું પ્રાણી છે કે એને જ્યારે ખોરાક દેખાય એ ખાઈ શકે છે. ફક્ત બિલાડીઓ જ નહીં, ડૉગ્સ પણ આમ વર્તે છે. એક વાર ખાવાનું ખાઈ લે પછી થોડી વારમાં એટલો જ પોર્શન ફરી ખાઈ શકે. આને લીધે આપણને લાગે કે ભૂખ્યાં છે અને એમનું વજન વધતું જાય. ખાસ કરીને કૅટ્સને મોટા ભાગે એક જ રીતનું ખાવાનું આપવામાં આવે તો એ બોર થઈ જાય છે. ઘણા લોકો ઘરે ખાવાનું બનાવે અને એક રીતનું ખાવાનું વારંવાર આપે. એને ફ્રિજમાં મૂક્યું હોય એટલે કૅટ્સ ન ખાય. કૅટ્સને ફ્રેશ ખાવાનું ભાવે છે, ફૂડ બાઉલમાં મૂકી રાખેલું ખાવાનું કે જેમાંથી સ્મેલ ગાયબ થાય છે એવો ખોરાક એ ટાળે છે. વજન વધવાનું કારણ ઘણી વાર બોરડમ બેઝ્ડ હોય છે. એટલે કે એ લોકો એકનું એક ખાઈને એટલા બોર થાય કે વજન વધતું જાય. એમને ખાધા પછી ફરી સમય ન થાય ત્યાં સુધી ફરી ખાવાનું આપો નહીં. ફુલ મીલ બે જ વાર આપો અથવા એ લોકોના ફૂડનો ક્વોટા સમજો અને એ રીતે માપ નક્કી કરો. ઉંમર, બ્રીડ અને ન્યુટ્રિશન પ્રમાણે ખોરાક હોવો જોઈએ. જો ઘરની બિલાડી છે અને એ ઇન્ડોર-આઉટડોર બન્ને જાય છે તો એવી કૅટને સ્થૂળ લાઇફસ્ટાઇલવાળું ખાવાનું ન ચાલે. એમને ઍક્ટિવ લાઇફસ્ટાઇલવાળું અને પ્રોટીન-રિચ ખાવાનું આપો. બહારની બિલાડીનું ખાવાનું ઘરની બિલાડીને પચે નહીં એટલે જાડી થતી જાય. લાઇફસ્ટાઇલના હિસાબે સ્થૂળ, કિટન, વાળવાળી બિલાડી એવા અલગ-અલગ ખોરાક જોવા મળે છે.’
સમસ્યા અને એનો ઉપચાર
આગળ જણાવ્યું એ મુજબ સ્થૂળતાનાં કારણો અનેક છે એવું જણાવતાં ડૉ. સુનેત્રા કહે છે, ‘હૉર્મોનલ અથવા બીજા ઇન્ટરનલ ઇશ્યુ હોય એ દરેક કારણ ભલે હોય પણ એમના માટે ઍક્ટિવિટી જરૂરી છે. સ્થૂળતા બહુ બધી સમસ્યાઓને આમંત્રણ આપે છે. એના લીધે સાંધાનો દુખાવો, કિડની અને લિવર ફેલ્યર થઈ શકે છે. આ સિવાય જો પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો પેટ્સને ગર્ભધારણ કરવામાં તકલીફ થઈ શકે છે. બહુબધી સમસ્યાઓને લીધે ક્યારેક એમની જીવનરેખા પણ ટૂંકી થાય છે. લૅબ્રૅડોર, ગોલ્ડન રિટ્રીવર વગેરે બ્રીડમાં સ્થૂળતાની તકલીફ વધુ જોવા મળે છે. ઉપચાર અને બચાવમાં ખોરાક નિયંત્રિત કરો, નિષ્ણાતના માર્ગદર્શન મુજબ ખવડાવો; ચાલવા લઈ જાઓ, રમાડો કે ઇન્ડોર-આઉટડોર રમકડાં આપો; ઑઇલી ટ્રીટને બદલે ગાજર કે લીલી ફણસી જેવી ઓછી કૅલરીવાળી વસ્તુ આપો; ઘરેથી કે વેટ-ક્લિનિકમાં જઈને વજન ચેક કરાવો; કોઈ દવાના કારણે વજન તો નથી વધતું એ પણ તપાસવું જોઈએ.’
કયાં-કયાં પાળતુ પ્રાણીઓની પ્રજાતિઓ વધુ અસરગ્રસ્ત છે?
કેટલાંક કૂતરા અને બિલાડીની પ્રજાતિ જ એવી છે જેમાં સ્વાભાવિક જ વધારે વજન જોવા મળે છે.
કૂતરામાં લૅબ્રૅડોર, ગોલ્ડન રિટ્રીવર, બીગલ, પગ, ડૅક્સહન્ડ અને કૉકર સ્પૅનિયલ જેવી પ્રજાતિઓ સામાન્ય રીતે વધારે વજન ધરાવતી જોવા મળે છે.
બિલાડીઓમાં ડોમેસ્ટિક શૉર્ટહેર, પર્શિયન અને મેને કૂન જેવી જાતિઓમાં ખાસ કરીને ઘરમાં રહેતી બિલાડીઓમાં વધુ મેદસ્વિતા જોવા મળે છે.

