તો જૅપનીઝ વૉકિંગ ટેક્નિક તમારા કામની ચીજ છે. ૨૦૦૭થી અસ્તિત્વમાં આવેલી આ ટેક્નિક તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરશે
પ્રતીકાત્મક તસવીર
ઑલઓવર હેલ્થને સારી રાખવા માટે ફિટનેસ એક્સપર્ટ દરરોજ ઓછાંમાં ઓછાં ૧૦,૦૦૦ સ્ટેપ્સ ચાલવાની ભલામણ કરે છે. આટલું ચાલવાથી કાર્ડિયોવૅસ્ક્યુલર ફિટનેસ જળવાઈ રહે છે અને કૅલરી બર્ન થવાથી વજન વધવાની પણ સમસ્યા ઊભી થતી નથી. જોકે આજકાલ લોકોના વ્યસ્ત શેડ્યુલને લીધે ૧૦,૦૦૦ સ્ટેપ્સ ચાલવાનું પણ ઇમ્પૉસિબલ હોય છે. લૉન્ગ વૉકને બદલે જૅપનીઝ વૉકિંગ ટેક્નિક પણ પાવરફુલ પર્યાય સાબિત થઈ શકે છે. ૨૦૦૭માં આ ટેક્નિકનું સંશોધન જપાનમાં થયું હતું જેમાં ૩૦ મિનિટની વૉકિંગ ફૉર્મ્યુલા બનાવાઈ છે જે લૉન્ગ વૉક કરતાં દસગણી ફાયદાકારક છે અને સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઇફેક્ટિવ પણ છે એવો દાવો કરવામાં આવે છે.
શું છે જૅપનીઝ વૉકિંગ ટેક્નિક?
ADVERTISEMENT
લૉન્ગ વૉકના પર્યાય તરીકે જાણીતી બનેલી જપાનની વૉકિંગ ટેક્નિકને ઇન્ટરવલ વૉકિંગ ટ્રેઇનિંગ કહેવાય છે. એમાં ૩૦ મિનિટના સમયગાળામાં ત્રણ મિનિટમાં ફાસ્ટ અને અને ત્રણ મિનિટ સ્લો વૉકિંગ કરવાનું હોય છે. આ ક્રમને પાંચ વખત કરવાની સલાહ અપાય છે. આ ટેક્નિક શરીરને ઑલ્ટરનેટ ચૅલેન્જ આપે છે જે ફિટનેસ માટે વધુ અસરકારક બને છે. આ વૉકિંગ ટેક્નિક હૃદય અને મસલ્સ પર વધુ અસર કરીને એને મજબૂત બનાવવાનું કામ કરે છે. જે લોકો જૅપનીઝ વૉકિંગ ટેક્નિકનું નિયમિત અનુસરણ કરે છે તેમના બ્લડપ્રેશરમાં ત્રણગણો સુધારો થાય છે, લેગ-સ્ટ્રેન્ગ્થ દસગણી વધી જાય છે.
૧૦,૦૦૦ સ્ટેપ્સ કરતાં અસરકારક શા માટે?
સામાન્યપણે ૧૦,૦૦૦ સ્ટેપ્સના લૉન્ગ વૉકના ટાર્ગેટને પૂરો કરવા માટે એકથી બે કલાક લાગી શકે છે, જ્યારે આ વૉકિંગ ટેક્નિક અડધા કલાકની હોય છે અને વધુ લાભ આપે છે. આ પદ્ધતિ હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેઇનિંગ જેવી હોવાથી હૃદયની ક્ષમતામાં ૨૯ ટકા સુધીનો સુધારો થાય છે અને વધુ સારી રીતે ઑક્સિજન પમ્પ કરે છે. એનો હજી એક ફાયદો એ છે કે સ્લો વૉકિંગની સરખામણીમાં હાર્ટ-રેટ થોડો વધુ રહે છે, જેને લીધે મેટાબોલિઝમ વધે છે અને કૅલરી પણ બર્ન થાય છે. જે લોકોને ફૅટ-લૉસ કરવો હોય તેમના માટે આ જૅપનીઝ ટેક્નિક અસરકારક સાબિત થાય છે. એના મેન્ટલ બેનિફિક્ટસ પણ છે. ત્રણ-ત્રણ મિનિટમાં વૉકિંગ ટેક્નિક ચેન્જ કરવાથી એ મગજને અલર્ટ રાખે છે અને બોર થવા દેતું નથી. દમ અને શ્વાસ પર નિયંત્રણમાં લાવવાની સાથે સ્ટ્રેસના લેવલને ઘટાડવાનું કામ પણ આ ટેક્નિક કરે છે.
કોણ અપનાવી શકે?
જે લોકો પાસે લાંબા સમય સુધી ચાલવા માટે સમય નથી અથવા વધુ ઇફેક્ટિવ એક્સરસાઇઝ કરવાનું પ્લાનિંગ કરતા હોય એ લોકો માટે જપાનની આ ટેક્નિક ઉત્તમ છે. તમામ ઉંમરના લોકો માટે આ અસરકારક સાબિત થશે. માત્ર સારાં વૉકિંગ શૂઝ પહેરીને અને ટાઇમર સાથે રાખીને ચાલશો તો તમને વધુ બેટર આઇડિયા આવશે. જે લોકોને પગમાં સાંધાની તકલીફ હોય અથવા શરીરને બૅલૅન્સ ન કરી શકતા હોય એ લોકોએ આ ટેક્નિક યુઝ કરવી નહીં અથવા ડૉક્ટરની સલાહ લઈને શરૂ કરવી.

