થોડા દિવસ પહેલાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં સેફ અલી ખાન અને કરીના કપૂર મહેમાન બનીને આવ્યાં હતાં. જ્યારે કરીનાની સદાબહાર ત્વચાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે સૈફે કહ્યું હતું કે તેમના ઘરમાં ઘીનો ખૂબ જ ઉપયોગ થાય છે.
કરીના કપૂર
થોડા દિવસ પહેલાં ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં સેફ અલી ખાન અને કરીના કપૂર મહેમાન બનીને આવ્યાં હતાં. જ્યારે કરીનાની સદાબહાર ત્વચાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે સૈફે કહ્યું હતું કે તેમના ઘરમાં ઘીનો ખૂબ જ ઉપયોગ થાય છે. કરીના માત્ર ઘી ખાતી જ નથી, રાત્રે સૂતી વખતે તેના પગનાં તળિયાં પર પણ ઘસે છે. કરીના કપૂરે આ
વાતને સ્વીકારતાં કહ્યું હતું કે આનાથી તેને ખૂબ જ શાંતિપૂર્ણ અને સારી ઊંઘ આવે છે. કરીના કપૂરે જે ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરી છે એનું વર્ણન આયુર્વેદમાં મળે છે એટલું જ નહીં, આવા બીજા પણ કેટલાક ઉપાયો છે જે રાત્રે સારી અને ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરે છે. એને ઘરે પણ સરળતાથી અજમાવી શકાય છે. આ વિશે આપણે આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. શીતલ ત્રિવેદી પાસેથી જાણીએ.
પાદાભ્યંગ
ADVERTISEMENT
આયુર્વેદમાં નિયમિત અભ્યંગ એટલે કે શરીરને માલિશ કરવાની પ્રક્રિયાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. પરંપરાગત રીતે અભ્યંગ શરીરને પોષણ આપવામાં, થાક ઘટાડવામાં, ત્વચાની તંદુરસ્તી જાળવવામાં અને સારી ઊંઘમાં મદદરૂપ માનવામાં આવે છે. જોકે રોજિંદા વ્યસ્ત જીવનમાં આખા શરીરની માલિશ કરવી દરેક માટે શક્ય બનતું નથી. આવી સ્થિતિમાં માથું, કાન અને પગના અભ્યંગને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદમાં ફૂટ-મસાજને પાદાભ્યંગ કહેવામાં આવે છે. પાદાભ્યંગ માટે વ્યક્તિની પ્રકૃતિ, ઋતુ અને જરૂરિયાત મુજબ અલગ-અલગ તેલ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે.
કઈ રીતે કામ કરે?
આયુર્વેદમાં અનિદ્રાનું મુખ્ય કારણ શરીરમાં વાતદોષનું વધવું માનવામાં આવે છે. રાત્રે મગજમાં ચાલતા સતત વિચારો કે બેચેની વાયુતત્ત્વના કારણે હોય છે. ઘી એના તૈલી અને ભારે ગુણને કારણે વાતદોષને શાંત કરે છે જેનાથી મન આપોઆપ શાંત થાય છે અને ઊંડી ઊંઘ આવે છે. પગનાં તળિયાંમાં હજારો નર્વ એન્ડિંગ્સ અને મહત્ત્વપૂર્ણ ઍક્યુપ્રેશર પૉઇન્ટ્સ આવેલાં હોય છે. તમે જ્યારે નવશેકા ઘી વડે તળિયાં પર માલિશ કરો છો ત્યારે આ પૉઇન્ટ્સ સક્રિય થાય છે. એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને રિલૅક્સ થવાનું સિગ્નલ મોકલે છે જેનાથી આખા શરીરનો થાક ઊતરી જાય છે. દિવસભરની ભાગદોડ અને માનસિક તનાવને કારણે સ્ટ્રેસ હૉર્મોન વધે છે જે ઊંઘમાં અવરોધ ઊભો કરે છે. ઘીની માલિશ પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે જે હૃદયના ધબકારા ધીમા કરે છે અને મગજને ઊંડી શાંતિ આપે છે. જો શરીરમાં પિત્ત વધી જાય તો રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવાની અથવા પગનાં તળિયાંમાં બળતરા થવાની સમસ્યા રહે છે. ગાયનું ઘી પ્રકૃતિમાં ઠંડું હોય છે.
કઈ રીતે કરશો?
ઘીથી પાદાભ્યંગ કરવા માટે એને થોડું નવશેકું ગરમ કરીને યોગ્ય પદ્ધતિથી માલિશ કરવી જરૂરી છે. સૌથી પહેલાં પગને હૂંફાળા પાણીથી બરાબર ધોઈ લો અને સ્વચ્છ ટુવાલથી લૂછીને કોરા કરી લો. આનાથી ત્વચાનાં રોમછિદ્રો ખૂલી જશે જેથી ઘી સરળતાથી અંદર ઊતરી શકે. એક નાની વાટકીમાં થોડું ગાયનું શુદ્ધ ઘી લો અને એને સહેજ નવશેકું ગરમ કરી લો. બન્ને પગનાં તળિયાં, આંગળીઓ અને ઘૂંટીની આસપાસ હૂંફાળું ઘી સરખી રીતે લગાવો. તમારા અંગૂઠાની મદદથી પગનાં તળિયાં પર મધ્યમ દબાણ આપીને ગોળાકાર મોશનમાં માલિશ કરો. એડીથી લઈને આંગળીઓ તરફ હાથ ફેરવો. પગની આંગળીઓ અને અંગૂઠાને હળવા હાથે ખેંચીને માલિશ કરો. આંગળીઓની વચ્ચેની જગ્યા પર પણ હળવું દબાણ આપો. પગની ઘૂંટીની આસપાસના ભાગમાં ગોળાકાર હાથ ફેરવીને મસાજ કરો. એક પગમાં આશરે પાંચ મિનિટ સુધી મસાજ કરો.
પગમાં કંઈ વાગ્યું હોય, ચામડી છોલાઈ ગઈ હોય અથવા ખુલ્લા ઘા હોય તો પગનાં તળિયાંમાં માલિશ ન કરવી જોઈએ. પગના સાંધામાં તીવ્ર સોજો હોય, પગની નસો ફૂલી ગઈ હોય, મચકોડ કે ફ્રૅક્ચર હોય ત્યારે દબાણપૂર્વક માલિશ કરવાથી સમસ્યા વધી શકે છે. પગમાં એક્ઝિમા, ફંગલ ઇન્ફેક્શન અથવા અન્ય કોઈ ત્વચાનો ચેપી રોગ હોય તો પાદાભ્યંગ ન કરવું જોઈએ. જો ખોરાક બરાબર પચ્યો ન હોય, પેટ ભારે લાગતું હોય કે ગૅસ-કબજિયાતની તકલીફ હોય તો પાદાભ્યંગ ન કરવું જોઈએ.
