ડાયાબિટીઝને મેટાબોલિક ડિસીઝ માનવામાં આવે છે. લાઇફસ્ટાઇલ ખોટી હોય અને પરિવારમાં કોઈને આ રોગ હોય તો વારસાગત રીતે આ રોગ થઈ શકે છે પરંતુ ઘણા દરદીઓ જોવા મળી રહ્યા છે જેમને આમાંથી કોઈ જ કારણો ન હોય તો પણ આ રોગ થઈ રહ્યો છે, જેની પાછળ પ્રદૂષણ જવાબદાર હોઈ શકે
પ્રતીકાત્મક તસવીર
બોરીવલીની એક ચાલમાં રહેતા ૨૨ વર્ષના ડિલિવરી બૉય સુનીલને છેલ્લાં ૨ વર્ષથી ડાયાબિટીઝ છે. તેના પરિવારમાં છેલ્લી પાંચ પેઢી સુધી કોઈને પણ આ રોગ નહોતો. આજે કમાઈને આજે ખાવાવાળા ઘરમાંથી આવેલા આ યુવાન છોકરાને કોઈ ખોટી આદત નહોતી કારણ કે ઘરમાં બધા ખૂબ સંસ્કારી અને ધાર્મિક લોકો હતા. સિગારેટ, દારૂ જેવી કોઈ ખોટી વસ્તુને તેણે હાથ પણ નહોતો લગાડેલો. તેની કદ-કાઠીથી એકદમ દૂબળો. ઓબેસિટી તેને અડી શકે એમ પણ નહોતી કારણ કે જીવવા માટે અતિ મહેનત કરવી પડતી. બહારનું ખાવા જેવા ફાલતુ પૈસા તેની પાસે નહોતા એટલે ઘરે જ સાદું ભોજન ખાઈને જીવતો. તેને એક ગૂમડું થયું હતું, જે મટતું નહોતું એટલે ચેકો મૂકતાં પહેલાં ડૉક્ટરે શુગર ચેક કરી તો ખબર પડી કે શુગર તો ૨૫૦ જેવી આવી. તેના શુગર રિપોર્ટ કરાવ્યા ત્યારે ત્રણ મહિનાની શુગર એટલે કે hbA1c ૭ પૉઇન્ટ આવી. એટલે દવાઓ ચાલુ કરી. છેલ્લાં ૨ વર્ષથી તે શુગરની દવાઓ લે છે. સુનીલ વિચારે છે કે ખબર નહીં, આ અમીરોનો રોગ એ બાપડા ગરીબને કેવી રીતે થઈ ગયો?
જુદા પ્રકારના કેસ
ADVERTISEMENT
ડાયાબિટીઝ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, જેને મેટાબોલિક ડિસીઝ ગણાવામાં આવે છે. તમારી જો લાઇફસ્ટાઇલ ખોટી હોય, જેને લીધે તમે ઓબીસ હો, તમે સ્ટ્રેસ ખૂબ લેતા હો કે ઊંઘ પૂરી ન કરતા હો, ફૅટનું પ્રમાણ ખોરાકમાં ખૂબ વધુ હોય અને જીવન બેઠાડુ જીવતા હો તો આ રોગ તમને થઈ શકે છે એ બધા જાણે છે. પણ આવું કંઈ જ ન હોય તો પણ ડાયાબિટીઝ થઈ શકે છે જે સુનીલ જેવા કેસમાં જાણવા મળે છે. આ વિશે વાત કરતાં બોરીવલી અને ગોરેગામના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘લાઇફસ્ટાઇલ ડિસીઝની સાથે-સાથે ડાયાબિટીઝ વારસાગત આવતો રોગ પણ છે. પણ સુનીલના કેસમાં તો તેના ખાનદાનમાં કોઈને પણ આ રોગ નહોતો છતાં તેને આ રોગ આવ્યો છે. સુનીલ જેવા ઘણા કેસ જોવા મળે છે જેમાં અમે કયા પ્રકારનો આ ડાયાબિટીઝ છે એનું નિદાન કરી શકતા નથી. ટાઇપ વન હોય તો ઇન્સ્યુલિન આપવું જ પડે, પણ આ રોગમાં તેમનો દવાઓ દ્વારા જ ઇલાજ કરવામાં આવે છે. એટલે તેનાં લક્ષણો ટાઇપ ટૂ ડાયાબિટીઝનાં જ છે. પણ ટાઇપ ટૂ ડાયાબિટીઝ માટે જેટલાં પણ કારણો જવાબદાર હોઈ શકે છે એ તેના પર બિલકુલ બંધ બેસતાં નથી, જો બંધ બેસતાં હોત તો તેના ડાયાબિટીઝને રિવર્સ કરવાનો પણ સ્કોપ હોત. આ કેસમાં તો એ પણ શક્ય નથી. દુઃખદ વાત એ છે કે સુનીલ જેવા દર મહિને અમે ૪-૫ કેસ જોઈએ જ છીએ.’
શુગર પર અસર
સુનીલને જે પ્રકારનો ડાયાબિટીઝ છે એની પાછળ પર્યાવરણમાં થયેલા ફેરફાર જવાબદાર હોઈ શકે છે, જેમાંથી હવાનું પ્રદૂષણ એક મુખ્ય કારણ છે. એ વિશે પોતાની વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં જ્યારે અમે મેડિસિન ભણતા હતા ત્યારે અમને શીખવવામાં આવ્યું હતું કે ડાયાબિટીઝ વૃદ્ધ લોકોનો રોગ છે. આજે એ જુવાનોનો રોગ બની ગયો છે. બીજું એ કે ૨૦૧૫ આસપાસ અમુક પ્રખ્યાત મેડિકલ જર્નલના રિસર્ચ આર્ટિકલ વાંચતી વખતે અમને ખબર પડી કે હવાનું પ્રદૂષણ અને ડાયાબિટીઝમાં એક સ્ટ્રૉન્ગ સંબંધ છે પણ એ રિસર્ચના જીવંત પુરાવાઓ આજે અમને ડેઇલી પ્રૅક્ટિસમાં જોવા મળે છે. હવાના પ્રદૂષણની અસર લોહીમાંના શગુર લેવલ પર થાય છે એ ચોક્કસ વાત છે. એને કારણે જે લોકોને ડાયાબિટીઝ નથી તેમને આ રોગ થવાનું રિસ્ક વધે છે. જેઓ બૉર્ડર લાઇન પર છે તેમને આ રોગ થઈ જાય છે. હવાના પ્રદૂષણને કારણે જેમને ડાયાબિટીઝ છે તેમનું શુગરનું મૅનેજમેન્ટ ખરાબ થાય છે. શુગર લેવલ કન્ટ્રોલ બહાર જઈ શકે છે. થિયરી અને પ્રૅક્ટિકલ બન્ને પક્ષે એ સાબિત થયેલું તથ્ય છે.’
કઈ રીતે શક્ય?
દિલ્હીનું ઍવરેજ વાર્ષિક PM2.5 લેવલ ૮૨-૧૦૦ug/m3 જેટલું હોય છે. મુંબઈમાં આ આંકડો અત્યારે ૪૫થી ૫૭ug/m3 જેટલો છે જેની સેફ લિમિટ ૧૫ug/m3 માનવામાં આવે છે. PM2.5 પાર્ટિકલ્સ એક વાળથી ૩૦ ગણું પાતળું હોય છે જે શ્વાસ થકી માણસના શરીરનાં ફેફસાંમાં જઈને બેસી જાય છે. ત્યાંથી લોહીમાં સીધું ભળી શકે છે અને લોહીમાં ભળ્યા પછી તકલીફો શરૂ થાય છે. એ સમજાવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘લોહીમાં ભળેલું PM2.5 પાર્ટિકલ્સ જુદાં-જુદાં અંગોને અસર કરે છે. જો એ હાર્ટ સુધી પહોંચે તો હાર્ટ ડિસીઝ આવે છે. જો એ પૅન્ક્રિયાસ સુધી પહોંચે તો એ ત્યાંના બીટા સેલ્સને હાનિ પહોંચાડે છે એટલે એ બરાબર કામ નથી કરી શકતા. આ બીટા સેલ્સ જ છે જે ઇન્સ્યુલિન બનાવે છે. એટલે આપોઆપ ઇન્સ્યુલિનનું નિર્માણ ઘટી જાય છે. આ સિવાય પૉલ્યુશનને કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધી જાય છે. એટલે કે શરીરને બ્લડશુગર લેવલ મૅનેજ કરવા વધુ ઇન્સ્યુલિનની જરૂર પડે છે. પ્રદુષણને કારણે એન્ડોક્રાઇન સિસ્ટમ ખોરવાય છે, જેને કારણે હૉર્મોન્સ પર અસર થાય છે. ઇન્સ્યુલિન પણ એક હૉર્મોન જ છે. એની સિસ્ટમ ખોરવાય એટલે વ્યક્તિ ડાયાબિટીઝ તરફ ધકેલાય છે. આ સિવાયનાં કારણોમાં શરીરમાં વધતું ઇન્ફ્લેમેશન છે જેને કારણે શરીરની મેટાબોલિક સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે અને વ્યક્તિને ડાયાબિટીઝ તરફ ધકેલે છે.’
ભારતમાં થયેલા સ્ટડી
૨૦૨૩માં લાન્સેટ જર્નલમાં છપાયેલા એક ભારતીય સ્ટડીમાં સાબિત થયું હતું કે હવામાં રહેલા PM2.5 પાર્ટિકલ્સને માણસના હાઈ બ્લડ શુગર લેવલ વચ્ચે સીધો સંબંધ છે. જેમ વાતાવરણમાં PM2.5નું પ્રમાણ વધે છે એમ વ્યક્તિના શરીરમાં બ્લડ શુગર લેવલ પણ વધે છે. એટલું જ નહીં, એ એરિયાના ડાયાબિટીઝના કેસમાં પણ વધારો થતો જોવા મળે છે. આ બહોળા ભારતીય સ્ટડીમાં ચેન્નઈ અને દિલ્હીના ૧૨ હજારથી પણ વધુ લોકોનો ડેટા ભેગો કરવામાં આવ્યો હતો. ૨૦૧૦થી ચાલુ થયેલા એક બહોળા રિસર્ચનો એક નાનો ભાગ આ સ્ટડી હતો. આ સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે વાતાવરણમાં PM2.5ના પ્રમાણમાં વાર્ષિક જો ૧૦ug/m3 નો વધારો થાય તો ડાયાબિટીઝના રિસ્કમાં ૨૨ ટકા જેટલો વધારો નોંધાય છે. આ સ્ટડીમાં એ પણ જોવા મળ્યું કે PM2.5ના ઍવરેજ એક્સપોઝરમાં ૧૦ug/m3 નો વધારો થાય તો ઘરે આંગળીને પ્રિક કરીને થતી શુગર ટેસ્ટમાં ૦.૪ mg/dLનો વધારો જોવા મળે છે અને ત્રણ મહિનાની શુગર HbA1c ના રિપોર્ટમાં ૦.૦૨૧ યુનિટનો વધારો જોવા મળે છે. આ ઉપરાંત એક બીજા નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે - ૫ અને ઇન્ડિયન એપિડમિયોલૉજિકલ સ્ટડીઝના આંકડાઓનો ઉપયોગ કરીને તૈયાર થયેલા IIT- દિલ્હીના એક સ્ટડી અનુસાર ભારતમાં ડાયાબિટીઝનું પ્રમાણ ઘટાડવા માટે હવાના પ્રદૂષણમાં ૩૦ ટકાનો ઘટાડો કરવો જરૂરી છે.
ડાયાબિટીઝ અને હવાનું પ્રદૂષણ
જો તમને ડાયાબિટીઝ છે તો તમારે હવાના પ્રદૂષણથી બચવું જરૂરી છે કારણ કે એ તમારા ડાયાબિટીઝના મૅનેજમેન્ટને ખોરવી શકે છે. જો તમને ડાયાબિટીઝ નથી તો પણ તમારે એનાથી બચવાની જરૂર છે કારણ કે હવાના પ્રદૂષણને કારણે ડાયાબિટીઝ ટ્રિગર થઈ શકે છે.
હવાના પ્રદૂષણને લીધે થતા બીજા ગંભીર રોગો
અસ્થમા
COPD-ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ
ફેફસાનું કૅન્સર
હાર્ટ-અટૅક
સ્ટ્રોક
ઑલ્ઝાઇમર્સ ડિસીઝ


