પહેલા દિવસે ૯ ડોમેસ્ટિક ડેસ્ટિનેશનને જોડતી ૪૮ ફ્લાઇટ્સ આૅપરેટ થઈ દેશના આ સૌથી મોટા ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ પર, ૪૦૦૦+ મુસાફરો આવ્યા-ગયા : પહેલી ફ્લાઇટ ૮ વાગ્યે લૅન્ડ થઈ અને ૮.૪૦ વાગ્યે પ્રથમ ટૅક-આૅફ થયું
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ
૨૮ વર્ષથી જેની રાહ જોવાતી હતી એ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA) ગઈ કાલથી ઑપરેશનલ થયું છે. ૧૧૬૦ હેક્ટરમાં ફેલાયેલું આ ઍરપોર્ટ મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનો ભાર ઓછો કરવા સાથે દેશના સિવિલ એવિએશન સેક્ટરને પણ બળ આપશે
NMIA પર પ્રથમ દિવસે ૪૦૦૦ જેટલા પૅસેન્જર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુંબઈ ડ્યુઅલ-ઍરપોર્ટ સિસ્ટમ ધરાવતું દેશનું પ્રથમ શહેર બન્યું છે. મુંબઈ ઉપરાંત રાયગડ, પુણે અને કોકણ પટ્ટાના લોકો માટે પણ નવું ઍરપોર્ટ લાભદાયી રહેશે.
ADVERTISEMENT
દીપપ્રાગટ્ય અને રિબન કાપવા ઉપરાંત ઢોલ અને તુતારી સાથે પરંપરાગત મહારાષ્ટ્રિયન લેજીમ-ડાન્સ કરીને પ્રવાસીઓને આવકારવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ NMIA પર પહેલી ફ્લાઇટમાં આવેલા દરેક મુસાફરનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું હતું.
હાલમાં નવી મુંબઈ ઍરપોર્ટ સવારે ૮થી રાતે ૮ વાગ્યા સુધી ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. ૨૦૨૬ના ફેબ્રુઆરીથી ૨૪ કલાક કાર્યરત થશે અને ૨૦૨૬ના એપ્રિલથી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ શરૂ કરવાનું આયોજન છે. પાંચેપાંચ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ NMIA વિશ્વના સૌથી મોટા ઍરપોર્ટમાંનું એક હશે, જેની ક્ષમતા દર વર્ષે ૯૦ મિલ્યન મુસાફરોની હશે.
આવતા પાંચ દિવસમાં ફ્લાઇટ્સની સંખ્યા વધશે
પહેલા દિવસે દિલ્હી, અમદાવાદ, બૅન્ગલોર, કોચીન, હૈદરાબાદ, લખનઉ, મૅન્ગલોર, નાગપુર અને ગોવાની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ્સ ઇન્ડિગો, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ, આકાસા ઍર અને સ્ટાર ઍર દ્વારા ચલાવવામાં આવી હતી. ઇન્ડિગો આગામી પાંચ દિવસમાં NMIAને જયપુર, ચેન્નઈ, કોઇમ્બતુર અને વડોદરા સાથે જોડતી વધુ ફ્લાઇટ્સ શરૂ કરશે. ઍરપોર્ટ આજે પણ ૧૫ ફ્લાઇટ્સના આગમન અને પ્રસ્થાન સાથે ચાલુ રહેશે.
નવી મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ થયેલી પહેલી ફ્લાઇટને વૉટર-કૅનન સૅલ્યુટ સાથે આવકાર
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA) પર લૅન્ડ થનારા પ્રથમ વિમાનને પરંપરાગત રીતે અપાતી વૉટર-કૅનન સૅલ્યુટથી સન્માનિત કરવામાં આવ્યું હતું. કોઈ પણ ઍરપોર્ટની પહેલી અથવા છેલ્લી ફ્લાઇટ કે કોઈ ઍરપોર્ટના કર્મચારીનો રિટાયરમેન્ટનો દિવસ હોય ત્યારે ઍરપોર્ટ પર આ રીતે વૉટર-સૅલ્યુટ આપવામાં આવે છે. બૅન્ગલોરથી નવી મુંબઈ આવેલી ઇન્ડિગોની 6E460 સવારે ૮ વાગ્યે લૅન્ડ થઈ હતી. સવારે ૮.૪૦ વાગ્યે ઇન્ડિગો ફ્લાઇટ 6E882 નવી મુંબઈથી હૈદરાબાદ જવા રવાના થઈ હતી. આ રીતે NMIAના આગમન અને પ્રસ્થાન બન્ને સાથે પ્રથમ ઑપરેશનલ સાઇકલ પૂર્ણ થઈ હતી. અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ પ્રથમ કમર્શિયલ સર્વિસ લૅન્ડ થયા બાદ ઍરપોર્ટ પર પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું.
ગૌતમ અદાણીએ પ્રવાસીઓનું સ્વાગત કર્યું, લોકોએ સેલ્ફી લેવા પડાપડી કરી
અદાણી ગ્રુપના ચૅરમૅન અને નવી મુંબઈ ઍરપોર્ટના ડેવલપરમાંના એક ગૌતમ અદાણીએ પ્રવાસીઓનું વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું હતું. અનેક પ્રવાસીઓએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. મુંબઈને વર્લ્ડ ક્લાસ ઍરપોર્ટ આપ્યાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
જે ગામડાંઓએ NMIAનું સ્વપ્ન સાકાર કર્યું તેમને માટે જૉયરાઇડ
NMIA દ્વારા ઍરપોર્ટ બનાવવા માટે જમીન આપનાર ગામડાના લોકો માટે ૪૦ મિનિટની ખાસ ઍરપ્લેન જૉયરાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર્ટર્ડ ઍર ઇન્ડિયા એક્સપ્રેસનું બોઇંગ 737 MAX8 વિમાન સવારે ૧૦.૫૭ વાગ્યે અરબી સમુદ્ર પરથી આંટો મારીને ૧૧.૪૦ વાગ્યે પાછું ફર્યું હતું.
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતરનારી પ્રવાસીઓની સફર યાદગાર બનાવવા માટે પાઇલટે કૉકપિટમાંથી જાહેરાત કરી
યહ ફ્લાઇટ ભારત કે સબસે બડે ગ્રીનફીલ્ડ હવાઈ અડ્ડે પર ઉતરનેવાલી પહલી કમર્શિયલ ફ્લાઇટ હૈ
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૅન્ગલોરથી આવેલી પ્રથમ કમર્શિયલ પૅસેન્જર ફ્લાઇટ ઊતરી ત્યારે કૅબિન-ક્રૂ અને પાઇલટે પ્રવાસીઓ માટે આ સફર યાદગાર રહે એવી અનાઉન્સમેન્ટ કરી હતી. ઇન્ડિગોની ફ્લાઇટ 6E460ના કૉકપિટમાંથી પાઇલટે અનાઉન્સ કરતાં કહ્યું હતું, ‘હમ નવી મુંબઈ લૅન્ડ કરનેવાલે હૈં ઔર યહ ફ્લાઇટ ભારત કે સબસે બડે ગ્રીનફીલ્ડ હવાઈ અડ્ડે પર ઉતરનેવાલી પહલી કમર્શિયલ ફ્લાઇટ હૈ. ઇસ ખાસ પલ કા હિસ્સા બનને કે લિએ આપ સબકા ધન્યવાદ.’ એ ઉપરાંત ક્રૂ-મેમ્બર્સે નવી મુંબઈ ઍરપોર્ટની વિશેષતાઓની એક ઝલક આપી હતી. એક પૅસેન્જરે આ અનાઉન્સમેન્ટનો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો.
૧૫૧૫ ડ્રોન સાથે ઝળહળ્યું નવી મુંબઈ ઍરપોર્ટનું આકાશ
નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું સંચાલન ગઈ કાલે શરૂ થયું એની આગલી રાતે ૧૫૧૫ ડ્રોન સાથે એક શાનદાર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઍરપોર્ટની ડિઝાઇનનું મુખ્ય આકર્ષણ એવા 3D લોટસ બ્લૂમ્સ, લોટસ ડિઝાઇન ઇન્ટીરિયર્સ, ઍરપોર્ટ લોગો, ગ્રીન ઍરપોર્ટ, મુંબઈ ઉપર ઊડતું વિમાન, ભારતનો ઉદય વગેરે જેવી થીમ પર ડ્રોનથી આકર્ષક રચનાઓ બનાવવામાં આવી હતી.
પહેલા જ દિવસે નવી મુંબઈ ઍરપોર્ટ પર વાઇ-ફાઇનો ઇશ્યુ થયો
નવી મુંબઈ ઍરપોર્ટ પર મુસાફરો એક સૂરે ફરિયાદ કરતા જણાયા હતા જે હતી વાઇ-ફાઈ કનેક્શનની. ઍરટેલ, વોડાફોન અને જિયોનું નેટવર્ક ન મળે એટલે ઍરપોર્ટનું ફ્રી વાઇ-ફાઈ વાપરવું એવી જાહેરાત કર્યા છતાં ફ્રી વાઇ-ફાઇની કનેક્ટિવિટીમાં મુશ્કેલી હતી. ખાસ કરીને જેઓ એકલા મુસાફરી કરી રહ્યા હતા તેમને પરિવાર સાથે વાત કરવામાં કે અન્ય કોઈ મદદ મેળવવામાં તકલીફ થઈ હતી.
પહેલા જ દિવસે ઍર ઇન્ડિયા એક્સપ્રેસ મોડી પડી
NMIAના ઑપરેશનના પહેલા દિવસે ઍર ઇન્ડિયા એક્સપ્રેસ (AIX)ની ફ્લાઇટ-નંબર IX2914 ૪૦ મિનિટ મોડી પહોંચી હતી. ફ્લાઇટ સવારે ૬ વાગ્યે બૅન્ગલોરથી ઊપડવાની હતી અને ૮.૧૦ વાગ્યે નવી મુંબઈ પહોંચવાની હતી, પણ એ સવારે ૭.૩૭ વાગ્યે ઊપડી હતી.


