નાશિક મ્યુનિસિપલ માટે ઉદ્ધવ અને રાજ ઠાકરેએ બેઠકોની વહેંચણી ફાઇનલ કરી દીધી હોવાના દાવા વચ્ચે બીજા પક્ષો ઍક્શનમાં
ગઈ કાલે BJPમાં પ્રવેશ મેળવ્યા પછી ભગવા ખેસમાં MNS અને શિવસેના (UBT)ના નેતાઓ, નાશિક સેન્ટ્રલનાં BJPનાં વિધાનસભ્ય દેવયાની ફરાંદે.
મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીઓ જેમ નજીક આવી રહી છે એમ રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાતું જોવા મળ્યું છે. ગઈ કાલે નાશિક જિલ્લામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (UBT)ના ઘણા નેતાઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.
MNSના ભૂતપૂર્વ વિધાનસભ્ય નીતિન ભોસલે, શિવસેના (UBT)ના ભૂતપૂર્વ નગરાધ્યક્ષ વિનાયક પાંડે, MNS તરફથી સૌથી પહેલા નગરાધ્યક્ષ બનેલા યતીન વાઘ ઉપરાંત કૉન્ગ્રેસના નેતા શાહુ ખૈરે અને સંજય ચવ્હાણે ગઈ કાલે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત MNSના સ્ટેટ જનરલ સેક્રેટરી દિનકર પાટીલનું નામ આ લિસ્ટમાં સૌથી આશ્ચર્યજનક હતું, કારણ કે ૨૪ કલાક પહેલાં જ તેઓ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની યુતિની ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
નાશિક સેન્ટ્રલનાં BJPનાં વિધાનસભ્ય દેવયાની ફરાંદેએ વિનાયક પાંડે, યતીન વાઘ અને શાહુ ખૈરેને પાર્ટીમાં લેવાનો વિરોધ કર્યો હતો. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે પાર્ટીએ વિનાયક પાંડે અને યતીન વાઘને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. મહત્ત્વની વાત છે કે ૧૫ જાન્યુઆરીએ રાજ્યમાં ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશન્સમાં ઇલેક્શન થવાનું છે, પણ મોટા ભાગે બધી જગ્યાએ હજી તમામ પાર્ટીઓ વચ્ચે સીટ-શૅરિંગ મુદ્દે વાટાઘાટો ચાલી રહી છે, પણ કોઈએ સ્પષ્ટતા કરી નથી. જોકે નાશિક એકમાત્ર એવું કૉર્પોરેશન છે જ્યાં શિવસેના (UBT) અને MNS વચ્ચે સીટ-શૅરિંગનો ફૉર્મ્યુલા ફાઇનલ થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


