Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આપણા દેશમાં સધ્ધર ઘરનાં બાળકો પણ કુપોષિત છે

આપણા દેશમાં સધ્ધર ઘરનાં બાળકો પણ કુપોષિત છે

Published : 12 June, 2026 01:15 PM | IST | Mumbai
Dr. Pankaj Parekh

આપણા દેશમાં આ પ્રશ્ન ઘણો મોટો છે, પરંતુ કુપોષણ એ ગરીબોનો રોગ નથી. કુપોષણ કોઈ પણ બાળકને થાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


પોષણયુક્ત ખોરાક બાળકની જરૂરિયાત છે. જો વ્યક્તિ ગરીબ હોય અને તે બાળકને પોષણયુક્ત આહાર ન આપી શકે તો તે બાળક નબળું રહી જાય; પણ જે ઘરોમાં બધી જ સુવિધાઓ છે એ ઘરોનાં બાળકો પણ આજની તારીખે નબળાં છે, કુપોષણનો શિકાર છે કારણ કે આજની તારીખે ખોરાક તો આપણે બાળકોને આપીએ જ છીએ પણ ખોરાકમાંથી જ પોષણ ગાયબ છે. થોડાં વર્ષો પહેલાં અમે ગરીબ ઘરનાં બાળકોને જ ટૉનિક આપતા, વિટામિનનાં સપ્લિમેન્ટ્સ લેવાં પડશે એમ કહેતા. આજની તારીખે અમે સધ્ધર ઘરનાં બાળકોને પણ એ આપીએ છીએ.

એ હકીકત છે કે જે લોકો ગરીબ છે, બે ટંક ખાવા માટે પણ પૈસા નથી તેમનાં બાળકો કુપોષણનો શિકાર બને છે. આપણા દેશમાં આ પ્રશ્ન ઘણો મોટો છે, પરંતુ કુપોષણ એ ગરીબોનો રોગ નથી. કુપોષણ કોઈ પણ બાળકને થાય છે. સારાં ઘરોમાં પ્રી-ટર્મ જન્મતાં બાળકો જન્મથી જ કુપોષિત છે તો જે બાળકો ફક્ત જન્ક ખાઈ-ખાઈને ગોળમટોળ થઈ ગયાં છે એ બાળકો પણ કુપોષણનો શિકાર છે. અમુક બાળકો જમવાનું જોઈને જ ભાગી જાય છે. એક કલાકમાં માંડ ૪ ચમચી ખાય છે તે બાળક પણ કુપોષિત છે અને જેમના ઘરમાં શું ખાવું અને શું ન ખાવું એની સમજ નથી અને બાળકો ફક્ત ફૅટ્સ ખાધા કરે છે એ બાળકો પણ કુપોષિત છે. જો તમારું બાળક દરેક ઍક્ટિવિટી તેની ઉંમર મુજબ વ્યવસ્થિત કરી શકતું ન હોય, તેની માનસિક ક્ષમતા સારી ન હોય અને તેનું વજન તેના આદર્શ વજન કરતાં એક-બે કિલો નહીં પરંતુ ઘણું વધારે હોય તો એને પણ કુપોષણ જ કહીશું.



જે બાળકો કુપોષણનો શિકાર છે તે બાળકો રોગો સામે લડી શકતાં નથી. વારંવાર તેઓ માંદાં પડે છે અને દવાઓ સાથે પણ જલદીથી ઠીક થતાં નથી. લાંબા ગાળા સુધી જે બાળકો કુપોષિત જ રહે છે તેમના વિકાસમાં પણ ક્ષતિ પહોંચે છે. ઉંમર પ્રમાણે તેમનું વજન અને ઊંચાઈ વધતાં નથી. આ સિવાય માનસિક વિકાસ પર પણ અસર થાય છે. આ બાળકો કુપોષિત હોવાને કારણે સારું ભણી પણ શકતાં નથી. તેમના દરેક પ્રકારના વિકાસમાં અડચણ આવે છે. એનીમિયા અને અંધાપા જેવી તકલીફો પણ કુપોષણને કારણે જ આવે છે. જરૂરી છે કે તમે બાળનિષ્ણાતને મળો. તમારા બાળકને પોષણયુક્ત ખોરાક ખાતાં શીખવો. લાડ છોડો અને જન્ક-ફૂડ અને ફાસ્ટ-ફૂડથી દૂર રાખો. જરૂર પડે તો પ્રોફેશનલની મદદથી તેનું વજન ઓછું કરાવો. સર્વાંગી વિકાસ માટે એ જરૂરી છે. કુપોષણને દૂર કરવું અનિવાર્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 01:15 PM IST | Mumbai | Dr. Pankaj Parekh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK