નેપાલના ઍથ્લીટ હરી ચંદ્ર ગિરિએ હૅન્ડ સ્ટૅન્ડ કરીને હાથ પર ૧૦૦ પગથિયાં ઝટપટ ઊતરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.
નેપાલના ઍથ્લીટ હરી ચંદ્ર ગિરિ
નેપાલના ઍથ્લીટ હરી ચંદ્ર ગિરિએ હૅન્ડ સ્ટૅન્ડ કરીને હાથ પર ૧૦૦ પગથિયાં ઝટપટ ઊતરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ કારનામું તેણે માત્ર ૪૪.૭૧ સેકન્ડમાં પૂરું કર્યું હતું. ૩૧ વર્ષનો હરી ચંદ્ર છેલ્લા ૬ મહિનાથી આ સ્ટન્ટ માટે પ્રૅક્ટિસ કરતો હતો. તેણે પહેલાં હાથ પર ઊંધા માથે સાદી જમીન પર ચાલવાની અને પગથિયાં ચડવાની પ્રૅક્ટિસ કરી હતી અને પછી તેણે પગથિયાં ઊતરવાના સ્ટન્ટની તૈયારીઓ આદરી હતી. આ માટે કાંડા અને ખભા પર શરીરનું સંતુલન જાળવવાની ચૅલેન્જ હતી એટલું જ નહીં, સ્ટન્ટના દિવસે જો વરસાદ પડે તો ભીની અને સૂકી માટી પર પણ સ્ટન્ટ કરવાની પ્રૅક્ટિસ કરી હતી. આખરે આ સ્ટન્ટ ચીનના યુનયાંગમાં એક મંદિરનાં પગથિયાં પર પર્ફોર્મ કરવામાં આવ્યો હતો. જો સહેજ પણ સંતુલન બગડે તો હરીને માથા, ગરદન કે કરોડરજ્જુમાં ગંભીર ચોટ લાગી શકે એમ હતું. એ જ કારણોસર જ્યારે આ સ્ટન્ટ થયો ત્યારે એક્સપર્ટ્સની હાજરી રાખવામાં આવી હતી. આમ તો આ સ્ટન્ટ આ વર્ષના જાન્યુઆરીમાં થયો હતો, પરંતુ તાજેતરમાં એને આ માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડની માન્યતા મળી હતી. એ પછી હરી ચંદ્રએ એ સ્ટન્ટનો વિડિયો શૅર કર્યો હતો. હરી ૨૦૧૪થી નેપાલની સેનામાં ફરજ નિભાવે છે.
