Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળકોની માનસિક હેલ્થ સારી નહીં હોય તો તેમનો શારીરિક વિકાસ પણ રૂંધાશે

બાળકોની માનસિક હેલ્થ સારી નહીં હોય તો તેમનો શારીરિક વિકાસ પણ રૂંધાશે

Published : 28 July, 2026 05:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના બાળકોમાં વધતા સ્ટ્રેસ, સ્પર્ધા અને માનસિક તણાવની સીધી અસર તેમના શારીરિક વિકાસ, ઇમ્યુનિટી, આત્મવિશ્વાસ અને સામાજિક વિકાસ પર પડે છે. નિષ્ણાતો કહે છે કે સમયસર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજનાં બાળકો અને તેમનામાં જોવા મળી રહેલા જુદા-જુદા લેવલના મેન્ટલ હેલ્થ-પ્રૉબ્લેમ્સ કોઈનાથી છૂપા નથી. સમાજમાં ચારે તરફ નજર કરીએ તો ભણવાનું સ્ટ્રેસ, ગળાકાપ હરીફાઈ, વધતું જતું બિનજરૂરી એક્સપોઝર, પિઅર પ્રેશર જેવી ઘણી તકલીફો છે જે આજનાં બાળકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહી છે. બાળકો કોઈ પણ પ્રકારનો મેન્ટલ હેલ્થ-પ્રૉબ્લેમ ધરાવતાં હોય તો તેના શારીરિક વિકાસ પર અસર પડે છે. એ કોઈ અનુમાન નથી, સાબિત થયેલી બાબત છે. 
મેન્ટલ હેલ્થ ફક્ત મન પર અસર કરે છે એ વાત સાચી, પરંતુ મન શરીરથી ભિન્ન નથી. તમારા મનની અસર સીધી રીતે શરીર પર થાય જ છે. એનું જો સાયન્સ સમજીએ તો એ હૉર્મોન્સ સંબંધિત છે. મેન્ટલ હેલ્થ-પ્રૉબ્લેમમાં સ્ટ્રેસ હૉર્મોન કૉર્ટિઝોલ રિલીઝ થાય છે. એ થોડા પ્રમાણમાં હોય એ જરૂરી છે, પરંતુ એની માત્રા વધતાં બાળકના ગ્રોથ-હૉર્મોન્સ પર એની અસર શરૂ થાય છે એટલે એ બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને રૂંધે છે.
આપણે જ્યારે પરિણામની વાત કરીએ ત્યારે સમજવું પડે કે પરિણામ બે બાબતો પર આધાર રાખે છે. એક તો એ કે પરિસ્થિતિ શું છે અને બીજું એ કે એ પરિસ્થિતિ સામે બાળક પોતે શું રીઍક્ટ કરે છે. સ્ટ્રેસ કેટલું છે, કયા પ્રકારનું છે અને એ સ્ટ્રેસને સહન કરવાની બાળકની પોતાની શક્તિ આ બધા પર નિર્ભર છે કે આ સ્ટ્રેસ તેને કઈ રીતે અસર કરે છે. આ જ નહીં, બીજાં અઢળક રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે સ્ટ્રેસથી બાળકનો વિકાસ રૂંધાય છે - પછી તે માના પેટમાં ઊછરતું બાળક હોય કે સ્કૂલ-કૉલેજમાં ભણતું બાળક. ગ્રોથ હૉર્મોન્સ પર અસર પડે એટલે બાળકને પણ અસર થાય જ, પરંતુ એ કેવી અને કેટલા અંશે એ દરેક બાળકે જુદું-જુદું હોય છે.
કોઈ પણ પ્રકારનો મેન્ટલ પ્રૉબ્લેમ તમારા શરીર પર અસરકર્તા છે જ. જેમ કે મેન્ટલ હેલ્થ-પ્રૉબ્લેમને કારણે બાળકોમાં અમુક તકલીફો દેખાય છે. જેમ કે સ્કિન ખરાબ થઈ જાય છે, તેમનું મેટાબોલિઝમ સ્લો થવાને કારણે તેઓ ખૂબ જાડા થઈ જાય છે, તેમની ઇમ્યુનિટી ઘટે છે, તેમનામાં ઍલર્જિક તકલીફો વધે છે. આ સિવાય સમાજિક સ્તર પર તેઓ ઘણાં પાછળ રહી જાય છે કારણ કે કોઈ સાથે વાત કરવી તેમને ગમતી નથી, તેમનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. આમ મેન્ટલ હેલ્થને કારણે બાળકનો ફિઝિકલ ગ્રોથ જ નહીં, સોશ્યલ ગ્રોથ પણ અટકે છે. એટલે જ મહત્ત્વનું એ છે કે જો તમે ઇચ્છતા હો કે તમારા બાળકનો વિકાસ સંપૂર્ણ રીતે 
બધી દિશામાં એકસાથે થાય તો તેના મેન્ટલ હેલ્થ-પ્રૉબ્લેમ્સને અવગણશો નહીં.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 05:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK