મોટા ભાગના લોકો દરરોજ કિચન પ્લૅટફૉર્મ તો ક્લીન કરે છે પણ જે જગ્યાએ આપણે મોટા ભાગનું ફૂડ સ્ટોર કરીને રાખીએ છીએ એ ફ્રિજને સાફ નથી કરતા. આપણી આ મોટી ભૂલ છે અને એને કારણે ફૂડ-પૉઇઝનિંગનું જોખમ વધી શકે છે
પ્રતીકાત્મક તસવીર
ચોમાસું શરૂ છે ત્યારે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ખાદ્યસુરક્ષા સંબંધિત કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. એમાંથી એક ટિપે બધાનું ધ્યાન ખેંચ્યું છે અને એ છે દર બે અઠવાડિયે ફ્રિજને સારી રીતે અંદર-બહારથી સાફ અને ડીફ્રૉસ્ટ કરો.
કેમ ફ્રિજ સાફ કરવું જરૂરી?
ADVERTISEMENT
ચોમાસામાં હવામાનમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. એને કારણે ફ્રિજની અંદર પણ મૉઇશ્ચર વધુ થતું હોય છે. એ બૅક્ટેરિયા અને ફંગસના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. ભેજવાળા વાતાવરણમાં બૅક્ટેરિયા, ફંગસના ઝડપી વિકાસથી ફ્રિજમાં રાખેલું ભોજન દૂષિત થઈ શકે છે.
નિયમિત રૂપથી ફ્રિજની સફાઈ અને ડીફ્રૉસ્ટ કરવાથી ફ્રિજમાં લીક થયેલાં દૂધ, દહીં, ગ્રેવી, કાપેલાં ફળ-શાકભાજીનો રસ વગેરે સાફ કરી શકાય જે અન્યથા બૅક્ટેરિયા અને ફંગસના ગ્રોથનું કારણ બની શકે. ફ્રિજને સાફ રાખવાથી ફૂડ-પૉઇઝનિંગથી થતા રોગોનું જોખમ ટાળી શકાય છે.
ફ્રિજની સફાઈના અભાવે ક્રૉસ-કન્ટેમિનેશનનો ખતરો પણ વધી શકે છે જ્યારે અલગ-અલગ પ્રકારના ખાદ્યપદાર્થ એકબીજાના સંપર્કમાં આવે છે અને એને કારણે હાનિકારક બૅક્ટેરિયા એકથી બીજા ફૂડમાં ફેલાય છે. ફળ, શાકભાજી જેવા કાચાભોજનમાં હાનિકારક બૅક્ટેરિયા હોઈ શકે છે અને એની બાજુમાં જ્યારે પાકેલું ભોજન ખુલ્લું મૂકવામાં આવે ત્યારે ફૂડ-પૉઇઝનિંગનો ખતરો વધી જાય છે. એટલે પાકેલા ભોજનને હંમેશાં કન્ટેનરમાં કે ઢાંકેલા વાસણમાં મૂકવું જોઈએ.

