Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું સવારે ઊઠતાંની સાથે જ માથું દુખે છે?

શું સવારે ઊઠતાંની સાથે જ માથું દુખે છે?

Published : 27 July, 2026 07:07 PM | Modified : 27 July, 2026 07:16 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

સવારે ઊઠતાં જ થતો માથાનો દુખાવો ઊંઘની અછત, તણાવ અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું સંકેત હોઈ શકે છે. જાણો તેના મુખ્ય કારણો, ક્યારે ડૉક્ટરની સલાહ લેવી અને બચવા માટેના સરળ ઉપાયો.

શું સવારે ઊઠતાંની સાથે જ માથું દુખે છે?

શું સવારે ઊઠતાંની સાથે જ માથું દુખે છે?


સવારે ઊઠતાંવેંત જ થતો માથાનો દુખાવો માત્ર સામાન્ય થાકનું લક્ષણ નથી. કેટલીક વખત એ ઊંઘની ગુણવત્તા, જીવનશૈલી અથવા શરીરમાં રહેલી અન્ય સ્વાસ્થ્ય-સમસ્યાઓ તરફ પણ ઇશારો કરે છે. જાણીએ ક્યારે આ દુખાવાને ગંભીરતાથી લેવાની ખાસ જરૂર છે અને એનાથી બચવા માટે શું કરી શકાય

માથાનો દુખાવો આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટા ભાગે આપણે એને સામાન્ય સમજીને અવગણીએ છીએ, પરંતુ કેટલીક વખત એ શરીરમાં ચાલી રહેલી અન્ય સ્વાસ્થ્ય-સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. ખાસ કરીને જો તમને રોજ સવારે ઊઠતાંવેંત જ માથું ભારે લાગે કે દુખાવો શરૂ થઈ જાય તો તમારી ઊંઘની પદ્ધતિ અને ઓવરઑલ હેલ્થ પર ધ્યાન આપવાની જરૂર છે. માથાનો દુખાવો દિવસના કયા સમયે થાય છે એ પણ એનાં કારણો સમજવામાં મદદરૂપ બની શકે છે. આ વિશે મુલુંડમાં પ્રૅક્ટિસ કરતાં અનુભવી ન્યુરોલૉજિસ્ટ ડૉ. ધારા શાહ પાસેથી જાણીએ કે સવારના હેડેક પાછળ કયાં કારણો હોઈ શકે અને એનાથી બચવા માટે શું કરવું જોઈએ.



માથાના દુખાવાનો સમય શું સૂચવે છે?


જો સવારે ઊઠતાંવેંત જ માથું ભારે લાગે અથવા દુખાવો અનુભવાય તો એ શરીરમાં થતા કેટલાક બાયોલૉજિકલ ફેરફારોનું પરિણામ હોઈ શકે છે. ઊંઘ દરમ્યાન શ્વાસ લેવામાં તકલીફ થવી, બ્લડ-પ્રેશરમાં વધઘટ થવી, ઊંઘની ગુણવત્તા નબળી હોવી અથવા શરીરમાં સ્ટ્રેસ હૉર્મોનનું પ્રમાણ વધવું જેવાં કારણો એની પાછળ જવાબદાર હોઈ શકે છે.
જો બપોરે અથવા જમ્યા પછી માથું દુખે તો એની પાછળ જુદાં કારણો હોઈ શકે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું, ખોટા પૉશ્ચરને કારણે ગરદન અને ખભા પર પડતી તાણ, લાંબા સમય સુધી તડકામાં રહેવું, કૅફીનની આદત છોડવાની શરૂઆત કરવી અથવા સમયસર ન ખાવાને કારણે બ્લડ-શુગર ઘટી જવી - આ બધાં પરિબળો માથાના દુખાવાને આમંત્રણ આપી શકે છે. પૂરતું પાણી ન પીવાને કારણે થતું ડીહાઇડ્રેશન પણ માથાના દુખાવાનું સામાન્ય કારણ છે.
જો સાંજ પડતાં માથાનો દુખાવો શરૂ થતો હોય તો એ આખા દિવસનો માનસિક થાક, વધતો સ્ક્રીન-ટાઇમ અથવા ડીહાઇડ્રેશન સાથે સંકળાયેલો હોઈ શકે છે. રાત્રે સૂતી વખતે અથવા ગાઢ ઊંઘમાંથી જગાડી દે એવો દુખાવો થાય ત્યારે એ ક્લસ્ટર હેડેક અથવા અન્ય કોઈ ગંભીર કારણ તરફ પણ ઇશારો કરી શકે છે. આવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

સવારે જ માથું કેમ દુખે?


સવારે ઊઠતાંવેંત જ ફ્રીક્વન્ટ્લી થતો માથાનો દુખાવો કેટલાંક ચોક્કસ મેડિકલ કારણો સાથે જોડાયેલો હોઈ શકે છે. માઇગ્રેનનો અટૅક ઘણા લોકોને સવારે જ શરૂ થતો હોય છે. આ ઉપરાંત ઊંઘ દરમ્યાન શ્વાસ રૂંધાવાની સમસ્યા એટલે કે ઍબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નિયા, ખૂબ નસકોરાં બોલાવવાની ટેવ, પૂરતી કે ગાઢ ઊંઘ ન મળવી અને રાત્રે મોડે સુધી મોબાઇલ કે લૅપટૉપનો ઉપયોગ કરવાથી ઊંઘની ગુણવત્તા બગડે છે જે સવારના હેડેકનું કારણ બની શકે છે.
કેટલાક લોકોને ઊંઘમાં અજાણતાં જ દાંત કચકચાવવાની ટેવ હોય છે. એને કારણે જડબાં અને માથાના સ્નાયુઓ પર તાણ વધે છે અને સવારે માથાનો દુખાવો થઈ શકે છે. કેટલાક કિસ્સામાં અચાનક વધી ગયેલું બ્લડ-પ્રેશર અથવા વારંવાર પેઇનકિલર્સ લેવાની ટેવ પણ માથાના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. બહુ રૅર કેસમાં મગજમાં ગાંઠ અથવા અન્ય ગંભીર સમસ્યા પણ એનું કારણ હોઈ શકે છે.

શું કાળજી રાખવી?

માથાના દુખાવાથી બચવા માટે માત્ર દવાઓ પર આધાર રાખવાને બદલે જીવનશૈલીમાં કેટલાક સરળ ફેરફારો કરવાનું વધુ અસરકારક રહે છે. સૌથી પહેલાં રોજ એક જ સમયે સૂવાની અને જાગવાની ટેવ પાડીને સારું સ્લીપ હાઇજીન જાળવવું જોઈએ. સૂવાના એકથી બે કલાક પહેલાં મોબાઇલ, ટીવી કે લૅપટૉપનો ઉપયોગ ઓછો કરવાથી પણ ફાયદો થાય છે.
ગરદનને યોગ્ય ટેકો મળે એવો આરામદાયક પિલો વાપરવો, દિવસ દરમ્યાન પૂરતું પાણી પીવું, સમયસર અને સંતુલિત આહાર લેવો તથા નિયમિત હળવી કસરત કરવી પણ એટલી જ જરૂરી છે.
વારંવાર પોતાની રીતે પેઇનકિલર્સ લેવાનું ટાળવું જોઈએ. જો માથાના દુખાવા માટે નિયમિત દવા લેવાની જરૂર પડતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

ક્યારે સાવચેત થવું?

 દરેક માથાનો દુખાવો સામાન્ય હોતો નથી. જો અઠવાડિયામાં બે-ત્રણ વખતથી વધુ વાર માથું દુખતું હોય અથવા રાત્રે એટલો તીવ્ર દુખાવો થાય કે ઊંઘમાંથી જાગી જાઓ તો એને અવગણવો નહીં. જો રાત્રે ખૂબ નસકોરાં બોલતાં હોય અને સવારે ઊઠતાંવેંત જ માથાનો દુખાવો થતો હોય તો સ્લીપ ઍપ્નિયાની તપાસ કરાવવી યોગ્ય રહેશે.
 માથાના દુખાવાની સાથે વારંવાર ઊલટી થવી, ડબલ વિઝનની સમસ્યા, અચાનક ઝાંખું દેખાવું અથવા શરીરના કોઈ ભાગમાં નબળાઈ જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ એ લકવાનું લક્ષણ હોઈ શકે છે. આ ઉપરાંત જો થોડી જ મિનિટોમાં દુખાવો અસહ્ય બની જાય, દુખાવાની સાથે તાવ આવે, ગરદન અકડાઈ જાય, છીંકતી કે ઉધરસ ખાતી વખતે દુખાવો વધી જાય અથવા માથામાં ઈજા પછી હેડેક શરૂ થયો હોય તો તરત તબીબી તપાસ કરાવવી જરૂરી છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને અચાનક જ નવા પ્રકારનો માથાનો દુખાવો શરૂ થાય તો પણ વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 07:16 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK