Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદય સામંતે ઑડિયો-ક્લિપમાં BJPના નેતાઓનો અવાજ છે એવો આક્ષેપ કર્યા પછી આશિષ શેલારે કહ્યું...

ઉદય સામંતે ઑડિયો-ક્લિપમાં BJPના નેતાઓનો અવાજ છે એવો આક્ષેપ કર્યા પછી આશિષ શેલારે કહ્યું...

Published : 23 October, 2026 08:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદય સામંતની ગેરસમજ દૂર કરવા અમે તૈયાર છીએ, એકનાથ શિંદે સામે સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે એ પણ અમને માન્ય નથી

મુખ્ય પ્રધાન પાસે તપાસની ડિમાન્ડ સાથે પહોંચ્યા શિવસૈનિકો

મુખ્ય પ્રધાન પાસે તપાસની ડિમાન્ડ સાથે પહોંચ્યા શિવસૈનિકો


BJPના વિધાનસભ્ય તથા સરકારના મિનિસ્ટર આશિષ શેલારે ઉદય સામંત તથા મનોજ જરાંગે દ્વારા કરવામાં આવેલા દાવાઓને ફગાવતાં કહ્યું હતું કે ‘એકનાથ શિંદે સામે સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે એ અમને માન્ય નથી. મનોજ જરાંગેની ઑડિયો-ક્લિપ બાબતે પણ અમે અસંમત છીએ. આ આખા મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવવી જોઈએ એવી અમારી માગણી છે. જે ક્લિપનો કોઈ આધાર નથી, એ ખરી છે કે નહીં એ સ્પષ્ટ નથી અને જેની તપાસ પણ નથી થઈ એવી ક્લિપને કારણે જો ઉદય સામંતને ગેરસમજ થઈ હોય તો અમે તેમની ગેરસમજ દૂર કરવા માટે તૈયાર છીએ. એકનાથ શિંદે અમારા નેતા છે અને અમારા નાયબ મુખ્ય પ્રધાન છે. જો તેમના વિશે કોઈ શંકા ઊભી કરશે તો એ અમને માન્ય નથી. ઑડિયો-ક્લિપમાં કરવામાં આવેલો દાવો ૧૦૦ ટકા ખોટો છે.’

ઑડિયો-ક્લિપની તપાસ સાઇબર સેલને સોંપો : નરેશ મ્હસ્કે



શિવસેનાના સંસદસભ્ય નરેશ મ્હસ્કેએ પણ આ પ્રકરણે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ‘મનોજ જરાંગેએ આ ઑડિયો-ક્લિપ તપાસ માટે પોલીસ ડિપાર્ટમેન્ટના સાઇબર સેલને આપવી જોઈએ. ત્યાર પછી મનોજ જરાંગે અને શિવસેના વચ્ચે આગ લગાવવાનું કામ કોણ કરી રહ્યું છે એ સામે આવશે. ઑડિયો-ક્લિપ સાચી છે કે નહીં એ જણાયા પછી સત્ય સામે આવશે. મનોજ જરાંગેએ અકારણ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરવી ન જોઈએ. આ આખા વિવાદની પાછળ કોણ છે એ જાણવું જરૂરી છે. અમે મુખ્ય પ્રધાનને પણ આ મુદ્દે ફરિયાદ કરવા મળીશું.’

AI ક્લિપ હોઈ શકે, SIT રચીને તપાસ થવી જોઈએ : નવનાથ બન

BJPના મહારાષ્ટ્રના મુખ્ય પ્રવક્તા નવનાથ બને આ ક્લિપ વિશે જણાવ્યું હતું કે ‘આજકાલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા નકલી ઑડિયો અને વિડિયો-ક્લિપ બનાવવામાં આવે છે. એવામાં મનોજ જરાંગેએ સંભળાવેલી ક્લિપની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ કરવામાં આવવી જોઈએ. આની સઘન તપાસ થઈને સત્ય સામે આવવું જોઈએ. AIના કારણે કયો ઑડિયો-વિડિયો સાચો છે અને કયો નકલી એમાં તફાવત શોધી કાઢવો ખૂબ જ મુશ્કેલ બન્યું છે.’ 

મુખ્ય પ્રધાન પાસે તપાસની ડિમાન્ડ સાથે પહોંચ્યા શિવસૈનિકો

મનોજ જરાંગે દ્વારા મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવેલી ઑડિયો-ક્લિપના મુદ્દે ઊભા થયેલા વિવાદ બાદ શિવસેનાનું પ્રતિનિધિમંડળ ગુરુવારે રાત્રે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં તેમને મળ્યું હતું. પ્રતિનિધિમંડળે આ ઑડિયો-ક્લિપના પ્રકરણની તપાસ કરવાની સત્તાવાર રીતે અરજી કરી હતી. મુખ્ય પ્રધાનને મળવા ગયેલા પ્રતિનિધિમંડળમાં વિધાન-પરિષદના ડેપ્યુટી ચૅરપર્સન સચિન અહિર, સંસદસભ્ય મિલિંદ દેવરા, સંસદસભ્ય રવીન્દ્ર વાયકર, વિધાનસભ્ય હેમંત પાટીલ, શિવસેનાના જનરલ સેક્રેટરી તથા ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ શેવાળે તથા ભૂતપૂર્વ કૅબિનેટ પ્રધાન ડૉ. દીપક સાવંત હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK