હકીકત એ છે જ કે સ્ત્રી અને પુરુષનાં શરીર ભિન્ન છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
એક એવી માન્યતા છે કે સ્ત્રીઓ પોતાના દેખાવ પ્રત્યે પુરુષો કરતાં વધુ સભાન હોય છે એ માટે જાડા ન થઈ જવાના પ્રયત્નોમાં સ્ત્રીઓ પુરુષો કરતાં આગળ હોય છે. લગ્ન વખતના અને લગ્નનાં ૨૫ વર્ષ પછીના સ્ત્રી-પુરુષના ફોટો સરખાવીએ તો સમજી શકાય છે કે સ્ત્રીઓ ૨૫ વર્ષમાં ખૂબ બદલાઈ ગઈ હોય છે. ખાસ તો જાડી થઈ જવાને લીધે કેટલીક તો ઓળખાતી પણ નથી હોતી. પરંતુ પુરુષો ૨૫ વર્ષ પછી પણ મોટા ભાગે એવા જ દેખાતા હોય છે. બહુ-બહુ તો તેમના માથે ટાલ આવી હોય અથવા પેટનો ઘેરાવો વધી ગયો હોય.
હકીકત એ છે જ કે સ્ત્રી અને પુરુષનાં શરીર ભિન્ન છે. એ બન્ને શરીર પર બાહ્ય અને આંતરિક પરિબળોની અસર જુદી-જુદી રહે છે. સ્ત્રી અને પુરુષના ઓબીસ થવાનાં કારણો પણ જુદાં-જુદાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો બન્નેની જો લાઇફસ્ટાઇલ ખોટી હોય તો બન્ને પર ઓબેસિટીનો ખતરો રહે જ છે. પરંતુ જો માની લઈએ કે એક સ્ત્રીની લાઇફસ્ટાઇલ એકદમ પર્ફેક્ટ છે તો પણ જો કોઈ કારણોસર તેના શરીરમાં હૉર્મોન્સને લગતા કોઈ પણ પ્રૉબ્લેમ આવ્યા તો ચોક્કસ તેના વજનમાં ફરક દેખાય છે. પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ, થાઇરૉઇડ જેવા હૉર્મોનલ પ્રૉબ્લેમ્સ આજકાલ ઘણા કૉમન થઈ ગયા છે. આ સિવાય પ્રેગ્નન્સી, બ્રેસ્ટ-ફીડિંગ જેવી અવસ્થાઓમાં સ્ત્રીના શરીરમાં ઘણી ઊથલપાથલ થાય છે જેને કારણે તે ઓબીસ થઈ શકે છે. માસિકચક્રમાં જો કોઈ પણ તકલીફ આવે, અનિયમિતતા આવે તો પણ તેના શરીર પર એ દેખાવા લાગે છે. આમ સ્ત્રીઓનું ઓબેસિટીથી બચવું સંપૂર્ણપણે તેના પોતાના હાથમાં નથી.
ADVERTISEMENT
સ્ત્રી અને પુરુષોની ઓબેસિટીમાં ફરક છે. મેટાબોલિઝમ એટલે ચયાપચાયની પ્રક્રિયા. પુરુષોમાં આ પ્રક્રિયા ઘણી પ્રબળ હોય છે, જ્યારે સ્ત્રીઓમાં એ પુરુષોની સરખામણીએ ઓછી પ્રબળ હોય છે. ખાસ કરીને જો આપણે આદર્શ વજન કરતાં ૧૦-૨૦ કિલો વધુ વજનની વાત કરતા હોઈએ તો સ્ત્રીઓમાં આ વજન આખા શરીર પર ફેલાયેલું હોય છે. પુરુષોમાં ચરબી મોટા ભાગે પેટ પર જ જમા થતી હોય છે. આમ ઉદાહરણ તરીકે સાડાપાંચ ફુટનાં સ્ત્રી-પુરુષ બન્ને ૭૮ કિલોનાં હોય તો સ્ત્રી જ્યારે દૂબળી થવાની કોશિશ કરે છે ત્યારે તેણે ઘણા જુદા-જુદા ભાગોની સ્પેશ્યલ કસરતો કરવી પડે છે, જ્યારે પુરુષોને મોટા ભાગની ચરબી પેટ પર જ હોય છે. એ એક ભાગ પર જ તેણે ધ્યાન આપવાનું હોય છે. આમ સ્ત્રીઓની મહેનત વધી જાય છે. પુરુષ અને સ્ત્રી બન્નેની ઓબેસિટીને સમજીને વેઇટલૉસ તરફ આગળ વધીએ તો ઇચ્છિત પરિણામ મળી શકે છે.
- ડૉ. વિભૂતિ કાણકિયા


