Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારા હાથમાં તમારી હેલ્થ

તમારા હાથમાં તમારી હેલ્થ

Published : 09 July, 2025 01:11 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

બન્ને હાથને એકબીજા સાથે ઘસો ત્યારે શરીરમાં શું થાય? એની પાછળનું વિજ્ઞાન શું છે? અનેક ફાયદાઓ જે સામાન્ય પ્રક્રિયા સાથે જોડાયેલા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પ્રાર્થના પછી અથવા યોગ-ક્લાસ પછી બન્ને હાથોને એકબીજા સાથે ઘસવાની પ્રક્રિયા સામાન્ય છે. લગભગ દરેકે એકાદ વાર પોતાના જીવનમાં બન્ને હાથને ઘસવાની પ્રક્રિયા કરી જ હશે. પણ શું કામ? બન્ને હાથને એકબીજા સાથે ઘસો ત્યારે શરીરમાં શું થાય? એની પાછળનું વિજ્ઞાન શું છે? અનેક ફાયદાઓ જે સામાન્ય પ્રક્રિયા સાથે જોડાયેલા છે એને કરવાની સાચી રીત પણ સમજી લો


હાથ આપણા શરીરનો સૌથી વધુ સેન્સિટિવ પાર્ટ મનાય છે. ઊર્જાનું આદાનપ્રદાન, ભાવનાઓનું આદાનપ્રદાન, આદરનું આદાનપ્રદાન હાથથી થાય છે. એટલે જ આશીર્વાદ આપવાથી લઈને નમસ્કાર અને શેકહૅન્ડમાં હૅન્ડનો જ ઉપયોગ થાય છે. બન્ને હાથોને એકબીજાથી ઘસીને ગરમાહટ ઉત્પન્ન કરવાની એક ખૂબ સામાન્ય પ્રક્રિયા તમે અનેક વાર જોઈ હશે, કરી હશે. સામાન્ય લાગતી આ પ્રક્રિયા અત્યંત સાયન્ટિફિક છે. એ જો સાચી રીતે કરાય તો એના અગણિત ફાયદાઓ છે અને ખૂબ સરળ, નિર્દોષ અને એક મિનિટનો સમય માગતી આ પ્રક્રિયા આજથી જ જીવનમાં ઉતારવા જેવી છે. જોકે એ શરૂ કરો એ પહેલાં એનાથી થતા લાભ અને એની સાચી પદ્ધતિ વિશે જાણી લો.



પામિંગ એટલે શું?


બન્ને હાથને એકબીજા સાથે અમુક વાર સુધી ઘસવા અને પછી હાથને શંકુ આકાર આપીને હળવાશ સાથે હાથને આંખો દબાય નહીં એ રીતે મૂકવા. દરરોજ સવારે બેડ પરથી નીચે ઊતરો એ પહેલાં સવારના શ્લોકનું ઉચ્ચારણ કરીને પામિંગ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. એ સિવાય પ્રાર્થના, યોગ-ક્લાસ વગેરેમાં પામિંગ એટલે કે બન્ને હાથને એકબીજા સાથે રબ કરવાની પદ્ધતિનો ઉપયોગ થતો આવ્યો છે. ઈશા ફાઉન્ડેશનના પ્રણેતા સદ્ગુરુ કહે છે કે સવારે ઊઠીને કમ્પલ્સરી પહેલું કામ પામિંગનું કરવું જોઈએ, કારણ કે બન્ને હથેળીઓમાં નર્વ્સ એટલે કે ચેતાતંત્રની નસોનો અંત થતો હોય છે. હથેળીને એકબીજા સાથે ઘસવાથી તરત જ તમારી નર્વ સિસ્ટમ ઍક્ટિવેટ થાય છે જે તમારા શરીરને પણ સક્રિય મોડમાં લઈ આવે છે.


સંપૂર્ણ વૈજ્ઞાનિક

આપણે ત્યાં હાથમાં કંઈ ન આવ્યું એવું કહેવા માટે હાથ ઘસતા રહી ગયા એવી કહેવત છે. જોકે સાચી રીતે હાથ ઘસતા રહેનારા લોકોને હેલ્થ સહજ મળી જતી હોય છે. અગ્રણી ફિઝિયોથેરપિસ્ટ, ઑસ્ટિયોપૅથ, સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રેશન એક્સપર્ટ અને યોગના જાણકાર ડૉ. વિવેક કક્કર કહે છે, ‘આપણા શરીરનો સૌથી વધુ સેન્સિટિવ પાર્ટ જો કોઈ હોય તો એ છે આપણી હથેળીઓ. અતિશય એટલે અતિશય સેન્સિટિવ પાર્ટ કહી શકાય. હથેળીની સપાટી ઠંડા-ગરમ ટેમ્પરેચરને જ નહીં પણ પાતળું, જાડું, ખરબચડું, ઊંચું, ઊપસેલું, ચીકણું, દાણાદાર એમ દરેકેદરેક પ્રકારની બાબતો સ્પર્શ માત્રથી ઓળખી શકે છે. એક બ્લાઇન્ડ વ્યક્તિ કાગળના અમુક ઊપસેલા ભાગને આધારે વાંચન કરી શકે એ કોની કમાલ? આપણી હથેળીમાં રહેલી આંગળીઓની. આંગળીઓની સ્કિનના નીચે રહેલા આ સેન્સરનો ઉચિત ઉપયોગ કરો તો એમાંથી ઘણું પામી શકાય. જેમ કે હાથથી તમે કોઈ વસ્તુને ધક્કો મારો ત્યારે માત્ર હથેળીના નહીં પણ તમારા શોલ્ડરના, પેટના, બૅકના એ બધા જ સ્નાયુઓ ઇન્વૉલ્વ થતા હોય છે. તમે જોજો, હાથથી દીવાલને ધક્કો મારો અને એમાંથી એક આંગળી હટાવી લો તો તમને પેટ કે પીઠના કોઈક ભાગમાં પણ એની અસર થઈ હોય એવું મહેસૂસ થશે. આ દર્શાવે છે કે આપણા શરીરના સ્ટેબિલાઇઝરનું કામ કરતા સ્નાયુઓ અને મોબિલાઇઝરનું કામ કરતા સ્નાયુઓ વચ્ચે બ્રિજ બનવાનું કામ હાથના સ્નાયુઓ કરે છે. આટલા પાવરફુલ હાથ જ્યારે તમે એકબીજા સાથે રબ કરો છો ત્યારે તમારી ફિઝિકલ બૉડી પર, તમારા ચેતાતંત્ર પર અને તમારી એનર્જી-બૉડી પર એનો પ્રત્યક્ષ પ્રભાવ પડે છે. બીજી મહત્ત્વની વાત કે તમારા હાથના કાંડામાં અને હાથની આંગળીઓમાં રહેલા મસલ્સ જે તમને કોઈ પણ વસ્તુને પકડવા માટે જોઈતી ગ્રિપ લાવવામાં મદદ કરનારા છે એ મસલ્સ મોટા ભાગે સ્ટ્રેસમાં જ રહેતા હોય છે. હથેળીને એકબીજા સાથે ધ્યાનપૂર્વક ઘસવાની પ્રક્રિયામાં આ મસલ્સ ઍક્ટિવ થાય છે. પામિંગને કારણે ઉત્પન્ન થતા ગરમાટાથી આ સ્નાયુઓ પણ રિલૅક્સ થતા હોય છે. છેલ્લે આપણા શરીરની ન્યુરોલૉજિકલ સિસ્ટમની કેટલીક નર્વ્સનું એન્ડિંગ આપણી હથેળી છે. વૅસ્ક્યુલર સિસ્ટમ અને લિમ્ફેટિક સિસ્ટમનું નેટવર્ક પણ હથેળી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. એટલે શરીરના શુદ્ધીકરણમાં મદદ કરતી સિસ્ટમને પણ હથેળીઓ ઘસવાથી મદદ મળે છે અને એ કામ વધુ સરળ બને છે.’

ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિવેક કક્કર

ઍક્યુપંક્ચર અને ઊર્જાવિજ્ઞાન

જુદી-જુદી પરંપરામાં હાથના ઘર્ષણનો જુદી-જુદી રીતે ઉપયોગ થયો છે. ડૉ. વિવેક કહે છે, ‘તિબેટ જેવા પ્રદેશમાં તાળીઓ પાડીને અને ટૅપિંગ થેરપીની મદદથી જોરથી શરીરના એક યા બીજા ભાગને મારતા હોઈએ એમ પછડાટ આપવાની પરંપરા છે. એની પાછળ પણ વિજ્ઞાન છે. આપણે ત્યાં ભજનો અને ભક્તિ દરમ્યાન તાળી પાડવાની પરંપરા છે એમાં પણ તાળી થકી બ્લડ-સર્ક્યુલેશન વધારવાનું, ચેતાતંત્રને જગાડવાનું અને વધુ ફોકસ થવાનું કારણ છુપાયેલું છે. બીજું, આપણા હાથમાં વિવિધ ચક્રો છે, યંત્રો છે જેને તમે હાથ ઘસવાથી અને ગરમાટાથી ઉત્તેજિત કરતા હો છો. તમે હાથ થકી આખા શરીરનાં ઊર્જા ચક્રોને સક્રિય કરતા હો છો. હાથ ઘસવા એ દરઅસલ સ્વયંથી સ્વયંને સ્વસ્થ બનાવવાની પ્રક્રિયા છે. પામિંગ પછી હથેળી આંખની ફરતેના ભાગમાં હળવાશથી દબાવવામાં આવે છે. આંખની આસપાસ કપાળ પાસે કેટલાક પૉઇન્ટ એવા છે જ્યાં ગુસ્સા, અહંકાર જેવાં ઇમોશન્સ સ્ટોર થતાં હોય છે. રબિંગની આ પ્રોસેસથી તમે એ પાર્ટને સ્ટિમ્યુલેટ કરીને આવાં નકારાત્મક ઇમોશન્સને રિલીઝ કરતા હો છો. એટલે જ હાથ રબ કર્યા પછી લોકોને તરત જ શાંતિનો અનુભવ થાય છે.’

કેવી રીતે કરવું જોઈએ પામિંગ?

સામાન્ય રીતે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સાથે હાથને રબ કરવાની પ્રોસેસ પણ જો જોડી દો તો એનાથી વધુ સભાનતા સાથે થતું પામિંગ બહેતર પરિણામ આપશે. આ વિશે વધુ જાણકારી આપતાં ડૉ. વિવેક કક્કર કહે છે, ‘સામાન્ય રીતે ઍવરેજ એક વ્યક્તિ એક મિનિટમાં પંદરથી વીસ શ્વાસ લેતી હોય છે. આ શ્વાસ સાથે જ તમે જો તમારી હથેળીને ઘસવાની પ્રક્રિયાને પણ જોડી દો અને એક શ્વાસ સાથે એક વાર હાથ રબ થાય એમ એક મિનિટમાં વીસ શ્વાસ સાથે વીસ વાર હાથ રબ થાય અને એમ કરતી વખતે તમારું પૂરું અટેન્શન શ્વાસોચ્છ્વાસ પર પણ હોય તો એનાથી બેસ્ટ કંઈ જ નહીં. હાથ ઘસવાનો અર્થ હાથનો મેલ કાઢવાનો નથી. ઘણા લોકો હથેળીમાં ગરમાટો લાવવા માટે જોર-જોરથી હાથ ઘસતા હોય છે એ પણ યોગ્ય મેથડ નથી. એમાં તમારી અવેરનેસ નથી રહેતી. હાથને માત્ર જોડીને રાખો એમાં પણ ગરમાટો તો આવી જશે. જોરથી હાથ ઘસવાને બદલે પૂરી સભાનતા સાથે દરરોજ એકથી બે મિનિટ દિવસમાં ત્રણ વાર શ્વાસની લયબદ્ધતા સાથે હથેળી ઘસો તો એ બેસ્ટ પરિણામ આપશે.’

આટલા બેનિફિટ્સ તો પાક્કા છે

તમારા આખા શરીરનું બ્લડ-સર્ક્યુલેશન સારું થશે.

વધુ એકાગ્ર થઈ શકશો અને અલર્ટનેસ વધશે.

ગરમાટાને કારણે આંખની હેલ્થ બહેતર થશે. આંખ અને ચહેરો રિલૅક્સ થશે.

સ્ટ્રેસ દૂર થશે અને ઇન્સ્ટન્ટ રિલૅક્સેશન વધશે. મૂડ સારો થશે.

સવારે ઊઠ્યા પછી ‘કરાગ્રે વસતે લક્ષ્મી’ના શ્લોક પછી હથેળીને ઘસવામાં આવે તો આખા દિવસ માટે શરીર, મન અને આંખ સજ્જ થશે.

રાતના સમયે પામિંગ કરશો તો ઊંઘ સારી આવશે.  

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2025 01:11 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK