આવા સમયે આપણું શરીર અંદરથી જ એવા ખોરાકની માગણી કરે છે જે પચવામાં એકદમ હળવો હોય અને છતાં શરીરને પૂરેપૂરું પોષણ આપે. તૂરિયાં એક એવું જ શાક છે.
પ્રતીકાત્મક તસવીર
ચોમાસાની ઋતુમાં હવામાં રહેલા અસહ્ય ભેજને કારણે આખું શરીર ભારે-ભારે, સુસ્ત અને આળસથી ભરેલું લાગવા માંડે છે. વાદળછાયા વાતાવરણમાં આપણી પાચનશક્તિ પણ થોડી ધીમી પડી જાય છે, જેને લીધે પેટમાં ભારેપણું અને ગૅસ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવા સમયે આપણું શરીર અંદરથી જ એવા ખોરાકની માગણી કરે છે જે પચવામાં એકદમ હળવો હોય અને છતાં શરીરને પૂરેપૂરું પોષણ આપે. તૂરિયાં એક એવું જ શાક છે.
તૂરિયાં આપણી રસોઈનું સાદું અને કદાચ સૌથી વધુ અન્ડરરેટેડ લીલું શાક છે. લોકો ઘણી વાર એના સ્વાદ કે દેખાવને કારણે એને અવગણતા હોય છે, પરંતુ એના સ્વાસ્થ્ય-લાભો અઢળક છે. સામાન્ય રીતે પાણીથી ભરપૂર એવાં તૂરિયાંને માત્ર ગરમીનું જ શાક માનવામાં આવે છે. જોકે વાસ્તવમાં એ ગરમીમાં તો ઉત્તમ છે જ, સાથે ચોમાસામાં પણ એટલું જ ગુણકારી સાબિત થાય છે. ગરમીના અસહ્ય તાપમાં જે શાક શરીરને અંદરથી ઠંડક અને હાઇડ્રેશન આપે છે એ જ તૂરિયાં ચોમાસાના ભેજવાળા અને રોગિષ્ઠ વાતાવરણમાં પચવામાં સરળ, શરીરને પોષણ આપનારાં અને રોગપ્રતિકારક શક્તિ વધારનારાં સાબિત થાય છે. આજે આપણે ડાયટિશ્યન ડિમ્પલ સંઘવી પાસેથી તૂરિયાંના ફાયદાઓ જાણી લઈએ.
ADVERTISEMENT
કેમ તૂરિયાં ખાવાં જોઈએ?
ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે પરસેવો તો થાય છે, પણ તરસ અનુભવાતી હોતી નથી. એને કારણે પણ ઘણી વાર ડીહાઇડ્રેશન થતું હોય છે. આવા સમયે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી બની જાય છે. તૂરિયાં એવું શાક છે જેમાં ૯૦ ટકા પાણી હોય છે. એટલે એ શરીરને અંદરથી હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. ચોમાસામાં જઠરાગ્નિ ધીમો પડવાને કારણે ગૅસ, બ્લોટિંગ (પેટ ફૂલવું) અને કબજિયાતની સમસ્યા વધી જાય છે. તૂરિયાં પચવામાં એકદમ હલકાં હોય છે અને એ ડાયટરી ફાઇબરથી પણ ભરપૂર હોય છે. એટલે એ આંતરડાંના માર્ગને સાફ કરે છે, ગુડ બૅક્ટેરિયાને વધારે છે અને પાચનતંત્ર પર બિલકુલ લોડ પડવા દેતાં નથી. તૂરિયાંમાં વિટામિન Cનું પ્રમાણ પણ સારુંએવું હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. એટલે ચોમાસામાં થતાં શરદી, ઉધરસ, વાઇરલ ઇન્ફેક્શન અને ફ્લુ સામે રક્ષણ મેળવવામાં મદદ મળે છે. તૂરિયાં વજન ઘટાડવા માગતા લોકો માટે એક સુપરફૂડ સમાન છે, કારણ કે એમાં કૅલરીનું પ્રમાણ નહીંવત્ હોય છે. ૧૦૦ ગ્રામ તૂરિયાંમાં ફક્ત ૧૪થી ૨૦ કૅલરી જ હોય છે. આ એટલી ઓછી કૅલરી છે કે તમે પેટ ભરીને ખાશો તો પણ તમારું વજન વધશે નહીં. તૂરિયાંમાં પોટૅશિયમ પણ સારી માત્રામાં હોય છે જે બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. એમાં રહેલું હાઈ ફાઇબર શરીરમાં ખરાબ કૉલસ્ટરોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તૂરિયાંમાં રહલું ફાઇબર લોહીમાં શુગરના શોષણની પ્રક્રિયાને ધીમી પાડે છે, જેથી જમ્યા પછી જે શુગર સ્પાઇક થાય છે એ અટકે છે. તૂરિયાંમાં રહેલાં શક્તિશાળી ઍન્ટી-ઑક્સિડન્ટ્સ લિવરના કોષોનું ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઓછું કરે છે, સોજો શાંત કરે છે અને લિવરને કુદરતી રીતે ડીટૉક્સ રાખે છે.
તૂરિયાંને આરોગવાની રીત
તૂરિયાં જેવું શાક જેમાં ફાઇબર અને ખાસ કરીને વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. એને ક્યારેય ઓવરકુક ન કરવાં જોઈએ. વિટામિન C હીટ સેન્સિટિવ અને વૉટર-સૉલ્યુબલ (પાણીમાં ઓગળી જતું) વિટામિન છે. એનો અર્થ એ કે તમે શાકને જેટલું વધારે તાપમાન પર અને લાંબા સમય સુધી ગૅસ પર રાખશો એનાં વિટામિન C અને અન્ય ન્યુટ્રિઅન્ટ્સ એટલાં જ ઓછાં થઈ જશે. વધારે પડતું રાંધવાથી શાકનો કલર અને સ્વાદ તો બદલાય જ છે, સાથે એના ગુણો પણ ઊડી જાય છે. તૂરિયાંને હળવાં બાફીને કે સ્ટીમ કરીને ખાવાં સૌથી બેસ્ટ છે. આનાથી એની અંદરનું પાણી અને પોષક તત્ત્વો જળવાઈ રહે છે. રોજિંદા આહારમાં તૂરિયાંનો ઉપયોગ કરવાનો એક ઉત્તમ રસ્તો એ છે કે એને ખીચડી રાંધતી વખતે જ એમાં ઉમેરી દો. આનાથી ખીચડી ન્યુટ્રિશ્યસ બને છે અને તૂરિયાં પણ બરાબર સૉફ્ટ થઈ જાય છે. તૂરિયાંને જો સાચા ફૂડ-કૉમ્બિનેશન સાથે બનાવવામાં આવે તો એ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે ગુણોનું પાવરહાઉસ બની જાય છે. જો તમે શાકભાજીના ફૉર્મમાં કંઈક નવું અને સુપરહેલ્ધી બનાવવા માગતા હો તો તૂરિયાંને મગની દાળ અથવા ચણાની દાળ સાથે મિક્સ કરીને બનાવો. તૂરિયાંમાં ભરપૂર ફાઇબર છે અને દાળમાં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ બન્નેનું મિશ્રણ એક પર્ફેક્ટ હાઈ-ફાઇબર અને હાઈ-પ્રોટીન મીલ બનાવે છે. આ કૉમ્બિનેશન પચવામાં બહુ સરળ છે અને ડાયાબિટીસના દરદીઓ તેમ જ વજન ઉતારવા માગતા લોકો માટે બેસ્ટ છે, કારણ કે એ પેટને લાંબો સમય ભરેલું રાખે છે અને બ્લડ-શુગરને એકદમ સ્થિર રાખે છે. તૂરિયાંના શાકમાં થોડો શેકેલો ચણાનો લોટ ઉમેરીને તૂરિયાંનું લોટવાળું શાક બનાવી શકાય છે. આનાથી શાકનો રસો ઘટ્ટ થાય છે, સ્વાદ વધે છે અને પ્રોટીનનું પ્રમાણ પણ ઉમેરાય છે.
તૂરિયાંની છાલની ચટણી બનાવો
જનરલી આપણે તૂરિયાંનું શાક બનાવતી વખતે છાલ ફેંકી દઈએ છીએ, પણ એમાં પોષક તત્ત્વોની કોઈ કમી હોતી નથી. ઘણા લોકો અલગથી તૂરિયાંની છાલની ચટણી પણ બનાવતા હોય છે. આ એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. એ રોટલી કે ભાત સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.
સામગ્રી : ૧ કપ તૂરિયાંની છાલ બરાબર ધોઈને ઝીણી સમારેલી, બેથી ત્રણ ઝીણાં સમારેલાં લીલાં મરચાં, એક નાની ચમચી આદું-લસણની પેસ્ટ, બે ચમચી તેલ, અડધી ચમચી રાઈ અને જીરું, એક ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ખાંડ કે ગોળ (ઑપ્શનલ), એક ચમચી લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથમીર
બનાવવાની રીત: એક પૅનમાં એક ચમચી તેલ ગરમ કરો. એમાં જીરું, રાઈ અને હિંગનો વઘાર કરો. ત્યાર બાદ એમાં સમારેલી તૂરિયાની છાલ ઉમેરીને સાતથી ૮ મિનિટ માટે મધ્યમ તાપે સાંતળી લો. છાલ નરમ થઈ જાય એટલે એમાં લીલાં મરચાં, આદું-લસણની પેસ્ટ અને મીઠું ઉમેરીને થોડી વાર સાંતળી ગૅસ બંધ કરી દો. મિશ્રણ ઠંડું થાય પછી એને મિક્સરના જારમાં લો. એમાં લીંબુનો રસ, ખાંડ અને કોથમીર ઉમેરીને એને પીસી લો. તમારી હેલ્ધી અને ટેસ્ટી તૂરિયાંની છાલની ચટણી તૈયાર છે.
