Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સાદા અને ઝેરી મલેરિયા વચ્ચેનો ફરક સમજી લો

સાદા અને ઝેરી મલેરિયા વચ્ચેનો ફરક સમજી લો

Published : 30 September, 2026 02:28 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના આંકડા દર્શાવે છે કે મુંબઈમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ઝેરી મલેરિયાના કેસમાં લગભગ ૫૩૫ ટકા જેટલો વધારો થયો છે ત્યારે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ મલેરિયાનો વાવર છે. ભારતને મલેરિયામુક્ત કરવાનું સપનું હજી સાકાર નથી થયું ઇન ફૅક્ટ, છેલ્લાં થોડાં વર્ષોમાં તો ગંભીર ટાઇપના મલેરિયાનો ચેપ પણ વધી રહ્યો છે. આપણે જેને સામાન્ય વાઇરલ તાવ ગણીને પૅરાસિટામૉલ ગળી લઈએ છીએ એ ક્યારેક મલેરિયા પણ હોઈ શકે છે અને એમાંય જો એ ક્યાંક ઝેરી મલેરિયા હોય તો એ ચેપ ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. પ્લાઝમોડિયમ ફાલ્સીપૅરમ તરીકે ઓળખાતો આ મલેરિયા કેવી રીતે ફેલાય છે, એનાં લક્ષણો શું છે અને કયાં લક્ષણો દેખાય ત્યારે સહેજ પણ મોડું કર્યા વગર હૉસ્પિટલ પહોંચવું જરૂરી બને છે એ જાણીએ

મુંબઈમાં પ્લાઝમોડિયમ ફાલ્સીપૅરમ (ઝેરી મલેરિયા)ના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના આરોગ્ય વિભાગના આંકડા મુજબ શહેરમાં ઝેરી મલેરિયાના કેસમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૫૩૫ ટકાનો મોટો વધારો નોંધાયો છે. ૨૦૧૫માં જ્યાં ઝેરી મલેરિયાના ૩૭૫ કેસ હતા એ ૨૦૨૫માં વધીને ૨૩૮૨ થઈ ગયા છે. મતલબ કે ૧૦ વર્ષમાં ૫૩૫.૨ ટકા જેટલો વધારો થઈ ગયો છે. આ સાથે જ મુંબઈના કુલ મલેરિયાના દરદીઓમાં ઝેરી મલેરિયાનો હિસ્સો ૨૦૧૫માં ૫.૫ ટકા હતો એ ૨૦૨૫માં વધીને ૨૫.૩ ટકા થઈ ગયો છે. એવામાં તાવ સાથે ધ્રુજારી થવો, માથાનો દુખાવો થવો, શરીરમાં દુખાવો થવો કે અતિશય નબળાઈ લાગવી વગેરે હોય તો મલેરિયાની શક્યતા પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ બન્ને પ્રકારના મલેરિયામાં શું ફરક છે, બન્નેની શરીર પર કેવી રીતે જુદી-જુદી અસર થાય છે, કયાં લક્ષણો દેખાય તો ડૉક્ટર પાસે જવું એ તમામ વિશે આપણે ૩૧ વર્ષનો અનુભવ ધરાવતા જનરલ ફિઝિશ્યન ડૉ. પરેશ મહેતા પાસેથી વિગતવાર સમજીએ.



સાદો-ઝેરી મલેરિયા શું છે?


સામાન્ય બોલચાલમાં આપણે જેને મલેરિયા કહીએ છીએ એના મુખ્ય બે પ્રકાર ભારતમાં વિશેષ જોવા મળે છે. એક પ્લાઝમોડિયમ વાઇવેક્સ પરોપજીવીથી થતો મલેરિયા, જેને લોકો સાદો મલેરિયા કહે છે અને બીજો પ્લાઝમોડિયમ ફાલ્સીપૅરમ પરોપજીવીથી થતો મલેરિયા, જેને સામાન્ય ભાષામાં ઝેરી મલેરિયા કહેવામાં આવે છે. બન્ને પરોપજીવી પ્લાઝમોડિયમ પરિવારના છે, પરંતુ તેમની સ્પીસીઝ અલગ છે અને શરીરમાં એમનું વર્તન પણ જુદું હોય છે. મલેરિયા કોઈ વાઇરસથી નહીં પરંતુ પરોપજીવી (પૅરાસાઇટ)થી થતો રોગ છે અને એનો ફેલાવો મુખ્યત્વે સંક્રમિત માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે.

બન્નેની કેવી અસર થાય?


સંક્રમિત મચ્છર જ્યારે કરડે છે ત્યારે એના પરોપજીવી લોહી દ્વારા લિવરમાં પહોંચે છે. લિવરમાં એમનો વિકાસ થાય છે અને ત્યાર બાદ તેઓ ફરીથી લોહીના લાલ રક્તકણો (RBCs)માં પ્રવેશ કરે છે. આ તબક્કે બન્નેની વર્તણૂક નીચે મુજબ અલગ પડે છે:

૧. સાદો મલેરિયા ઃ સાદા મલેરિયાના કેટલાક પરોપજીવીઓ લિવરના કોષોમાં મહિનાઓ કે વર્ષો સુધી ઊંઘતી અવસ્થા (ડૉર્મન્ટ સ્ટેજ)માં પડી રહે છે. આ કારણે જો પ્રૉપર કોર્સ ન થાય તો દરદી સાજો થઈ ગયા પછી પણ ભવિષ્યમાં મલેરિયા ફરીથી ઊથલો મારી શકે છે. આ પરોપજીવીઓ મુખ્યત્વે નવા અથવા અપરિપક્વ લાલ રક્તકણોમાં પ્રવેશ કરે છે એટલે લોહીમાં ઇન્ફેક્શન એક હદ સુધી મર્યાદિત રહે છે.

૨. ઝેરી મલેરિયા ઃ ઝેરી મલેરિયાના પરોપજીવી લોહીમાં રહેલા લાલ રક્તકણોને ઝડપથી સંક્રમિત કરી શકે છે અને લોહીમાં પરોપજીવીઓનું પ્રમાણ ઘણું વધી શકે છે. સૌથી ખતરનાક બાબત એ છે કે સંક્રમિત લાલ રક્તકણો રક્તવાહિનીઓની અંદરની સપાટી સાથે ચોંટી જતાં નાની રક્તવાહિનીઓમાં અવરોધ ઊભો કરી શકે છે. આ કારણે મગજ, કિડની અને ફેફસાં સહિતનાં મહત્ત્વનાં અંગોમાં રક્તપ્રવાહ અને ઑક્સિજન પહોંચવામાં ગંભીર અડચણ ઊભી થઈ શકે છે.

સાદા મલેરિયાનાં લક્ષણો

સાદા મલેરિયામાં ઘણી વાર દર ૪૮ કલાકે એટલે કે એક દિવસ છોડીને એક દિવસે તાવ આવે છે. તાવ આવવાના ત્રણ મુખ્ય તબક્કા હોય છે...

  • ઠંડીનો તબક્કો : દરદીને અચાનક અસહ્ય ઠંડી લાગે છે. ધાબળા ઓઢાડવા છતાં તેનું આખું શરીર ધ્રૂજવા લાગે છે.
  • ગરમીનો તબક્કો : શરીર એકદમ ગરમ થઈ જાય છે અને હાઈ ફીવર આવે છે. દરદીને માથું ફાટી જાય એવો દુખાવો અને ઊલટી-ઊબકા થાય છે.
  • પરસેવાનો તબક્કો : થોડા કલાકો પછી આખા શરીરે પુષ્કળ પરસેવો વળે છે અને તાવ એકદમ ઊતરી જાય છે. તાવ ઊતરી ગયા પછી દરદી સામાન્ય અનુભવે છે, પણ ભારે અશક્તિ રહે છે.

ઝેરી મલેરિયાનાં લક્ષણો (સતત અને ગંભીર)

ઝેરી મલેરિયામાં તાવ આવવાની કોઈ ચોક્કસ પદ્ધતિ કે સાઇકલ હોતી નથી અને લક્ષણો ખૂબ ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

  • સતત અથવા અનિયમિત તાવ : આમાં તાવ સાદા મલેરિયાની જેમ પરસેવો વળીને ઝડપથી ઊતરી જતો નથી, પરંતુ સતત ચાલુ રહે છે અથવા દિવસમાં ગમે ત્યારે ઉતાર-ચડાવ દર્શાવે છે.
  • મગજ પર અસર (સેરિબ્રલ મલેરિયા): સંક્રમિત રક્તકણો મગજની નાની રક્તવાહિનીઓમાં અટવાઈ જવાથી દરદી બેભાન થઈ શકે છે, લવારો કરવા લાગે છે કે આંચકી (ખેંચ) આવે છે.
  • કમળો : લિવર પર ગંભીર અસર થવાથી અને રક્તકણો તૂટવાથી આંખો તથા પેશાબ એકદમ પીળાં થઈ જાય છે.
  • કાળો પેશાબ (બ્લૅકવૉટર ફીવર) : રક્તકણો એટલી ઝડપે અને મોટા પ્રમાણમાં તૂટે છે કે મુક્ત થયેલું હીમોગ્લોબિન પેશાબ વાટે બહાર નીકળે છે, જેથી પેશાબ ઘાટો કાળો થઈ જાય છે. આ સ્થિતિ કિડની ફેલ થવાનું મોટું જોખમ ઊભું કરે છે.
  • શ્વાસમાં તકલીફ : ફેફસાં પર સોજો થવાથી કે પાણી ભરાવાને લીધે દરદીને ઝડપી શ્વાસ લેવા પડે છે અને શ્વાસ લેવામાં ભારે તકલીફ થાય છે.
  • અતિશય નબળાઈ અને લોહીની ઊણપ: રક્તકણો ઝડપથી નાશ પામતા હોવાથી દરદીનું શરીર એકદમ ફિક્કું પડી જાય છે અને ગંભીર એનીમિયા સર્જાય છે.

કોના માટે આ તાવ સૌથી વધુ જોખમી?
• નાનાં બાળકો : પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની ઇમ્યુનિટી પૂર્ણ વિકસિત ન હોવાથી ઝેરી મલેરિયા તેમના મગજ અને રક્તકણો પર ખૂબ ઝડપથી હાવી થઈ જાય છે.
• વૃદ્ધો : મોટી ઉંમરના વડીલો, જેમની શારીરિક ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.
• અન્ય બીમારીઓ ધરાવતા દરદીઓ : અનકન્ટ્રોલ ડાયાબિટીઝ, લિવર કે ક્રૉનિક કિડની ડિસીઝ (જેઓ ડાયાલિસિસ પર હોય) ધરાવતા લોકો માટે આ ચેપ મલ્ટિ-ઑર્ગન ફેલ્યરનું કારણ બની શકે છે.

બચાવ, નિવારણ અને જીવનશૈલીમાં કાળજી
મલેરિયાથી બચવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત મચ્છરોના સંપર્કમાં ન આવવું અને પ્રારંભિક નિદાન છે. 
• કપડાંની યોગ્ય પસંદગી : સાંજના સમયે ખાસ કરીને ડાર્ક રંગનાં કપડાં પહેરવાનું ટાળવું, કારણ કે મચ્છરો ઘેરા રંગ તરફ વધુ આકર્ષાય છે. આછા રંગનાં, આખી બાંયનાં અને પગ ઢંકાય એવાં કપડાં પહેરવાં.
• પરસેવો અને સ્વચ્છતા : મચ્છરો શરીરના પરસેવાની ગંધથી આકર્ષાતા હોવાથી બહારથી આવ્યા પછી સ્વચ્છ પાણીથી હાથ-મોં ધોવાં કે સ્નાન કરીને શરીર લૂછી નાખવું.
• બાળકો માટે સાવચેતી : સાંજનાં સમયે બાળકો બગીચામાં કે બહાર રમવા જાય ત્યારે ખુલ્લા ભાગો પર સુરક્ષિત મૉસ્કિટો રેપેલન્ટ ક્રીમ કે જેલ લગાવવી.
• ચોખ્ખું પાણી પણ ભરાવા ન દેવું : મલેરિયા ફેલાવતા માદા એનોફિલિસ મચ્છર ચોખ્ખા, સ્થિર પાણીમાં પણ ઈંડાં મૂકે છે. તેથી કૂંડાં, AC/કૂલર ટ્રે, નારિયેળની કાચલીઓ કે અગાસી પર ભરાયેલું પાણી દર અઠવાડિયે ખાલી કરીને સૂકવવું.
• જાળી અને મચ્છરદાની : બારી-બારણાં પર ઝીણી નેટ લગાવવી અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
• ડૉક્ટરની સલાહ વિના દવા નહીં: જાતે પૅરાસિટામૉલ કે મેડિકલ સ્ટોરમાંથી પૂછીને ઍન્ટિ-બાયોટિક્સ શરૂ ન કરવી. બ્લડ-ટેસ્ટમાં મલેરિયા કન્ફર્મ થાય ત્યારે ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલો ઍન્ટિ-મલેરિયલ દવાનો આખો કોર્સ પૂરો કરવો જરૂરી છે, જેથી ભવિષ્યમાં રોગ ઊથલો ન મારે.

ક્યારે તત્કાળ હૉસ્પિટલમાં પહોંચવું? 
ઝેરી મલેરિયામાં સ્થિતિ ઝડપથી ગંભીર બની શકે છે. તેથી તાવ અને અન્ય લક્ષણોને અવગણવાને બદલે વહેલું નિદાન અને સારવાર અત્યંત જરૂરી છે.
• માનસિક અસંતુલન કે આંચકી : દરદી અસંગત વાતો કરે, ઓળખી ન શકે, વધુ પડતો ઘેનમાં રહે કે હાથ-પગ ખેંચાય.
• પેશાબનો રંગ બદલાવો કે સાવ ઓછો થવો : પેશાબ લાલ-કાળાશ પડતો આવે અથવા ૨૪ કલાકમાં પેશાબનું પ્રમાણ સાવ ઘટી જાય.
• શ્વાસ ચડવો કે હાંફવું : સામાન્ય સ્થિતિમાં બેઠા હોવા છતાં દરદી હાંફવા લાગે કે છાતીમાં ભાર લાગે.
• સતત ઊલટી અને ડીહાઇડ્રેશન : પાણી કે ખોરાક સહેજ પણ પેટમાં ન ટકે અને દરદી સાવ નિસ્તેજ થઈને ઢળી પડે.
• ૪૮ કલાકથી વધુ સમય રહેતો તીવ્ર તાવ : સામાન્ય તાવની દવા લીધા છતાં ધ્રુજારી સાથેનો તાવ ન ઊતરે ત્યારે ઘરે બેસી રહેવાને બદલે ડૉક્ટરની સલાહથી મલેરિયાની ટેસ્ટ (બ્લડ સ્મિયર કે રૅપિડ ટેસ્ટ) કરાવવી જરૂરી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 02:28 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK