Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જો આરામ પૂરો ન થયો હોય તો કસરત માટે ઊંઘ છોડી દેવાય કે કસરત છોડીને પહેલાં ઊંઘ પૂરી કરી લેવાય?

જો આરામ પૂરો ન થયો હોય તો કસરત માટે ઊંઘ છોડી દેવાય કે કસરત છોડીને પહેલાં ઊંઘ પૂરી કરી લેવાય?

Published : 14 July, 2026 03:58 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ઊંઘ અને એક્સરસાઇઝ બન્નેમાંથી જ્યારે એકની પસંદગી કરવાની હોય તો કોની કરવી એ સમજી લઈએ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અનન્યા પાંડેને હાલમાં પૂછવામાં આવ્યું કે શૂટ સવારે પાંચ વાગ્યે પતે તો બીજા ઍક્ટર્સની જેમ તમે પણ સવારે ૭ વાગ્યે જિમમાં મળો છો? ત્યારે તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે ઊંઘ મારા માટે અત્યાધિક મહત્ત્વની છે, ઊંઘને ત્યાગીને જિમમાં જવાની ભૂલ હું નથી કરતી. જોકે આવું કરનારા એક નહીં ઘણા લોકો છે જેઓ તેમનું રૂટીન ખરાબ ન થાય, એક્સરસાઇઝ મિસ ન થાય એ માટે ઊંઘ ન થઈ હોવા છતાં સૂતા નથી અને એક્સરસાઇઝ કરે છે. ઊંઘ અને એક્સરસાઇઝ બન્નેમાંથી જ્યારે એકની પસંદગી કરવાની હોય તો કોની કરવી એ સમજી લઈએ...

ઘણીબધી સેલિબ્રિટીઝના કામના કલાકો ઘણા વિચિત્ર હોય છે. રાત આખી શૂટિંગ હોય અને સવારે પૅક-અપ થાય એ તેમની સાથે અવારનવાર બનતી ઘટના છે. ઘણી સેલિબ્રિટીઝ વાત કરતી હોય છે કે સવારે પાંચ વાગ્યે પૅક-અપ થયું અને ૭ વાગ્યે તેઓ જિમમાં હતા. તેઓ આખી રાત સૂતા નથી પરંતુ એક્સરસાઇઝ છોડતા પણ નથી. આવું ફક્ત સેલિબ્રિટીઝ જ નથી કરતી, પરંતુ ફિટનેસ-ફ્રીક કહી શકાય એવા લોકો પણ આવું જ કરે છે. ફિટનેસનું તેમને એટલું ઘેલું હોય છે કે તાવ આવતો હોય તો પણ એક્સરસાઇઝ કરવા જતા રહે છે, રાત આખી જાગ્યા હોય તો પણ સવારે જિમમાં મળે છે, દસેક દિવસથી સખત ઉજાગરા થતા હોય અને રાત્રે ૩ વાગ્યે સૂએ તો પણ સવારે ૬ વાગ્યાનો અલાર્મ મૂકવાનું ન ભૂલે. અમુક લોકોને તો અલાર્મની જરૂર પણ નથી હોતી. તેઓ જાતે જ ઊઠી જાય છે અને ભાગવા લાગે છે. એવા લોકોને જોઈને જનરલ લોકોને પણ એવું થાય છે કે તમે ગમે એ પરિસ્થિતિમાં હો, એક્સરસાઇઝ કરવી અત્યંત જરૂરી છે. એવામાં અનન્યા પાંડે જેવી સેલેબ આવીને કહે છે કે ભાઈ એવું નથી, સૂવું પણ એટલું જ જરૂરી છે.



એની સામે એવા લોકો પણ છે જેઓ સૂવાને એટલું પ્રાધાન્ય આપે છે કે ગમે એટલા પ્રયાસ કર્યા પછી પણ એક્સરસાઇઝમાં નિયમિત બની શક્યા જ નથી, કારણ કે તેમને પોતાની ઊંઘ જોડે અતિ પ્રેમ છે. રાત્રે સૂવાના કલાકો તેમના ફિક્સ નથી એટલે સવારે ઊંઘ પૂરી થાય અને તેઓ ઊઠી જાય તો વળી એક્સરસાઇઝ કરે. બાકી ઊંઘ પૂરી ન થઈ હોય તો પથારી છોડીને ભાગવાનું કામ જ નહીં. એવા લોકો એક દિવસ જિમ જશે અને ૭ દિવસ ખાડા પાડશે. તેમનું કોઈ શેડ્યુલ બનતું જ નથી. જો સોવત હૈ સો ખોવત હૈ એ કહેવત આ લોકો માટે બની છે. સૂવાનું અને એક્સરસાઇઝ બન્નેમાંથી જ્યારે તમારે પસંદગી કરવાની હોય ત્યારે સંજોગો અને તમારી ખુદની પ્રકૃતિ અતિ મહત્ત્વની છે. ક્યારે સૂઈ જવું અને ક્યારે ઊંઘને ગોળી મારીને એક્સરસાઇઝ કરવી એનું સંતુલન સમજવું જરૂરી છે.


ઊંઘ શા માટે વધુ મહત્ત્વપૂર્ણ છે?

ઊંઘ શરીરનું રિકવરી હાઉસ છે. ઊંઘ દરમ્યાન જ શરીર સ્નાયુઓનું સમારકામ કરે છે, હૉર્મોન્સનું સંતુલન જાળવે છે અને માનસિક થાક દૂર કરે છે. પૂરતી ઊંઘ વગર વ્યાયામ કરવાથી શરીરનું સંતુલન અને એકાગ્રતા ઘટે છે જેનાથી કસરત દરમ્યાન ઈજા થવાનું જોખમ વધી જાય છે. આ સિવાય સ્ટ્રેસ હૉર્મોન કૉર્ટિસોલ વધે છે. થાકેલા શરીરે કસરત કરવાથી કૉર્ટિસોલ વધે છે જે નુકસાનકારક બની શકે છે. આ વિશે વાત કરતાં સેલિબ્રિટી લાઇફ-સ્ટાઇલ મૅનેજમેન્ટ એક્સપર્ટ લીના મોગરે કહે છે, ‘દિવસ દરમ્યાન આપણા શરીરમાં જે પણ વેર ઍન્ડ ટેર એટલે કે જે પણ જગ્યાએ ઘસારો લાગ્યો હોય એ રિપેર કરવાનું કામ રાત્રે ઊંઘમાં થાય છે. એમ સમજી શકાય કે ઊંઘ શરીર માટે એક ‘ઑટો-રિપેર’ મોડ છે. યોગ્ય કસરત અને સારા ખોરાકનો સંપૂર્ણ ફાયદો પણ શરીરને ત્યારે જ મળે છે જ્યારે એને સાતથી ૮ કલાકની ગુણવત્તાસભર ઊંઘ મળે. ઊંઘ એ માત્ર શરીર અને મગજને આરામ આપવાની પ્રક્રિયા નથી, એ એક સક્રિય ‘બાયોલૉજિકલ રિપેર સિસ્ટમ’ છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે શરીર અલગ-અલગ તબક્કામાંથી પસાર થાય છે જેના દ્વારા સ્નાયુઓનું સમારકામ અને વિકાસ થાય છે. શરીર અને મગજ બન્ને એક ડીટૉક્સ પ્રક્રિયા માટે તૈયાર થાય છે અને બધા જ પ્રકારનો કચરો શરીરની અને મગજની બહાર ફેંકવાની પ્રક્રિયા પર કામ થાય છે. રાતની ઊંઘ દરમ્યાન જ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, હૉર્મોન્સનું સંતુલન કેળવાય છે. ઊંઘમાં શરીરના દરેક તંત્રને જરૂરી આરામ પણ મળે છે જેને લીધે એ બીજા દિવસે વધુ સારી રીતે કામ કરી શકવા સમર્થ બને છે.’


એક્સરસાઇઝ માટે ઊંઘ ક્યારે છોડવી?

એ તો સમજાઈ ગયું કે ઊંઘ ફિટનેસનો અતિ મહત્ત્વનો મુદ્દો છે, પરંતુ એક્સરસાઇઝ પણ મહત્ત્વની તો છે જ. તો પછી એવી કઈ પરિસ્થિતિઓ છે જેમાં એક્સરસાઇઝ માટે ઊંઘ છોડવી જોઈએ? આ પ્રશ્નનો જવાબ અપાતાં લીના મોગરે કહે છે, ‘સૌથી પહેલી બાબત તો એ કે ડિસિપ્લિન ભલે બોરિંગ લાગે પણ એ ખૂબ જરૂરી છે. એને કેળવવા માટે તમારે તકલીફોમાંથી પસાર થવું જ પડશે. જો તમે તમારી કમ્ફર્ટ જ જોયા કરશો તો ક્યારેય એક શિસ્તબદ્ધ જીવન નહીં જીવી શકો. એટલે જ્યાં સુધી તમે એક્સરસાઇઝ માટે શિસ્ત કેળવતા નથી ત્યાં સુધી તો તમારે તમારી આળસ, આરામ કે ઊંઘ છોડવાં જરૂરી છે. સવારે ૬ વાગ્યાનું અલાર્મ વાગ્યું અને હજી થાક છે, ઊંઘ આવે છે તો નથી ઊઠતો કરીને પથારીમાં પડ્યા રહેવાનું તો યોગ્ય નથી. ત્યાં એ દલીલ કામ નથી લાગતી કે ઊંઘ અતિ મહત્ત્વની છે. એટલે એક શિસ્ત લાવવા માટે જીવનમાં ઊંઘ છોડવી જરૂરી છે.’

ઊંઘ ક્યારે ન છોડવી?

તમે જ્યારે તમારા જીવનમાં એક ડિસિપ્લિન સેટ કરી દીધી છે, તમારો સૂવાનો અને ઊઠવાનો સમય નક્કી છે, તમે સમય પર જમો છો અને પોષણયુક્ત જમો છો. આ બધાની વચ્ચે તમારું રૂટીન ગરબડ થયું. અચાનક જ ઉજાગરા વધી ગયા. દરરોજ થોડી-થોડી કરીને ઊંઘ ઓછી થવા લાગી અને એક દિવસ એકદમ શરીર એટલું થાકી ગયું કે ઊઠી શકાય એમ જ નથી. ઊંઘની અતિ જરૂર છે. તમને એવા સમયે કસરત કરવા જવાની જરૂર નથી. તમે એકદમ માંદા પડ્યા, તમને ખૂબ થાક લાગી રહ્યો છે તો એક દિવસ સૂઈ જશો તો કોઈ પ્રૉબ્લેમ નથી. ઊલટું એ સમયે સૂઈ જ જવું જોઈએ, કારણ કે તમારું શરીર આ ક્ષણે આરામ માગી રહ્યું છે. આ માટે સમજ કેળવવી જરૂરી છે. શરીર પ્રત્યે માણસ જાગૃત હોય તો એ સમજ કેળવી શકાય.

તમારા શરીરને સમજો

આ બાબતે પોતાનો મત સ્પષ્ટ કરતાં લીના મોગરે કહે છે, ‘ઘણી વાર એવું થાય છે કે જે લોકો દરરોજ એક નિયત સમયે ઊઠતા હોય કે એક્સરસાઇઝ કરતા હોય તે લોકોની બૉડી રિધમ જ એવી થઈ જાય છે કે તેઓ એ સમયે ગમે એટલા થાકેલા હોય પણ આંખ ખૂલી જાય છે. એવા લોકોને થાક લાગે કે ઊંઘ જેવું લાગે પણ તેઓ સૂઈ નથી શકતા અને એ સમયે કસરત કરે, ભલે થોડી હળવી કસરતો કરે, યોગ કરે, વૉક કરે કે સ્ટ્રેચિંગ કરે તો તેમને ઘણું સારું લાગે છે. રિકવરી ફક્ત ઊંઘથી જ આવે એવું નથી. ઘણા લોકોને સૂર્યનો તડકો મળે તો આવે ઘણા લોકો તેમનું રૂટીન ફૉલો કરે તો આવે, ઍથ્લીટ હોય તો બરફનો બાથ લે ત્યારે તેને રિકવરી આવે. આવી વ્યક્તિએ તેમની એક્સરસાઇઝનું રૂટીન ન તોડવું જોઈએ. એક્સરસાઇઝ કરીને ભલે તે એક નૅપ લઈ લે. જે વ્યક્તિઓને ઊંઘની કમી હોય તેમણે પાવર-નૅપ્સ લેવી જોઈએ. આમ જો તમે કસરત કરવા માગતા હો તો સૉલ્યુશન હજાર મળશે. અમુક જ પરિસ્થિતિ એવી હશે જેમાં કસરત છોડીને તમારે આરામ કરવો પડે. બાકી તમે એ મૅનેજ કરી શકો છો.’

માનસિક થાક લાગ્યો હોય તો-તો કસરત અચૂક કરવી

થાક ફક્ત શારીરિક જ નહીં માનસિક પણ હોય છે એમ સમજાવતાં લીના મોગરે કહે છે, ‘ઘણી વખત માણસ માનસિક રીતે થાકી ગયો હોય, સ્ટ્રેસમાં હોય, મગજ ભમતું હોય. એવા સમયે તેને કસરત કરવી નથી હોતી, તેની ઇચ્છા નથી હોતી. આવા સમયે ૧૦૦ ટકા તે વ્યક્તિએ કસરત કરવી જ જોઈએ. ભલે તેનું મન એમાં ન ચોંટે, પણ જેવી તે એક્સરસાઇઝ કરશે તેના હૅપી હૉર્મોન તેના માનસિક થાકને અને સમસ્યાઓને દૂર કરશે. આ વાત દરેક કસરતપ્રેમી જાણે છે કે માનસિક થાકથી કસરત જ તમને છુટકારો અપાવે છે.’

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 03:58 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK