ઘણી વાર એવું થાય કે રાત્રે સૂવામાં મોડું થઈ ગયું હોય અને પૂરતી ઊંઘ ન થઈ હોય. બીજી બાજુ રૂટીન બ્રેક ન થાય એ માટે જિમમાં એક્સરસાઇઝ કરવા જવાનું પણ એટલું જ જરૂરી હોય. એવામાં ઘણી વાર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે શું કરું? ઊંઘ ખેંચી લઉં કે પછી જિમમાં જઉં?
પ્રતીકાત્મક તસવીર
આપણા શરીરને પૂરતો આરામ મળે એ પણ જરૂરી છે અને એને ફિટ રાખવા માટે એક્સરસાઇઝ કરવી પણ એટલી જ જરૂરી છે. એવામાં જ્યારે કોઈક દિવસ બેમાંથી કોઈ એકને પ્રાથમિકતા આપવાની જરૂર પડે ત્યારે શું કરવું જોઈએ એનો જવાબ વિશેષજ્ઞ પાસેથી જાણી લઈએ જેથી આપણે એક યોગ્ય નિર્ણય લઈ શકીએ.
નિષ્ણાતોનું આ વિશે માનવું છે કે આપણે ઊંઘતા હોઈએ ત્યારે શરીર રિપેર થતું હોય છે. જેવી રીતે મશીનને સર્વિસિંગની જરૂર પડતી હોય છે એવી જ રીતે શરીરને પણ દરરોજ અમુક કલાક માટે આરામ જોઈએ છે. આપણે સૂતા હોઈએ ત્યારે માંસપેશીઓની રિકવરી થાય છે, હૉર્મોન્સ સંતુલિત રહે છે, ઊર્જા ફરીથી બને છે, દિમાગ અને ઇમ્યુનિટી-સિસ્ટમ મજબૂત થાય છે.
ADVERTISEMENT
આપણી ઊંઘ પૂરી ન થઈ હોય એમ છતાં આપણે પોતાની જાતને પરાણે એક્સરસાઇઝ કરવા માટે ખેંચીએ છીએ ત્યારે થાક, ચીડિયાપણું, ફોકસની કમી અને ઇન્જરી થવાનું જોખમ વધી જાય છે. વર્કઆઉટની ક્વૉલિટી પણ ઓછી થઈ જાય છે, કારણ કે શરીરની ઊર્જા અગાઉથી જ ઓછી હોય છે.
ઊંઘની કમીથી શરીરમાં અનેક નકારાત્મક બદલાવ આવે છે. જેમ કે હૉર્મોનનું સંતુલન બગડે છે, દિમાગની સતર્કતા ઓછી થઈ જાય છે, રીઍક્શન ટાઇમ સ્લો થઈ જાય છે, સ્ટ્રેન્થ અને બૅલૅન્સ પર અસર પડે છે. ઊંઘની જગ્યાએ એક્સરસાઇઝને પ્રાથમિકતા આપવાથી કૉલેસ્ટરોલનું લેવલ વધી શકે છે અને મસલની રિકવરી પણ પ્રભાવિત થાય છે. તમે વર્કઆઉટ તો કરી લેશો, પણ શરીરને ફાયદો ઓછો અને નુકસાન વધારે થશે.
જો ઊંઘ પાંચ-છ કલાકથી ઓછી થઈ હોય તો જિમ જવાની જગ્યાએ ઊંઘ પૂરી કરી લેવામાં જ ભલાઈ છે. એકથી દોઢ કલાકની વધારાની ઊંઘ મૂડ, ફોકસ, એનર્જી અને પર્ફોર્મન્સને ઘણી હદ સુધી સુધારી શકે છે. જો તમારી ઊંઘ થોડી ઓછી થઈ છે પણ સ્વસ્થ અનુભવી રહ્યા છો તો ભારે વર્કઆઉટની જગ્યાએ હળવી એક્સરસાઇઝ કરી શકો છો.
સારી રીતે આરામ કરેલું શરીર જ ઝડપથી ફૅટ બર્ન કરે છે, બેટર પર્ફોર્મન્સ કરે છે અને લાંબા સમય સુધી ફિટ રહે છે. એટલે આગળથી જ્યારે ઊંઘ પૂરી ન થઈ હોય ત્યારે કોઈ પણ જાતની ગિલ્ટ મનમાં રાખ્યા વગર થોડું વધારે ઊંઘી લેજો. તમારું શરીર એ માટે તમને થૅન્ક યુ કહેશે.


