કટરામાં બે સ્થળે ભક્તો ૨૪ કલાક યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે અને RFID યાત્રા કાર્ડ મેળવી શકશે
માતા વૈષ્ણોદેવી
વિશ્વભરમાંથી જમ્મુમાં આવેલાં માતા વૈષ્ણોદેવીની યાત્રા કરવા આવતા યાત્રાળુઓ મુશ્કેલી વિના યાત્રા કરી શકે એ માટે તેમની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે અને આ સંદર્ભમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે રજિસ્ટ્રેશન-સર્વિસ ૨૪ કલાક ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
હાલમાં માતા વૈષ્ણોદેવીની યાત્રા કરતા યાત્રાળુઓને કટરા રેલવે-સ્ટેશન પર સવારે ચારથી રાત્રે ૧૦ વાગ્યાની વચ્ચે RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિટી) ટ્રાવેલ-કાર્ડ મળે છે અને એ પછી જ તેઓ માતા વૈષ્ણોદેવીની યાત્રા કરી શકે છે. નવા સમય મુજબ તેમને સવારે પાંચથી રાત્રે ૧૨ વાગ્યા સુધી ટ્રાવેલ-કાર્ડ મળશે.
ADVERTISEMENT
જોકે કટરામાં બે સ્થળે ભક્તો ૨૪ કલાક યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે અને RFID યાત્રા કાર્ડ મેળવી શકશે. હવે યાત્રાળુઓને રજિસ્ટ્રેશન સેન્ટરો ખૂલવાની રાહ જોવી નહીં પડે. મોડી રાત્રે મા વૈષ્ણોદેવીના પ્રવેશદ્વાર, દર્શની દેવરી ખાતે તેમની ઑનલાઇન મુસાફરી સ્લિપ સાથે આવતા ભક્તો તેમ જ મોડી રાત્રે ટ્રેનોમાં મુસાફરી કરતા ભક્તોને તેમની ટ્રેનની ટિકિટ અને ટ્રેનનું નામ આપ્યા પછી તરત જ RFID ટ્રાવેલ-કાર્ડ પ્રાપ્ત થશે. એવી જ રીતે ભક્તોને મા વૈષ્ણોદેવીના નવા તારાકોટ રૂટ પર સ્થાપિત યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર પરથી ૨૪ કલાક RFID ટ્રાવેલ-કાર્ડ પ્રાપ્ત થશે.


