Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઋતુઓનો રાજા આવી ગયો છે ત્યારે આહાર, વિહાર અને વ્યવહારમાં આટલું ધ્યાન રાખજો

ઋતુઓનો રાજા આવી ગયો છે ત્યારે આહાર, વિહાર અને વ્યવહારમાં આટલું ધ્યાન રાખજો

Published : 04 February, 2026 02:29 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં દરેક ઋતુની વિશેષતાઓ મુજબ સ્વસ્થ રહેવાના કેટલાક ફંડા આપવામાં આવ્યા છે જેને ઋતુચર્યા કહેવાય છે. અત્યારે ઋતુઓનો રાજા ગણાતી વસંત ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે કફજન્ય રોગોથી બચવા માટે તમારા રૂટીનમાં શું-શું હોવું જોઈએ એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આયુર્વેદમાં આખા વર્ષને બે કાળમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને દરેક કાળમાં લગભગ બે-બે મહિનાના અંતરાલમાં હવામાનમાં આવતા બદલાવને અનુરૂપ ઋતુઓ આવતી હોય છે. એક ઋતુમાંથી બીજી ઋતુમાં જવાના કાળને આયુર્વેદમાં સંધિકાળ તરીકે ઓળખવામાં આવે છે. શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત આ તમામ છ ઋતુઓમાં રાજા ગણાતી ઋતુ એટલે વસંત; જેનો અત્યારે આરંભ થઈ ચૂક્યો છે. પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલી ઊઠે છે ત્યારે વસંત ઋતુનો પ્રારંભ થાય છે. વસંત નવી શરૂઆતનું પ્રતીક મનાય છે અને પ્રકૃતિ એનું સ્વાગત રંગેચંગે કરે છે પરંતુ એની આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે, આ ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું, કેવી રીતે જીવવું અને શું ન કરવું એ જાણવું મહત્ત્વનું છે. આયુર્વેદના ગ્રંથોમાં આપણા ઋષિમુનિઓએ વસંત ઋતુચર્યા માટે શું વાતો કરી છે એ આજે જાણીએ.

શું કામ ખાસ?



નવો પાક, ફૂલો અને પુષ્પોથી મહેકતી આ ઋતુ આયુર્વેદની દૃષ્ટિએ જોઈએ તો માત્ર સુંદરતાની જ નહીં, પણ શરીરમાં મોટા ફેરફારોની પણ ઋતુ છે. આ સંદર્ભે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદના ડિરેક્ટર વૈદ્ય પ્રદીપકુમાર પ્રજાપતિ કહે છે, ‘વસંત પરિવર્તનની અને સફાઈની ઋતુ છે એમ કહી શકો. આ સમયમાં પ્રકૃતિની દૃષ્ટિએ પણ બધી જ દિશાઓ સ્વચ્છ અને નિર્મળ થઈ જાય છે. આ ઋતુ પ્રકૃતિમાં નવજીવન અને ઉત્સાહનો સંચાર કરનારી છે. શરીરની દૃષ્ટિએ જોઈએ તો શિશિરની કડકડતી ઠંડીમાં આપણા શરીરમાં કફનો સંચય થતો હોય છે. જેવો વસંતનો સૂર્ય તપવા લાગે છે એમ આ જામેલો કફ ઓગળવા માંડે છે. આ સ્થિતિ બરાબર એવી જ છે જેમ પર્વતો પર જામેલો બરફ ગરમી પડતાં નદીઓ સ્વરૂપે વહેવા લાગે. શરીરમાં ઓગળતો આ કફ જો યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો એ જઠરાગ્નિને મંદ કરે છે અને ઉધરસ, શરદી કે ઍલર્જી જેવા શ્વસન તંત્ર સાથે જોડાયેલા રોગો જન્માવે છે. એટલે જ આપણા પૂર્વાચાર્યોએ આ ઋતુમાં શરીરનું બીમારીઓથી રક્ષણ કરવા કફદોષ દૂર કરનારો આહાર લેવાનું સૂચન કર્યું છે.’


શું ખાવું અને શું નહીં

કફ વધે એટલે શ્વસનને લગતા રોગો થાય અને બીજી બાજુ પાચનને લગતા રોગો પણ થાય જે નબળી જઠરાગ્નિને કારણે ઘણા રોગોનું મૂળ બને. ડૉ. પ્રદીપ કહે છે, ‘કફ ઘટે અને પાચન ઝડપી થાય એવો આહાર આ ઋતુમાં બેસ્ટ મનાય છે. સામાન્ય રીતે શિશિર ઋતુમાં તમે સ્નિગ્ધ, ગળપણયુક્ત કદાચ થોડોક પચવામાં આહાર લેતા હતા જેને વસંત ઋતુમાં ત્યાગવાનો હોય છે. આ ઋતુમાં જૂના ઘઉંની વસ્તુઓ, જૂના ચોખા ખાઈ શકાય. મગની દાળ ઉપયુક્ત રહેશે. એ સિવાય આ ઋતુમાં તીખો, કડવો અને તૂરો રસ ધરાવતી વસ્તુઓ ખાવી જોઈએ. મધનું સેવન આ ઋતુમાં હિતકારી છે. શક્ય હોય ત્યાં સુધી ગરમ બનાવેલું ફ્રેશ ભોજન લેવું અને ભૂખ કરતાં ઓછું ખાવું એ ઋતુમાં હેલ્ધી રહેવાની ગુરુ ચાવી છે. ઘીને બદલે તેલ લેવું. શાકભાજીમાં કારેલાં, પરવળ અને મેથી જેવી કડવી વસ્તુઓ ગુણકારી છે. આનાથી વિપરીત, અતિશય ગળ્યા, ખાટા કે ભારે ખોરાકથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને દહીં અને ફ્રિજની અત્યંત ઠંડી વસ્તુઓ આ ઋતુમાં સદંતર ટાળવી કારણ કે એ શરીરમાં કફનું પ્રમાણ વધારે છે. આ ઋતુમાં બને એટલો વધુ સમય ગરમ હૂંફાળું પાણી પીવાના લાભ થશે. જમ્યા પછી હૂંફાળું પાણી પીવાથી એ ઉષ્ણોદકનું કામ કરે છે એટલે કે જઠરાગ્નિને વધારે છે.’


જરૂરી છે કસરત

આહાર જેટલું જ મહત્ત્વ વિહાર એટલે કે આપણી દૈનિક પ્રવૃત્તિઓનું છે. ડૉ. પ્રદીપ કહે છે, ‘જઠરાગ્નિ મંદ છે અને કફનું પ્રમાણ વધારે છે ત્યારે વસંત ઋતુમાં વ્યાયામ એટલે કે 
કસરત કરવી અનિવાર્ય છે. શરીરમાંથી પરસેવો નીકળે એવી મહેનત કરવાથી વધારાનો કફ દૂર થાય છે. આયુર્વેદમાં આ સમયે ઉદવર્તન એટલે કે સૂકા પાઉડર કે ઉબટનથી શરીર પર માલિશ કરવાની સલાહ આપવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ઋતુમાં દિવસે સૂવાનું ટાળવું જોઈએ. બપોરની ઊંઘ કફના પ્રકોપને નોતરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પંચકર્મની વમન ક્રિયા આ ઋતુમાં શરીરના શુદ્ધીકરણ માટે શ્રેષ્ઠ ગણાય છે. નસ્ય એટલે કે નાસિકામાં ઘી અને અણુતેલ આદીનો ઉપયોગ પણ આ ઋતુમાં ઇન્ફેક્શનથી બચાવવા માટે ઉપયોગી છે. એ જ રીતે આ ઋતુમાં શરીર પર ચંદન, કેસર જેવાં દ્રવ્યોવાળા ઉબટનના લેપથી મર્દન કરવું કફદોષને નિવારશે.’

ષડંગ પાણી

આ ઋતુમાં સૂંઠ, નાગર ચંદન, ખસ જેવી છ પ્રકારની જડીબુટ્ટીઓનો પાઉડર બનાવવો. પછી જે માત્રામાં પાઉડર લીધો હોય એના પ્રમાણથી ૬૪ ગણું પાણી ઉમેરીને એ પાણીને ઉકાળવાનું. એ અડધું વધે ત્યારે એને ગાળીને દિવસ દરમ્યાન થોડું-થોડું પીવું જોઈએ. જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે અને શરીરના કફદોષને દૂર કરવામાં આ પાણી ઉપયોગી મનાય છે. ષડંગ પાઉડર હવે તૈયાર પણ માર્કેટમાં મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 02:29 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK