આ લીમડાના ઝાડની કમાલ છે જે ગ્રાઉન્ડ વૉટરને ખેંચીને ઉપર લાવે છે અને વૉટર રિટેન્શન કરે છે
પ્રતીકાત્મક તસવીર
આપણા ચિકિત્સાશાસ્ત્રમાં દરેક મહિનામાં ઋતુ પ્રમાણે આહારચર્યા, દિનચર્યા અને ઉત્સવો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સર્જવામાં આવ્યાં છે. ત્રીસ માર્ચે ગૂઢીપાડવા સાથે ચૈત્ર મહિનાની શરૂઆત થઈ અને આયુર્વેદમાં ચૈત્રમાં આખો મહિનો સવારે લીમડાનાં કૂણાં પાન ખાવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે કડવો હોવા છતાં લીમડો શરીરને ઠંડક પ્રદાન કરનારો છે. વાસંતિક જ્વર કહેવાય એવા તાવને દૂર કરવામાં લીમડો અકસીર છે. ઉનાળાની શરૂઆત સાથે શરીરમાંથી નીકળતો પસીનો ત્વચા સંબંધિત રોગોને આમંત્રણ આપે છે. લીમડો એમાં અકસીર છે. લીમડો રક્તશુદ્ધિ કરે છે.
એક બહુ જ મજાની વાર્તા છે. સાઉદી અરેબિયાથી એક વ્યક્તિ આયુર્વેદનો અભ્યાસ કરવા માટે રાજસ્થાન આવી ત્યારે તેના ગુરુએ તેને કહ્યું કે તારા પ્રવાસ દરમ્યાન તું જ્યારે પણ આરામ કરવાનું વિચારે ત્યારે બાવળના ઝાડ નીચે કરજે. રાજસ્થાન પહોંચતાં સુધીમાં તો એ માણસ સુકાઈને લાકડી થઈ ગયો. રાજસ્થાનના વૈદ્યને મળ્યો અને પાછો ત્યાંથી રિટર્ન થઈ રહ્યો હતો ત્યારે વૈદ્યજીએ તેને સૂચન કર્યું કે હવે જ્યારે પણ આરામ કરે ત્યારે ધ્યાન રાખજે કે લીમડાના ઝાડ નીચે જ આરામ થાય. સાઉદી પહોંચતા સુધીમાં તો તે હૃષ્ટપુષ્ટ થઈ ગયો. આ લીમડાની અને આયુર્વેદની તાકાત છે. લીમડો તમને પુનર્જીવન આપે છે. મહારાષ્ટ્રમાં એક જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે ઑબ્ઝર્વ કર્યું કે જ્યાં લીમડાનું ઝાડ છે એની બાજુમાંથી વહેતા નાળાના પાણીમાંથી ઓછી વાસ આવે છે. એ પછી તેણે પ્રયોગ શરૂ કર્યા અને વર્ષમાં એક વાર બસો ક્વિન્ટલ જેટલાં લીમડાનાં બીજને તેના શહેરનાં જુદાં-જુદાં નાળાંઓની આસપાસ વેરી દેતો અને એમાંથી જે આગળ જતાં કડવા લીમડાનાં ઝાડ ઊગ્યાં એણે એ વિસ્તારનાં નાળાંઓના પાણીને શુદ્ધ કર્યું અને દુર્ગંધ પણ દૂર કરી. આ લીમડાના ઝાડની કમાલ છે જે ગ્રાઉન્ડ વૉટરને ખેંચીને ઉપર લાવે છે અને વૉટર રિટેન્શન કરે છે અને એટલે જ રણપ્રદેશ જેવા વિસ્તારોમાં જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં લીમડાનાં ઝાડ જોવા મળે છે.
પાનખર પછી આવતી વસંત ઋતુમાં ઝાડ પર નવાં પાન ઊગ્યાં હોય અને એને સરળતાથી ચાવી શકાય. લીમડાનાં પાનની જેમ એનાં ફૂલ અને ફળનો પણ જુદી-જુદી જગ્યાએ ઉપયોગ થાય છે. આયુર્વેદમાં લીમડાને અમૃતવલ્લી કહેવાય છે એટલે કે જેના તમામ હિસ્સાનો ઉપયોગ હેલ્થ માટે ગુણકારી છે. લીમડાના જૂસના સેવનમાં પ્રમાણભાન મહત્ત્વનું છે. વધુપડતું સેવન નુકસાન કરી શકે. લીંબોડી એટલે કે લીમડાના ફળનું સેવન જોખમી નીવડી શકે છે.

