કોઈ ખાતું નથી કરીને ઘરમાં મીઠાઈઓ બનાવવાની બંધ થઈ ગઈ છે અને ચૉકલેટના ડબ્બાઓ વેચાવા લાગ્યા છે ત્યારે એ સમજવું જરૂરી છે કે ઘરની મીઠાઈઓનું મહત્ત્વ જુદું છે.
પ્રતીકાત્મક તસવીર
દિવાળી એટલે ઉત્સવ, રોશની અને સ્વાદિષ્ટ વાનગીઓનો તહેવાર. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દિવાળીની મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ જો ન્યુટ્રિશન સાયન્સની દૃષ્ટિએ મૂલ્યાંકન કરવામાં આવે તો આપણી પરંપરાગત ભારતીય મીઠાઈઓ અદ્ભુત સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર સાબિત થાય છે. આ મીઠાઈઓ માત્ર સ્વાદ જ નહીં, શરીરને જરૂરી પોષક તત્ત્વો પૂરાં પાડવામાં પણ સક્ષમ છે. આપણે નાના હતા ત્યારે મમ્મી અને દાદીએ બનાવેલી મીઠાઈઓ પ્રેમથી આરોગતા. એ જ રીતે આજે પણ ઘરે બનાવેલી મીઠાઈઓ હેલ્ધી છે એટલે આજકાલ તો કોઈ ગળ્યું ખાતું નથી એમ માનીને દિવાળીએ ઘરે મીઠાઈ ન બનાવવી એ યોગ્ય નથી. કોઈ ખાતું નથી કરીને ઘરમાં મીઠાઈઓ બનાવવાની બંધ થઈ ગઈ છે અને ચૉકલેટના ડબ્બાઓ વેચાવા લાગ્યા છે ત્યારે એ સમજવું જરૂરી છે કે ઘરની મીઠાઈઓનું મહત્ત્વ જુદું છે.
ભારતીય પારંપરિક મીઠાઈઓનો સૌથી મોટો આધાર ગાયનું દેશી ઘી છે. પોષણ વિજ્ઞાન અનુસાર શુદ્ધ ઘી હેલ્ધી ફૅટ્સ એટલે કે ટ્રાયગ્લિસરાઇડ્સ અને શૉર્ટ-ચેઇન ફૅટી ઍસિડ્સનો ઉત્તમ સ્રોત છે જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે અને શરીરમાં ઊર્જાનું સ્તર જાળવી રાખે છે. આજના આધુનિક સમયમાં રિફાઇન્ડ ઑઇલના નુકસાન સામે દાદા-દાદીના જમાનાનું શુદ્ધ ઘી હૃદય અને સાંધાના સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત અને ગુણકારી માનવામાં આવે છે. ઘી વિટામિન A, D, E અને K જેવાં ચરબીમાં ઓગળતાં વિટામિન્સનું શોષણ કરવામાં શરીરને મદદરૂપ બને છે.
ADVERTISEMENT
આ ઉપરાંત દિવાળી પર બનતી મીઠાઈઓમાં મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ જેમ કે કાજુ, બદામ, અખરોટ, પિસ્તાનો ઉપયોગ થાય છે. ન્યુટ્રિશન સાયન્સ મુજબ બદામ અને અખરોટ ઑમેગા 3 ફૅટી ઍસિડ્સ, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને પ્રોટીનથી સમૃદ્ધ હોય છે જે મગજના વિકાસ અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. કાજુ અને પિસ્તામાં મૅગ્નેશિયમ, ઝિન્ક અને વિટામિન્સ હોય છે જે ત્વચાની ચમક અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ડ્રાયફ્રૂટ્સ શરીરને ઇન્સ્ટન્ટ ઊર્જા પૂરી પાડે છે અને થાક દૂર કરે છે.
પરંપરાગત મીઠાઈઓમાં વપરાતા મસાલા અને ઘટકો જેવા કે એલચી, કેસર, તલ, ગોળ અને ચણાનો લોટ પોષકીય દૃષ્ટિએ અમૂલ્ય છે. ચણાનો લોટ કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને પ્લાન્ટ-બેઝ્ડ પ્રોટીન પ્રદાન કરે છે જે
બ્લડ-શુગરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે એનીમિયા સામે રક્ષણ આપે છે. તલ કેગ્ટેશન અને કૅલ્શિયમનો ઉત્તમ સ્રોત છે જે હાડકાંને મજબૂત બનાવે છે. એલચી પાચનશક્તિ સુધારે છે અને ઍસિડિટી સામે \sરક્ષણ આપે છે.
આમ જો ભારતીય મીઠાઈઓનું સેવન મર્યાદિત માત્રામાં અને યોગ્ય ગુણવત્તાયુક્ત ઘટકો સાથે કરવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી પરંતુ અત્યંત હેલ્ધી છે. આપણી પારંપરિક વાનગીઓમાં વિજ્ઞાન અને સ્વાસ્થ્યનો અદ્ભુત સમન્વય જોવા મળે છે જેમને આપણે ગર્વથી અપનાવવી જોઈએ.
