Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: રોશની અને સજાવટથી ઝળહળી ઊઠ્યું માટુંગા, સાથે ઊજાળી ખેડૂતોની દિવાળી

News In Shorts: રોશની અને સજાવટથી ઝળહળી ઊઠ્યું માટુંગા, સાથે ઊજાળી ખેડૂતોની દિવાળી

Published : 09 November, 2026 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિકો દ્વારા પારંપારિક રીતે બધી જ વ્યવસ્થાઓ અને સુશોભનો કરીને માટુંગા-ઈસ્ટને દિવાળીના પવિત્ર તહેવારનો ખરો રંગ દાખવ્યો હોય એવું ભાસતું હતું

તસવીર: આ‌શિષ રાજે

તસવીર: આ‌શિષ રાજે


લાસ્ટ માઇલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા શનિવારથી ત્રણ દિવસનો માટુંગા લાઇટ્સ અપ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો એ દરમ્યાન યુવાનોએ માટુંગા-ઈસ્ટમાં મહેશ્વરી ઉદ્યાનના બ્રિજ નજીક રંગબેરંગી સજાવટો અને રોશનીઓ ઉપરાંત ફટાકડાઓ ફોડીને આખા વાતાવરણને તહેવારના રંગોમાં સજાવી દીધું હતું. સ્થાનિકો દ્વારા પારંપારિક રીતે બધી જ વ્યવસ્થાઓ અને સુશોભનો કરીને માટુંગા-ઈસ્ટને દિવાળીના પવિત્ર તહેવારનો ખરો રંગ દાખવ્યો હોય એવું ભાસતું હતું. જોકે આ ફક્ત સેલિબ્રેશન પૂરતું જ મર્યાદિત નહોતું. આ આખો કાર્યક્રમ મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને મદદ કરવા માટે અને તેમનાં કુટુંબોને મદદ કરી શકાય એ માટે જાગરૂકતા ફેલાવીને તેમની માટે ફન્ડ-ફાળો ઊભો કરવા માટે પણ હતો. ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડ (CMRF) અંતર્ગત આ ફાળો ઊભો કરવા ઉપરાંત આ કાર્યક્રમ યોજનારાઓ દ્વારા ૫૦૦૦ પર્સનલ મેસેજ ખેડૂતો સુધી પહોંચાડીને ૫૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં. એટલે રંગોત્સવ, રંગબેરંગી, રોશનીથી ભરેલી દિવાળીની ઉજવણી સાથે પર્યાવરણ અને ખેડૂતોની મદદ સાથેનો આ કાર્યક્રમ પાર પડ્યો હતો. 

પબ્લિકના રક્ષક પોલીસની અનોખી સલામ




ગણેશોત્સવ, નવરાત્રિ, દશેરા કે દિવાળી કોઈ પણ તહેવાર હોય, મુંબઈગરા એ તહેવારો શાંતિથી અને સુરક્ષાપૂર્વક ઊજવી શકે એ માટે મુંબઈ પોલીસ ૨૪ કલાક ખડે પગે તેની ફરજ બજાવતી હોય છે. તેમના તહેવારો તો ઘર-પરિવારથી દૂર બંદોબસ્તમાં જ પૂરા થઈ જતા હોય છે. વરલીના રહેવાસીઓના ‘આમ્હી વરલીકર’ ગ્રુપે આ વર્ષે પોલીસ-વૅનનું કંડીલ લગાડી પોલીસ દળ માટે કૃતજ્ઞતા દાખવી તેમની સેવાનો અનોખી રીતે આભાર માન્યો છે. અનેક લોકો આ કંડીલ જોવા જઈ રહ્યા છે. 

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સામૂહિક ચોપડાપૂજન


દાદર-ઈસ્ટમાં સ્ટેશન સામે જ આવેલા બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) મંદિરના યોગી સભાગૃહમાં દર વર્ષની જેમ ગઈ કાલે સામૂહિક ચોપડાપૂજનનું આયોજન કરાયું હતું. સ્વામીનારાયણ સંપ્રદાયના વેપારીઓ દ્વારા સંતોના પાવન હસ્તે પૂજન થયેલા અને આશીર્વાદ પામેલા એ રોજમેળ અને ખાતાવહીમાં તેમનો વર્ષભરનો હિસાબ માંડતા હોય છે. પૂજ્ય ભક્તિપરિચય સ્વામી અને પૂજ્ય અભયસ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં ગઈ કાલે એકસાથે ૬૫૦૦થી વધુ ચોપડાનું પૂજન કરતી વખતે સંતો દ્વારા બોલાયેલા શ્લોકો અને આશીર્વચનોથી માહોલ ભક્તિમય થઈ ગયો હતો. તસવીરઃ અતુલ કાંબળે 

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટની ટ્‍‌વિન ટનલની બીજી ટનલના ખોદકામનો શુભારંભ

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ (GMLR) માટે ટ્‍‌વિન ટનલ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાની માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આપવામાં આવી છે. શનિવારે ટનલ બોરિંગ મશીન (TBM) વિહાર દ્વારા બીજી ટનલનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે TBM તુલસી દ્વારા ૨૭૦ મીટરનું ખોદકામ પૂરું થઈ ચૂક્યું છે. મુંબઈના પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરોને જોડવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા GMLR પ્રોજેક્ટનો સંજય ગાંધી નૅશનલ પાર્ક નીચેથી ટનલ બનાવવાનો મહત્ત્વપૂર્ણ તબક્કો પૂરો થઈ ગયો છે. 

મુંબઈ ઍરપોર્ટની છતનો ભાગ પડ્યો, એક જણ જખમી

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA)ના ટર્મિનલ-2 પરની ફૉલ્સ સીલિંગનો થોડો ભાગ રવિવારે તૂટી પડતાં એક જણ જખમી થયાની ઘટના બની હતી. ઍરપોર્ટની ઇમર્જન્સી મેડિકલ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને જખમી થયેલી વ્યક્તિને ફર્સ્ટ-એઇડ આપી હતી. જોકે આ ઘટનામાં તે વ્યક્તિને વધુ ઈજા પહોંચી ન હોવાનું ઍરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. જોકે આ ઘટનાના કારણે ઍરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા સીલિંગ શેના કારણે પડી એની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK