આંકડા સમજવા, ગણતરી કરવામાં મુશ્કેલી પડતી હોય તો એ માત્ર ગણિતમાં નબળાઈ નથી. ડિસ્કૅલ્ક્યુલિયા નામની ડિસેબિલિટીમાં ગણિતના કન્સેપ્ટ્સને અલગ રીતે પ્રોસેસ કરે છે. જાણો એનાં લક્ષણો અને એ બાળકો તથા પુખ્ત વયના લોકોમાં કેવી રીતે જોવા મળે છે
ડિસ્કૅલ્ક્યુલિયા
બૉલીવુડની ઍક્ટ્રેસ તારા સુતરિયાએ તાજેતરમાં તેને ડિસ્કૅલ્ક્યુલિયા હોવાનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું હતું કે ગણતરી કરતી વખતે તેનાથી વારંવાર ભૂલો થઈ જાય છે અને નાણાકીય બાબતો તથા હિસાબ-કિતાબ સંભાળવામાં પરિવાર અને અકાઉન્ટ્સ ટીમની મદદ લેવી પડે છે. આ ખુલાસા બાદ ડિસ્કૅલ્ક્યુલિયા વિશે જાણવું જરૂરી બની જાય છે, કારણ કે આ સ્થિતિ માત્ર ગણિતમાં નબળાઈ પૂરતી મર્યાદિત નથી, એ વ્યક્તિના રોજિંદા જીવનનાં અનેક પાસાંને અસર કરી શકે છે.
ડિસ્કૅલ્ક્યુલિયા એટલે શું?
ADVERTISEMENT
ડિસ્કૅલ્ક્યુલિયા એક પ્રકારનો લર્નિંગ ડિસઑર્ડર છે જે વ્યક્તિની ગણિત સમજવાની અને ગણતરી કરવાની ક્ષમતાને અસર કરે છે. ડિસ્લેક્સિયામાં વાંચન અને ભાષા સાથે જોડાયેલી પ્રક્રિયામાં મુશ્કેલી પડે છે, જ્યારે ડિસ્કૅલ્ક્યુલિયામાં આંકડા અને ગણિતના કન્સેપ્ટ્સને સમજવા તથા પ્રોસેસ કરવામાં તકલીફ પડે છે. સામાન્ય રીતે એનાં લક્ષણો બાળપણમાં જ દેખાવા લાગે છે. જોકે ઘણા લોકોમાં એનું યોગ્ય નિદાન ન થવાને કારણે તેઓ પુખ્ત વય સુધી આ મુશ્કેલી સાથે જીવતા રહે છે. ડિસ્કૅલ્ક્યુલિયા ધરાવતી વ્યક્તિ ઓછી બુદ્ધિશાળી હોય એવું નથી. આ એક લર્નિંગ ડિસેબિલિટી છે જેમાં મગજ ગણિત સંબંધિત માહિતી અલગ રીતે પ્રોસેસ કરે છે. સતત ગણતરીમાં ભૂલો થવાને કારણે કેટલીક વ્યક્તિઓમાં ગણિત પ્રત્યેનો ડર, ચિંતા અથવા હતાશા પણ જોવા મળી શકે છે.
બાળકોમાં કયાં લક્ષણો જોવા મળે છે?
લર્નિંગ ડિસેબિલિટીઝ અસોસિએશન ઑફ અમેરિકા અનુસાર બાળકોમાં ડિસ્કૅલ્ક્યુલિયાનાં કેટલાંક સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે.
પોતાની ઉંમરનાં અન્ય બાળકોની સરખામણીમાં ગણતરી શીખવામાં વધુ સમય લાગવો અથવા વારંવાર ભૂલો થવી.
કોઈ આંકડો કેટલી માત્રા દર્શાવે છે એ સમજવામાં મુશ્કેલી પડવી.
બે અલગ-અલગ ક્વૉન્ટિટીની સરખામણી અથવા અંદાજ લગાવવામાં મુશ્કેલી પડવી.
દિવસો, અઠવાડિયાંના વાર કે દિનચર્યાનો ક્રમ યાદ રાખવામાં તકલીફ થવી.
સરવાળા અને બાદબાકી જેવા સરળ નિયમો યાદ રાખવામાં અથવા એનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડવી.
ઘડિયા યાદ કરવામાં મુશ્કેલી પડવી અથવા યાદ કર્યા પછી ઝડપથી ભૂલી જવું.
શબ્દોમાં આપેલા ગણિતના દાખલામાં કઈ ગણતરી કરવાની છે એ નક્કી ન કરી શકવું.
કાંટાવાળી ઘડિયાળ જોઈને સમય સમજવામાં મુશ્કેલી પડવી.
ગણિતનું નામ સાંભળતાં જ ગભરાટ અથવા અસ્વસ્થતા અનુભવવી.
પુખ્ત વયે કેવી રીતે ઓળખી શકાય?
ડિસ્કૅલ્ક્યુલિયા માત્ર બાળકોની સમસ્યા નથી. બાળપણમાં એનું નિદાન ન થયું હોય તો પુખ્ત વયે પણ એનાં લક્ષણો રોજિંદા જીવનમાં જોવા મળી શકે છે.
આંકડાઓ સાથે જોડાયેલા કામમાં વારંવાર અસહજતા અનુભવવી.
ફોન-નંબર, પાસવર્ડ અથવા મહત્ત્વની તારીખો યાદ રાખવામાં કે લખવામાં ભૂલો થવી.
ખરીદીનું બિલ અંદાજવામાં, છૂટા પૈસા ગણવામાં અથવા રેસ્ટોરાંનું બિલ વહેંચવામાં મુશ્કેલી પડવી.
રેસિપીમાં આપેલા પ્રમાણને વધુ કે ઓછા લોકો માટે બદલવામાં તકલીફ પડવી.
બૅન્ક-અકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ, ચેકબુક અથવા વ્યાજદર જેવી નાણાકીય બાબતો સમજવામાં મુશ્કેલી પડવી.
મૅપ, ગ્રાફ અથવા દિશાઓ સમજવામાં મૂંઝવણ થવી.
અંતર, ઝડપ અથવા સમયનો અંદાજ લગાવવામાં મુશ્કેલી પડવી.
સમયનું યોગ્ય આયોજન ન થઈ શકવાથી અપૉઇન્ટમેન્ટ કે ડેડલાઇન ચૂકી જવી.
ગણિતમાં નબળાઈ અને ડિસ્કૅલ્ક્યુલિયામાં શું તફાવત?
દરેક વ્યક્તિને ગણિત ગમતું ન હોય અથવા ગણિતમાં મુશ્કેલી પડતી હોય તો એને ડિસ્કૅલ્ક્યુલિયા કહેવાય નહીં. ક્યારેક પૂરતી પ્રૅક્ટિસ ન હોવી, કોઈ ચોક્કસ ગણિતના કન્સેપ્ટમાં નબળાઈ હોવી કે ગણિત પ્રત્યેનો ડર પણ ભૂલોનું કારણ બની શકે છે. ડિસ્કૅલ્ક્યુલિયામાં મુશ્કેલી સતત જોવા મળે છે અને માત્ર મુશ્કેલ ગણિત પૂરતી મર્યાદિત હોતી નથી. રોજિંદા જીવનમાં આંકડા, સમય, પૈસા, પ્રમાણ અને સંખ્યાઓ સાથે જોડાયેલાં સામાન્ય કામોમાં પણ વારંવાર તકલીફ પડતી હોય તો નિષ્ણાતનું મૂલ્યાંકન જરૂરી બની શકે છે.
