Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડાર્ક ચૉકલેટ ક્યારે બની જાય અનહેલ્ધી?

ડાર્ક ચૉકલેટ ક્યારે બની જાય અનહેલ્ધી?

Published : 20 April, 2026 02:25 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સામાન્ય રીતે ડાર્ક ચૉકલેટનાં ગુણગાન ખૂબ ગવાતાં રહ્યાં છે, પરંતુ કેટલાક સંજોગોમાં એ હેલ્થને નુકસાન પણ કરી શકે છે. હેલ્ધી સમજીને આડેધડ માત્રામાં જો ડાર્ક ચૉકલેટ ખાતા હો તો આ વાંચી લો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમને ખબર છે પ્રાચીન ગ્રીસમાં કોકોનાં બી એટલે કે ડાર્ક ચૉકલેટ દેવોનો ખોરાક મનાતો. કોકોનાં બીનો ચલણી નોટ તરીકે ઉપયોગ થયો હોવાનું પણ ઇતિહાસમાં લખાયેલું છે તો સાથે કોકોનાં બીનું ચૉકલેટમાં રૂપાંતરણ થતાં પહેલાં એને મીઠું અને મરચું નાખીને પીણું બનાવીને પીવાની પણ પરંપરા હતી. આજે આપણે જે ચૉકલેટ બાર ખાઈએ છીએ એનો ઇતિહાસ બહુ જૂનો નથી. ૧૮૪૭માં બ્રિટિશ ચૉકલેટ ઉત્પાદક દ્વારા વિશ્વનો સૌપ્રથમ આધુનિક ચૉકલેટ બાર બનાવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી ડાર્ક ચૉકલેટને લગતાં અઢળક રિસર્ચો આવતાં રહ્યાં છે. આજના સમયમાં મોટા ભાગના ડાયટિશ્યન ડાર્ક ચૉકલેટ હેલ્થ માટે સારી છે એવું પૂરા આત્મવિશ્વાસ સાથે કહેતા હોય છે અને ભૂતકાળમાં ઘણી વાર ડાર્ક ચૉકલેટના લાભ વિશે ચર્ચાઓ પણ આપણે કરી છે. જોકે ડાર્ક ચૉકલેટના સેવનના મામલામાં સાવધાની ન રખાય તો એ આરોગ્યને નુકસાન પણ કરી શકે છે એ વાત પણ જગજાહેર છે. આજે ડાર્ક ચૉકલેટની અવળી સાઇડ અને એને ખાવાની સાચી રીત પર ચર્ચા કરીએ.

કૅલરીનું શું?



ઘણા લોકો ડાર્ક ચૉકલેટમાં શુગરનું પ્રમાણ ઓછું હોય છે એટલે એમાં કૅલરી નથી એમ જાણીને વજન ઘટાડવા માટે ડાર્ક ચૉકલેટનું સેવન કરતા હોય છે, પરંતુ ખરેખર એમાં શુગર છે કે નહીં એ જાણવું પણ મહત્ત્વનું છે. દાદરમાં પ્રૅક્ટિસ કરતાં સ્પોર્ટ્‌સ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશ્યન ઋતુજા હુકેરી કહે છે, ‘ઘણી વાર ડાર્ક ચૉકલેટમાં કદાચ શુગર-કન્ટેન્ટ ડાયરેક્ટ્લી ઓછું લખેલું હોય, પણ અન્ય આર્ટિફિશ્યલ સ્વીટનર્સનું પ્રમાણ વધુ હોય જેથી એ વજન ઘટાડવા માગતા અને શુગરનું ઓછા પ્રમાણમાં સેવન કરવાનું ઇચ્છતા લોકો માટે હાઈ શુગરનું કામ કરી શકે અને વજન વધારવામાં પણ નિમિત્ત બની શકે. ડાર્ક ચૉકલેટની અસર તમે એનું સેવન ક્યારે અને કેટલા પ્રમાણમાં કરો છો એના પર પણ નિર્ભર કરે છે.’


ચૉકલેટમાં કેટલાંક એવાં તત્ત્વો છે જેના હેલ્થ-બેનિફિટ્સ છે અને એનાથી જ અંજાઈને લોકો બેફામ ડાર્ક ચૉકલેટ ખાતા થઈ જતા હોય છે. આની સ્પષ્ટતા કરતાં ઋતુજા કહે છે, 
‘કેટલાંક ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ ડાર્ક ચૉકલેટમાં હોય છે.

ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ એટલે એવાં તત્ત્વો જે શરીરની એજિંગ-પ્રોસેસને ધીમી પાડે, જે શરીરના કોષોને લાગતા ઘસારાને નિયંત્રિત કરે. એ હૃદયના સ્વાસ્થ્ય અને મગજની કાર્યક્ષમતા માટે ફાયદાકારક છે. એમાં મૅગ્નેશિયમ, આયર્ન, કૉપર અને ઝિન્ક જેવાં મહત્ત્વનાં ખનિજો હોય છે. એનું નિયમિત અને મર્યાદિત સેવન નર્વસ સિસ્ટમને શાંત કરવામાં મદદ કરી શકે છે, પરંતુ જેને કૅફીનની ઍલર્જી હોય અથવા જેમનું શરીર વધુ પ્રમાણમાં કૅફીનને હૅન્ડલ ન કરી શકતું હોય તેમના માટે ડાર્ક ચૉકલેટ લાભ કરતાં નુકસાન વધુ કરી શકે. ડાર્ક ચૉકલેટમાં રહેલું કૅફીન ઍન્ગ્ઝાઇટી વધારી શકે. જેમને ઍસિડિટીનો પ્રૉબ્લેમ હોય અને તેઓ જો ભૂખ્યા પેટે ડાર્ક ચૉકલેટ ખાય તો તેમને ઍસિડ રિફ્લક્સ કરી શકે, ઍસિડિટી વધારી શકે, પાચનતંત્રને લગતી સમસ્યાઓમાં વધારો કરી શકે. જેમને માઇગ્રેન કે કિડનીના સ્ટોનની સમસ્યા હોય તેમણે ડાર્ક ચૉકલેટ ખાતા પહેલાં સાવચેત રહેવું જોઈએ.’


તો કેવી રીતે ખાવી?

ડાર્ક ચૉકલેટનો મૅક્સિમમ લાભ મળે અને એનાથી થતું નુકસાન ટળે એ માટે એને ખાવાની રીત વિશે વાત કરતાં ડાયટિશ્યન ઋતુજા હુકેરી કહે છે, ‘તમે  દિવસની લગભગ વીસથી ત્રીસ ગ્રામ ચૉકલેટ જમ્યા પછી ખાઓ તો વાંધો નથી. એમાં ૬૫ ટકાથી વધારે કોકોનું પ્રમાણ હોય એવી ડાર્ક ચૉકલેટ પસંદ કરવી અને સાથે એ પણ ખાસ ચેક કરવું કે એમાં કોઈ આર્ટિફિશ્યલ ફ્લેવરિંગ તો નથીને. દિવસમાં બપોરે બે ક્યુબ જેટલી ડાર્ક ચૉકલેટ ખાઈ શકાય. રાતે પણ ખાઈ શકો, પરંતુ એમાં રહેલું કૅફીન તમારી ઊંઘને ડિસ્ટર્બ કરી શકે. ડાર્ક ચૉકલેટનું સેવન ફાઇબર, પ્રોટીન અને કાર્બ્સયુક્ત સંપૂર્ણ ભોજન લઈને પછી કરાય તો એનું ઍબ્સૉર્બ્શન સારું થાય અને સાથે જ ઍસિડિટીની સમસ્યા ટાળી શકાય.’

તમને ખબર છે?

અઢારમી સદી સુધી યુરોપમાં ચૉકલેટ માત્ર અમીરો અને રાજવીઓ માટે જ હતી. એ એટલી મોંઘી હતી કે એને પીવાલાયક સોનું કહેવામાં આવતું હતું.

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 02:25 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK