સોશ્યલ મીડિયાના જમાનામાં ડિલિવરીના ફોટો અને વિડિયો પર્ફેક્ટ આવે એ માટે ઘણી મહિલાઓ હૉસ્પિટલ જતી વખતે મેકઅપ કરવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે હૉસ્પિટલની લેબર-રૂમમાં તમારી આ સુંદરતા તમારા અને તમારા આવનારા બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે.
પ્રતીકાત્મક તસવીર
માતૃત્વનો અહેસાસ દરેક સ્ત્રી માટે અનમોલ હોય છે. આજકાલ સોશ્યલ મીડિયાના જમાનામાં ડિલિવરીના ફોટો અને વિડિયો પર્ફેક્ટ આવે એ માટે ઘણી મહિલાઓ હૉસ્પિટલ જતી વખતે મેકઅપ કરવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે હૉસ્પિટલની લેબર-રૂમમાં તમારી આ સુંદરતા તમારા અને તમારા આવનારા બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે?
દરેક સ્ત્રી માટે માતૃત્વનો અનુભવ ખાસ હોય છે અને આજકાલ હૉસ્પિટલની બૅગ પૅક કરતી વખતે મહિલાઓ પોતાની સાથે મેકઅપ કિટ પણ રાખતી હોય છે જેથી ડિલિવરી પછીના ફોટો સારા આવે. જોકે તબીબી દૃષ્ટિકોણથી જોઈએ તો ડિલિવરી પહેલાં અને એ દરમ્યાન મેકઅપ, નેઇલ-પૉલિશ કે કોઈ પણ પ્રકારની કૉસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જાણીતાં સિનિયર ગાયનેકોલૉજિસ્ટ ડૉ. શફાલી દધીચ ટુંગરિયાએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર આને લઈને એક મહત્ત્વની જાણકારી શૅર કરી છે.
ડિલિવરી વખતે નૅચરલ રહેવું કેમ જરૂરી છે?
ત્વચાના કુદરતી રંગનું નિરીક્ષણ : ડિલિવરી દરમ્યાન ડૉક્ટરો સતત દરદીના ચહેરા અને ત્વચાના રંગ પર નજર રાખતા હોય છે. જો અચાનક વધુપડતું બ્લીડિંગ થાય તો ત્વચા ફિક્કી પડી
જાય છે. એવી જ રીતે જો શરીરમાં ઑક્સિજન ઓછો થાય તો હોઠ કે ત્વચા વાદળી પડવા લાગે છે. જો ચહેરા પર ફાઉન્ડેશન કે કન્સીલર લગાવેલું હોય તો ડૉક્ટર આ
ગંભીર સંકેતો જોઈ શકતા નથી જે જીવલેણ બની શકે છે.
ઑક્સિજન લેવલની તપાસમાં અવરોધ : ડિલિવરી વખતે લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ માપવા માટે આંગળી પર પલ્સ ઑક્સિમીટર લગાવવામાં આવે છે. આ મશીન નખમાં પ્રકાશ પસાર કરીને રીડિંગ લે છે. જો નખ પર ઘાટી નેઇલ-પૉલિશ અથવા ઍક્રિલિક નેઇલ્સ (આર્ટિફિશ્યલ નખ) હોય તો સેન્સર બરાબર કામ નથી કરતું અને ઑક્સિજન લેવલનું ખોટું રીડિંગ મળે છે.
ઇમર્જન્સી અને સર્જરીની તૈયારી : ઘણી વાર નૉર્મલ ડિલિવરી વખતે અચાનક ઇમર્જન્સી ઊભી થાય અને સિઝેરિયન કરવું પડે ત્યારે ઑપરેશન થિયેટરમાં જતાં પહેલાં શરીર સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જરૂરી છે. લોશન કે પરફ્યુમ જેવી વસ્તુઓ ઘણી વાર જ્વલનશીલ હોઈ શકે છે જે સર્જરીનાં સાધનો સાથે પ્રતિક્રિયા કરે છે.
કેમિકલ અને ઍલર્જીનું જોખમ : મેકઅપ પ્રોડક્ટ્સમાં પૅરાબેન્સ, ફ્યેલેટ્સ અને ફૉર્માલ્ડિહાઇડ જેવાં કેમિકલ્સ હોય છે જે ત્વચા સાથે શોષાય છે.
લેબર-પેઇન દરમ્યાન પરસેવો થવો સામાન્ય છે. જ્યારે પરસેવો અને મેકઅપ મિક્સ થાય છે ત્યારે ત્વચા પર બળતરા કે ઇન્ફેક્શન થઈ છે. ઉપરાંત પરફ્યુમની તીવ્ર ગંધ ઍલર્જી પણ જગાડી શકે છે.
નવજાત શિશુની સુરક્ષા : ડિલિવરી પછી તરત જ બાળકને માતાની નજીક લાવવામાં આવે છે. જો મમ્મીએ લિપસ્ટિક લગાડી હોય કે વધુપડતો મેકઅપ કર્યો હોય તો એ બાળકની અત્યંત સંવેદનશીલ ત્વચા પર લાગી શકે છે, જેનાથી નવજાત શિશુને રૅશિસ કે ઍલર્જી થવાનું જોખમ રહે છે.
