બેલાપુરની મહિલાએ જાતઅનુભવ કરી લીધો, બે ઠગે કાળા જાદુનો ડર બતાવીને તેની પાસેથી ખંખેરી લીધા ૧.૯૦ લાખ રૂપિયા
NRI સાગરી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ.
નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે કાળા જાદુ અને અઘોરી વિધિના નામે ૧.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર NRI સાગરી પોલીસે ૨૯ વર્ષના અર્જુન ચવાણ ઉર્ફે ટનટન બાબા અને ૨૪ વર્ષના સાગર શિંદે ઉર્ફે એકલહરી બાબાની ધરપકડ કરી છે. આ મહિલા છેલ્લા કેટલાક સમયથી પારિવારિક મુશ્કેલીઓ અને આર્થિક સંકટોનો સામનો કરી રહી હતી. આ માનસિક તનાવ અને હતાશાને કારણે તે આ બન્ને ભોંદુબાબાના સંપર્કમાં આવી હતી. આરોપીઓએ મહિલાને ડરાવી દીધી હતી કે તેના પર કોઈએ ભયાનક કરણી-પ્રેતબાધા કરી છે અને જો જલદી ઉપાય કરવામાં નહીં આવે તો મોટું નુકસાન થશે. આ બન્નેએ મહિલા પર કાળો જાદુ થયો હોવાનું નાટક રચીને ૧.૯૦ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની માહિતી પોલીસે આપી છે.
છેતરપિંડીનો અહેસાસ કેવી રીતે થયો?
ADVERTISEMENT
NRI સાગરી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુસીબતમાંથી મુક્તિ મેળવવાના બહાને આરોપીઓએ વિવિધ પૂજા-વિધિઓ અને અઘોરી નુસખાઓ કરવાનું કહીને મહિલા પાસેથી માર્ચ અને એપ્રિલ મહિનામાં પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદી મહિલાએ રોકડ અને ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન દ્વારા કુલ ૧.૯૦ લાખ રૂપિયા આ ઠગ બાબાને આપ્યા હતા. જોકે આટલા પૈસા ખર્ચવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં અને આરોપીઓની વર્તણૂક શંકાસ્પદ જણાતાં મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યાર બાદ તેણે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે તપાસ કરીને નાશિકથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વાતોમાં ભોળવી દેવામાં માહેર છે. આરોપીઓએ અન્ય લોકો સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી હોવાની અમને શંકા છે.’
