આવું ઘણી વાર થતું હોય છે. અધકચરી માહિતી સાથે તમે આંખની ટ્રીટમેન્ટ કરાવો અને પૂરું પરિણામ ન મળે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પહેલાં દર દસમાંથી પાંચ જણને ચશ્માંના નંબર આવતા હતા, હવે લગભગ દસમાંથી ૭ જણને ચશ્માંના નંબર આવી જાય છે અને એ પણ ૩૦ વર્ષથી નાની વયની ઉંમરે. એને જ કારણે હવે લોકો નાની ઉંમરે ટેક્નૉલૉજીની મદદથી ચશ્માંના નંબર ઉતારતા થયા છે. આ બદલાવ સારો છે, પણ એમાં કેટલીક સમજણની જરૂર છે.
ચશ્માંના નંબર ઉતારવાની સર્જરી કેવા સંજોગોમાં સફળ ન થાય એ પણ સમજવું જરૂરી છે. મારી પાસે એક ભાઈ ફરિયાદ લઈને આવેલા કે તેમણે મહારાષ્ટ્રના કોઈ બીજા શહેરમાં નંબર ઉતારવાની સર્જરી કરાવી હોવા છતાં તેમને વિઝનમાં તકલીફ હતી. તેમને લાગતું હતું કે ગામના નાના ડૉક્ટર હતા એટલે તેમની સર્જરી સફળ નથી થઈ એટલે શું ફરીથી સર્જરી કરાવી શકાય?
ADVERTISEMENT
આવું ઘણી વાર થતું હોય છે. અધકચરી માહિતી સાથે તમે આંખની ટ્રીટમેન્ટ કરાવો અને પૂરું પરિણામ ન મળે.
દરદી ૪૫ વર્ષના હતા. ૧૫ વર્ષથી બન્ને આંખે માઇનસ પાંચથી વધુ નંબર હતા. સિલિન્ડ્રિક ઍન્ગલ પણ હતો. તેમને સતત લાઇટિંગ અને વેલ્ડિંગનું કામ કરવાનું રહેતું હતું. આંખો નબળી પડવાથી તેમણે એ કામ છોડી તો દીધેલું, પણ આંખોને જે ડૅમેજ થઈ ચૂક્યું હતું એ પાછું રિવર્સ થાય એમ નહોતું. તેમણે નંબર ઉતારવા માટે લેસિક સર્જરી કરાવી લીધી, પણ તેમને રાતના સમયે વિઝનમાં સ્પષ્ટતા પાછી આવી જ નહીં.
મૂળમાં તેમને નાઇટ વિઝનની તકલીફ હતી. વેલ્ડિંગના કામને કારણે આંખના પડદામાં થયેલા ડૅમેજને લીધે ડિમ લાઇટમાં કંઈ જ દેખાતું નહોતું. આ પરિસ્થિતિ સતત વણસતી જતી હતી. જ્યારે પણ વિઝનમાં તકલીફ લાગે એટલે ચશ્માંની ફ્રેમવાળાને ત્યાં જઈને નંબર ચેક કરાવીને નંબર બદલાવી લેતા. જોકે નાઇટ વિઝનમાં એનાથીયે ફરક પડતો નહીં.
આમાં સમજવા જેવી વાત એ છે કે રાતે જોવામાં તકલીફ પડવી એને રતાંધળાપણાની તકલીફ કહેવાય છે. આ તકલીફનું નિદાન કોઈ ચશ્માંની ફ્રેમવાળાને ત્યાં નથી થઈ શકતું. રાતે જોવામાં તકલીફ પડતી હોય એનાં બે કારણો છે. એક તો રતાંધળાપણું જે જિનેટિક પ્રૉબ્લેમ છે. બીજી તકલીફ છે રેટિનાઇટિસ પિગ્મેન્ટોઝાની તકલીફ. એમાં આંખના પડદાને જ નુકસાન થાય છે અને ધીમે-ધીમે રાતનું વિઝન ઘટતું જાય છે. જો જિનેટિક તકલીફ હોય અને વિટામિન્સની ખામીને કારણે થતી તકલીફ હોય તો વિટામિન Aનાં સપ્લિમેન્ટ્સ લેવાથી ફાયદો જરૂર વર્તાય, પણ પડદાને નુકસાન થઈ ગયું હોય તો એ રિવર્સ થઈ શકે નહીં.
લેસિકથી ચશ્માંના નંબર ઉતારવાથી નાઇટ વિઝનની તકલીફમાં કોઈ ફરક ન પડે, કેમ કે એ બન્ને સમસ્યાઓ જ અલગ છે.
આંખનો પડદો એક એવો અવયવ છે જેને થયેલું ડૅમેજ રિવર્સ કરવું લગભગ અશક્ય છે. એટલે જ આંખની તકલીફોની કોઈ પણ સારવાર કરાવતી વખતે ઓવરઑલ આંખના વિઝન અને અંદરના અવયવોને સમજીને સારવાર થાય એ સુનિશ્ચિત કરવું જરૂરી છે.
-ડૉ. હિમાંશુ મહેતા
