પહેલાંની સ્ત્રી પોતાની પ્રેગ્નન્સીમાં બેડ-રેસ્ટ ભાગ્યે જ લેતી પરંતુ આજે બેડ-રેસ્ટ લેવાનું નૉર્મલ થઈ ગયું છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
સ્ત્રી પ્રેગ્નન્ટ છે એનો અર્થ એ નથી કે તે બીમાર છે. અતિશય શ્રમ પડે એવાં કામને છોડીને તે એક નૉર્મલ ઍક્ટિવ લાઇફ જીવી શકે છે એટલું જ નહીં, એવી ઍક્ટિવ લાઇફ જ તેને અને તેના બાળકને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. હા, પ્રેગ્નન્સી દરમિયાન દરેક સ્ત્રીને પોતે સામાન્ય રીતે કરતી હોય એના કરતાં થોડા વધુ આરામની જરૂર હોય જ છે પરંતુ અમુક કૉમ્પ્લીકેશન્સ એવાં આવે છે કે લગભગ બેડ-રેસ્ટ લેવો પડે છે. આજકાલ પ્રેગ્નન્ટ સ્ત્રીઓને બેડ-રેસ્ટ રેકમન્ડ કરવાનું જાણે કે ખૂબ સહજ થઈ ગયું છે. ઘણીબધી સ્ત્રીઓ એવી છે જેને કોઈ ને કોઈ કારણોસર ડૉક્ટર બેડ-રેસ્ટ લેવાનું કહે છે. આવા સમયે તેમની સાસુ કે મમ્મીઓના મોઢે એક જ વાત સાંભળવા મળતી હોય છે કે અમે તો આટલા છોકરા પેદા કર્યા, અમે તો ક્યારેય બેડ-રેસ્ટ લીધો નહોતો; ઊલટું કેટલું કામ કરતાં હતાં. ત્યારે નવી પેઢી પાસે એક જ જવાબ જોવા મળે છે કે તમારો સમય જુદો હતો. પ્રેગ્નન્સીની એવી કઈ પરિસ્થિતિઓ છે જેમાં ડૉક્ટર બેડ-રેસ્ટનું સૂચન કરતા હોય છે અને એ લેવો જરૂરી છે કે નહીં એ વિશે આજે જાણીએ.
એક હેલ્ધી પ્રેગ્નન્સી માટે પ્રૉપર ડાયટ, સ્પેશ્યલ એક્સરસાઇઝ કે યોગ, દરરોજનું વૉકિંગ ખૂબ જ જરૂરી છે. બેડ-રેસ્ટની વાત ત્યારે આવે છે જ્યારે અચાનક કોઈ પ્રૉબ્લેમ ઊભો થાય. પ્રેગ્નન્સીના પહેલા ૩ મહિના મિસકૅરેજનું અને છેલ્લા ત્રણ મહિના પ્રી-મૅચ્યોર ડિલિવરીનું રિસ્ક રહેલું હોય છે. મોટા ભાગે સ્ત્રી પહેલેથી પ્રૉપર ચેકઅપ કરાવડાવે, પોતાનું ધ્યાન રાખે તો કૉમ્પ્લીકેશન્સનું રિસ્ક ઘટી જાય છે, જો કૉમ્પ્લીકેશન આવે અને ડૉક્ટર્સ જો બેડ-રેસ્ટ સજેસ્ટ કરે તો આરામ કરવો જરૂરી જ બને છે.
ADVERTISEMENT
પહેલાંની સ્ત્રી પોતાની પ્રેગ્નન્સીમાં બેડ-રેસ્ટ ભાગ્યે જ લેતી પરંતુ આજે બેડ-રેસ્ટ લેવાનું નૉર્મલ થઈ ગયું છે. એનું એક કારણ છે હેલ્થ પ્રત્યે આવેલી જાગરૂકતા. પહેલાંના સમયમાં મિસકૅરેજનું પ્રમાણ ઘણું વધારે હતું જે આજે બહેતર સુવિધાઓ સાથે ઘટ્યું છે. પહેલાંના સમયમાં જન્મ સમયે બાળકના મૃત્યુનું પ્રમાણ પણ વધુ હતું જે આજે ઘણું જ ઓછું છે. હવે ઓબેસિટી, થાઇરૉઇડ,
બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ જેવી હેલ્થ કન્ડિશન્સ, લેટ પ્રેગ્નન્સી, એક જ બાળકની ઇચ્છા, ઇન્ફર્ટિલિટીના પ્રૉબ્લેમ્સ પછી આવેલી પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લીકેશન્સની શક્યતા વધુ જણાય છે જે આજે સામાન્ય રીતે જોવા મળતા પ્રૉબ્લેમ્સ છે.