દરરોજ આપણે પોતાની જાતને એ કહીને દિલાસો આપીએ કે આવતી કાલથી કસરત શરૂ કરીશ, પણ એ કાલ આવતી નથી. સમય નથી, જગ્યા નથી, સાધન નથી એવાં બહાનાં આપણે આગળ ધરી દઈએ છીએ; પણ જો એક દોરડું અને ૧૦ મિનિટ તમારી લાઇફને હેલ્ધી બનાવી શકે તો?
સ્કિપિંગ આવી જ એક સરળ અને શક્તિશાળી કસરત છે જે સેલિબ્રિટી પણ પોતાના ફિટનેસ-રૂટીનમાં અપનાવે છે
પ્રિયંકા ચોપડાએ એક વખત તેના ફિટનેસ-રૂટીનને લઈને વાત કરતાં કહ્યું હતું, ‘મને સ્કિપિંગ એટલે કે દોરડા કૂદવાનું ખૂબ ગમે છે, હું પ્રયત્ન કરું છું કે અઠવાડિયામાં ત્રણ વાર કોઈ ને કોઈ નાનું વર્કઆઉટ કરી લઉં, હું વધારે કન્સિસ્ટન્ટ નથી પણ એક વસ્તુ હું જરૂર કરું છું અને એ છે સ્કિપિંગ, મને સ્કિપિંગ ખૂબ પસંદ છે, મેં એ સ્કૂલમાં સારી રીતે શીખ્યું હતું અને ફિલ્મ ‘મૅરી કૉમ’ દરિમયાન એ વધુ સારું થઈ ગયું હતું. હું મારો કાર્ડિયો સ્કિપિંગથી પૂરો કરું છું. એ બૅગમાં સરળતાથી રહી પણ જાય.’
કાલિનામાં રહેતાં અને સ્પોર્ટ્સમાં ઍક્ટિવ બાવન વર્ષનાં દીપાલી શાહ પણ તેમના ફિટનેસ-રૂટીનમાં સ્કિપિંગને સામેલ કરે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું વેસ્ટર્ન રેલવે બાસ્કેટબૉલ ટીમની કોચ છું. બાળપણથી જ સ્કિપિંગ મારા રૂટીનનો ભાગ રહ્યું છે. અત્યારે પણ જિમમાં જઈને વર્કઆઉટ તો કરવાનું હોય જ, પણ સાથે-સાથે અઠવાડિયામાં ત્રણ વાર હું સ્કિપિંગ પણ કરી જ લઉં. ૧૦૦૦ સ્કિપિંગ કરતાં મને ૧૦-૧૫ મિનિટ લાગે. દરેકે પોતાના ફિટનેસ-લેવલના હિસાબે સ્કિપિંગ કરવું જોઈએ. તમે દિવસમાં ૫૦થી ૧૦૦ સ્કિપિંગ કરો તો એ પણ કસરત જ છે. તમે કેટલા સ્કિપિંગ કરો છો એના કરતાં કન્સિસ્ટન્સી મેઇન્ટેન કરો એ જરૂરી છે. ઘણી વાર એવું લાગે તો હું ગ્રાઉન્ડમાં પણ દોરડા કાઢીને સ્કિપિંગ કરી લઉં. આનાથી તમારાં સ્ટૅમિના અને એન્ડ્યૉરન્સ વધે છે. માઇન્ડ-બૉડીનું જે કનેક્શન છે એ સ્ટ્રૉન્ગ થાય છે. સ્કિપિંગની સૌથી સારી વાત એ છે કે આને તમે ઘરે, ટેરેસ પર ગમે ત્યાં કરી શકો. આમાં તમારે કોઈ એવા સ્પેશ્યલ મશીનની જરૂર નથી.’
ADVERTISEMENT
મુલુંડમાં રહેતાં ૫૮ વર્ષનાં ગૃહિણી મમતા જોટાણિયા પણ દરરોજ યોગની સાથે સ્કિપિંગ કરે છે. તેઓ કહે છે, ‘હું દરરોજ સવારે ટેરેસ પર જઈને સવારના કૂણા તડકામાં યોગ કરું છું. યોગ કરતાં પહેલાં વૉર્મઅપ માટે દરરોજ સ્કિપિંગ કરું. એનાથી તમારા શરીરના બધા મસલ્સમાં ફ્લેક્સિબિલિટી આવે. યોગાસનો કરતી વખતે શરીર સારી રીતે વળે અને સ્થિરતા પણ રહે. કેટલીક વાર એવું બને કે યોગ કરવાનો સમય ન રહ્યો હોય તો
પણ હું પાંચ-દસ મિનિટ માટે સ્કિપિંગ તો કરી જ લઉં. એટલું પણ કરો તો તમને સ્ફૂર્તિનો અનુભવ થાય.’
સ્કિપિંગના ફાયદા જાણી લો
દોરડાકૂદ પ્રમાણમાં સરળ અને મજા આવે એવી ફિઝિકલ ઍક્ટિવિટી તો છે જ અને સાથે એ થોડા સમયમાં વધુ ફાયદો આપતી કસરત પણ છે. ફિઝિયોથેરપિસ્ટ ખુશી ઠક્કર એના નીચે મુજબના ફાયદાઓ જણાવે છે...
હાર્ટને મજબૂત બનાવે : સ્કિપિંગ એક પાવરફુલ કાર્ડિયો એક્સરસાઇઝ છે. દરરોજ સ્કિપિંગ કરવાથી હાર્ટ વધારે અસરકારક રીતે લોહી પમ્પ કરવાનું શીખે છે જેથી હાર્ટ-અટૅક, હાઈ બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલનું જોખમ ઓછું થાય છે.
ફૅટ-બર્ન અને વેઇટ-કન્ટ્રોલ : સ્કિપિંગમાં પૂરું શરીર ઍક્ટિવ રહે છે. એટલે ઓછા સમયમાં વધુ કૅલરી બર્ન થાય છે અને ફૅટને પણ ધીમે-ધીમે ઓછી કરે છે.
મેટાબોલિઝ્મ ઝડપી કરે : નિયમિત સ્કિપિંગથી શરીરનો મેટાબોલિક રેટ વધે છે. એટલે કે કસરત પૂરી થયા બાદ પણ શરીર લાંબા સમય સુધી કૅલરી બર્ન કરતું રહે છે જે વજન-નિયંત્રણમાં મદદરૂપ બને છે.
બૉડીને શેપ આપે : સ્કિપિંગથી ખાસ કરીને સાથળ, પિંડીઓ અને પેટની માંસપેશીઓ ઍક્ટિવ થાય છે. સમય સાથે બૉડી ટોન થવા લાગે છે અને શેપ સુધરે છે.
હાડકાંઓ મજબૂત થાય : સ્કિપિંગ એક વેઇટ-બેઅરિંગ એક્સરસાઇઝ છે જે બોન-ડેન્સિટી વધારે છે. એનાથી ઉંમર વધવાની સાથે થતી હાડકાંની કમજોરીનો ખતરો ઓછો થાય છે.
જૉઇન્ટ્સ અને બૅલૅન્સ સુધરે : યોગ્ય ટેક્નિકથી સ્કિપિંગ કરવાથી ઍન્કલ, ઘૂંટણ અને હિપના જૉઇન્ટ્સ મજબૂત થાય છે.
સાથે-સાથે શરીરનું બૅલૅન્સ અને કો-ઑર્ડિનેશન પણ સુધરે છે.
સ્ટૅમિના વધારે : શરૂઆતમાં શ્વાસ ફૂલે છે, પણ નિયમિત અભ્યાસથી શરીર વધારે ઑક્સિજન લેવા અને ઉપયોગ કરવા લાગે છે જેનાથી થાક ઓછો અનુભવાય છે.
મેન્ટલ સ્ટ્રેસ ઓછું કરે : સ્કિપિંગ કરતી વખતે શરીરમાં એન્ડોર્ફિન હૉર્મોન રિલીઝ થાય છે, જે નૅચરલ મૂડ-બૂસ્ટર હોય છે. એનાથી તનાવ ઓછો થાય છે અને મન હળવાશ અનુભવે છે.
ઊંઘની ગુણવત્તા સુધરે : રોજ ઍક્ટિવ રહેવાથી બૉડીની નૅચરલ સ્લીપ-સાઇકલ સુધરે છે. સ્કિપિંગ કરનારા લોકોને ગાઢ ઊંઘ આવે છે.
બ્લડ-સર્ક્યુલેશન સુધરે : ફાસ્ટ મૂવમેન્ટથી પૂરા શરીરમાં બ્લડ-ફ્લો સુધરે છે જેનાથી હાથ-પગ ઠંડા પડવા, સુસ્તી અને થાક જેવી સમસ્યા ઓછી થાય છે.
નૅચરલ ગ્લો આવે : સારું બ્લડ-સર્ક્યુલેશન અને પરસેવાના માધ્યમથી ટૉક્સિન્સ બહાર નીકળે છે જેનાથી ત્વચા ગ્લોઇંગ અને હેલ્ધી દેખાય છે.
ફોકસ અને ડિસિપ્લિન વધારે : સ્કિપિંગમાં તાલમેલ, ટાઇમિંગ અને ધ્યાન જોઈએ. એટલે દરરોજ એ કરવાથી માઇન્ડ વધારે ફોક્સ્ડ અને ડિસિપ્લિન્ડ બને છે.
ઇમ્યુનિટી સપોર્ટ : રેગ્યુલર ફિઝિકલ ઍક્ટિવિટી શરીરની ડિફેન્સ-સિસ્ટમને મજબૂત બનાવે છે, જેનાથી વારંવાર બીમાર પડવાની સંભાવના ઓછી થઈ જાય છે.
ઓછા સમયમાં ફુલ વર્કઆઉટ : ફક્ત ૧૦-૨૦ મિનિટનું સ્કિપિંગ પૂરા શરીરને ઍક્ટિવ કરી દે છે. જિમ જવાનો સમય ન હોય ત્યારે આ એક સારો વિકલ્પ છે.
કૉન્ફિડન્સ વધારે : જ્યારે શરીર ફિટ હોય તો આપણને એનર્જેટિક, પૉઝિટિવિટી અને સેલ્ફ-કૉન્ફિડન્સ વધારે ફીલ થાય છે.


