Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શરીરને ઠંડક આપે છે આ ટ્રેડિશનલ રાજસ્થાની સુપરફૂડ ફોગલાં

શરીરને ઠંડક આપે છે આ ટ્રેડિશનલ રાજસ્થાની સુપરફૂડ ફોગલાં

Published : 14 May, 2026 04:40 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ઘણા ગુજરાતીઓ માટે આ નામ નવું હોઈ શકે છે, પરંતુ રાજસ્થાનમાં એ વર્ષોથી લોકપ્રિય વનસ્પ​તિ છે. ખાસ કરીને ઉનાળાની આકરી ગરમીમાં પારો ૪૫ ડિગ્રીને પાર કરી જાય ત્યારે ફોગલાં શરીર માટે રક્ષાકવચ જેવું કામ કરે છે...

ફોગલાં

ફોગલાં


ફોગ મુખ્યત્વે રેતાળ અને રણપ્રદેશમાં જોવા મળતી એક વિશિષ્ટ વનસ્પતિ છે. ભારતમાં એ ખાસ કરીને રાજસ્થાનના થાર રણ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છના સરહદી વિસ્તારો અને પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ છોડનું નામ ‘ફોગ’ છે અને એના પર આવતાં ફૂલોને ફોગલાં તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણીય દૃષ્ટિએ આ છોડ કુદરતનું વરદાન છે. એને અત્યંત ઓછું પાણી જોઈએ છે અને એ રેતીના ઢૂવા પર સહજતાથી ઊગી નીકળે છે. એનાં મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જઈને રેતીને મજબૂતીથી પકડી રાખે છે, જે રણમાં ફૂંકાતા જોરદાર પવનોને કારણે થતું રેતીનું ધોવાણ અટકાવવામાં કુદરતી રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. આશ્ચર્યની વાત એ છે કે ૪૫થી ૫૦ ડિગ્રી જેવી ભીષણ ગરમીમાં પણ આ છોડ પોતાની લીલોતરી જાળવી રાખે છે. રણમાં જ્યારે અન્ય કોઈ ઘાસ કે વનસ્પતિ ટકી શકતી નથી ત્યારે ફોગ પશુઓ માટે ખોરાકનો મુખ્ય સ્રોત બને છે. આ છોડનાં સૂકાં ફૂલ એટલે કે ફોગલાં ઔષધીય ગુણોનો ભંડાર છે. રાજસ્થાનમાં વર્ષોથી ગરમીમાં લૂથી બચવા માટે ફોગલાંનું સેવન કરવાની પરંપરા છે. એની ઠંડી તાસીર શરીરના આંતરિક તાપમાનને જાળવી રાખવામાં મદદ કરે છે. આજે ફોગલાંનો વ્યાપ માત્ર રણપ્રદેશ પૂરતો મર્યાદિત રહ્યો નથી. એની ઉપયોગિતાને કારણે હવે ઈ-કૉમર્સ સાઇટ્સ પર પણ કૂલિંગ ફૂડ તરીકે એનું વેચાણ થઈ રહ્યું છે. આજે આપણે ન્યુટ્રિહિલનાં ફાઉન્ડર અને બારથી વધુ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન શ્વેતા જૈન પાસેથી ફોગલાંના સ્વાસ્થ્યવર્ધક ફાયદા અને એને આહારમાં ઉપયોગમાં લેવાની સાચી રીત વિશે વિગતવાર જાણીશું.

પોષક તત્ત્વોનો ખજાનો
ફોગલાંમાં રહેલાં પોષક તત્ત્વોની વાત કરીએ તો એ લો કૅલરી અને લો ફૅટ તેમ જ ફાઇબરથી ભરપૂર હોય છે. એ સિવાય એમાં વિટામિન C, પોટૅશિયમ, ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આર્યન, ઝિન્ક જેવાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.

હેલ્થ-બેનિફિટ્સ 
આધુનિક વિજ્ઞાન કદાચ હજી દરેક પરંપરાગત માન્યતાને સાબિત ન કરી શક્યું હોય, પરંતુ રાજસ્થાનના લોકો ઉનાળામાં ફોગલાંનો ઉપયોગ કરે છે એની પાછળ ચોક્કસ તર્ક અને વર્ષોનો અનુભવ રહેલો છે. રાજસ્થાનમાં ઉનાળામાં તાપમાન ૪૫-૫૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે. ફોગલાંની તાસીર અત્યંત ઠંડી હોય છે. એને દહીં સાથે ભેળવીને રાયતું બનાવવામાં આવે છે ત્યારે એ શરીરના આંતરિક તાપમાનને જાળવી રાખવામાં અને ગરમી સામે લડવામાં મદદ કરે છે. રણપ્રદેશમાં ફૂંકાતા ગરમ પવન જેને આપણે ‘લૂ’ કહીએ છીએ એનાથી બચવા માટે ફોગલાંનું રાયતું એક રામબાણ ઇલાજ ગણાય છે. એ લૂ લાગવાથી આવતા તાવ કે નબળાઈને રોકે છે. ફોગલાંમાં પોટૅશિયમનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે શરીરમાં પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. ગરમીમાં ઘણી વાર ભૂખ ઓછી લાગે છે અથવા પાચનતંત્ર ધીમું પડી જાય છે. ફોગલાંમાં રહેલું ફાઇબર અને દહીંમાં રહેલું પ્રો-બાયોટિક્સ મળીને પાચનશક્તિ વધારે છે અને પેટમાં બળતરા કે ઍસિડિટી થતી અટકાવે છે. ફોગલાંમાં વિટામિન C, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને પોટૅશિયમ-ફૉસ્ફરસ જેવાં મિનરલ્સ ભરપૂર હોય છે. એ શરીરના કોષોને નુકસાન થતું અટકાવે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વાઇરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. એમાં રહેલા રેસાના પ્રમાણને કારણે એ લોહીમાં શુગરના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરી શકે છે. રણપ્રદેશની ભીષણ ગરમીમાં લીલાં શાકભાજી મળવાં મુશ્કેલ હોય છે ત્યારે આ કુદરતી રીતે ઊગતાં ફોગનાં ફૂલ (ફોગલાં) એક પૌષ્ટિક વિકલ્પ પૂરો પાડે છે. આ એક એવું ટ્રેડિશનલ ફૂડ છે જે રોજિંદા વપરાશમાંથી ધીમે-ધીમે અદૃશ્ય થતું જઈ રહ્યું છે. ફોગલાંના રાયતાની જેમ ફોગલાંનાં ઢોકળાં પણ એક રાજસ્થાની ટ્રેડિશનલ અને પૌષ્ટિક ડિશ છે. એ સિવાય રોટલા કે રોટલી બનાવતી વખતે ફોગલાંને ઘઉં, બાજરી, મકાઈ વગેરેના લોટમાં પણ મિક્સ કરવામાં આવે છે, કારણ કે એમાં ફાઇબર સારું હોવાથી એ રોટલીને વધુ પૌષ્ટિક બનાવે છે.

આ રીતે બનાવો ફોગલાંનું રાયતુ
ફોગલાંનું રાયતુ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં પાણી લો અને એને ગરમ કરો. પાણી ઊકળવા લાગે એટલે એમાં ફોગલાં ઉમેરો અને એને ૮-૧૦ મિનિટ સુધી ઉકાળો. પાણી ઊકળવા લાગે પછી જ ફોગલાં નાખવા. ઊકળવાથી ફોગલાં કદમાં વધશે અને પાણીનો રંગ પણ બદલાશે. હવે ફોગલાંને ગરણીથી ગાળી લો અને એક બાજુ રાખો. એક પૅન ગરમ કરો. એમાં એક ચમચી જીરું ઉમેરો અને એ ભૂખરા રંગનું થાય ત્યાં સુધી શેકો. શેકાઈ ગયા પછી ગૅસ બંધ કરી દો અને જીરાને એક વાટકીમાં ઠંડું થવા માટે કાઢી લો. શેકેલું જીરું ઠંડું થઈ જાય એટલે એને ખાંડીને પાઉડર બનાવી લો. હવે એક બાઉલમાં દહીં લો અને એને વલોવી લો. એમાં બાફેલાં ફોગલાં, શેકેલા જીરાનો પાઉડર, લાલ મરચું, મીઠું અને સમારેલા લીલા ધાણા ઉમેરો. વઘાર માટે એક નાની કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો. એમાં અડધી ચમચી  ઉમેરો અને એને બરાબર તતડવા દો. ત્યાર બાદ એમાં ૩-૪ મીઠા લીમડાનાં પાન, એક ચપટી હળદર અને હિંગ ઉમેરો. આ તૈયાર કરેલા વઘારને દહીંના મિશ્રણમાં ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને ઠંડું અથવા ગરમાગરમ પીરસો. આ રાયતાને તમે પુલાવ, બિરયાની, પરાઠા કે શાક-રોટલી સાથે ખાઈ શકો છો.

ફોગલાંનાં ઢોકળાં
જરૂરી સામગ્રી : ઘઉંનો લોટ ૧ વાટકો, ફોગલાં ૧ વાટકો, લાલ મરચાંનો પાઉડર ૧ ટેબલ સ્પૂન, હળદર ૧ ટી સ્પૂન, ખાવાનો સોડા ૧ ટી સ્પૂન, આખા ધાણા ૧ ટી સ્પૂન, અજમો ૧ ટી સ્પૂન, હિંગ ૧ ટી સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, તેલ/ઘી જરૂર મુજબ.

બનાવવાની રીત : સૌથી પહેલાં ફોગલાંને બે કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ એને બેથી ત્રણ વાર સાફ પાણીથી ધોઈ લો. ધોતી વખતે ધ્યાન રાખવું કે ફોગલાં પાણીમાં ઉપર આવશે અને કચરો નીચે બેસી જશે. આ રીતે એને હળવા હાથે નિતારી લેવા. એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો. એમાં ધોયેલાં ફોગલાં, ખાવાનો સોડા, મીઠું, લાલ મરચું, હિંગ અને હળદર ઉમેરો. આખા ધાણા અને અજમાને હાથથી સહેજ મસળીને (ક્રશ કરીને) નાખો. બધી સામગ્રી બરાબર મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરીને નરમ લોટ બાંધી લો. એક મોટા તપેલા કે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. એના પર કાણાંવાળી ચાળણી રાખો અને ચાળણી પર થોડું તેલ લગાવો જેથી ઢોકળાં ચોંટે નહીં. તૈયાર કરેલા લોટમાંથી નાના ગોળ લૂઆ બનાવી વચ્ચેથી છેદ કરીને મેંદુ વડાં જેવો આકાર આપો અને એને ચાળણી પર ગોઠવો. ઢાંકણ ઢાંકીને દસથી ૧૫ મિનિટ સુધી મધ્યમ આંચ પર વરાળમાં બાફો. ગરમાગરમ ઢોકળાંને ઘી, ખાંડ અને દહીં સાથે પીરસો. આ પરંપરાગત રીત છે જે સ્વાદમાં ખૂબ જ ઉત્તમ લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 04:40 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK